[1] જ્ઞાને પોતાનું ઘર બાંધ્યું છે. તેણે પોતાના સાત સ્તંભો કોતરી કાઢયા છે;
[2] તેણે માંસ અને દ્રાક્ષારસ તૈયાર કર્યા છે; અને મેજ ગોઠવીને તૈયાર કર્યુ છે.
[3] તેણે પોતાની દાસીઓને શહેરમાં ઊંચામાં ઊંચા સ્થાનેથી આ જાહેર કરવા મોકલી છે કે,
[4] “કોઇ ભોળું હોય, તે અહીં અંદર આવે; અને બુદ્ધિહીન લોકોને તે કહે છે,
[5] આવો, મારી સાથે ભોજન લો અને મેં રેડેલો દ્રાક્ષારસ પીઓ.
[6] તમારી હઠ છોડી દો તો જીવવા પામશો, બુદ્ધિને માગેર્ ચાલો.”
[7] જે ઉદ્ધત માણસને ઠપકો આપે છે તે અપમાનિત થાય છે. જે દુષ્ટ માણસને સુધારવા જાય છે તે દુ:ભાય છે.
[8] ઉદ્ધત માણસને ઠપકો ન આપો, નહિ તો તે તારો તિરસ્કાર કરશે, જ્ઞાની માણસને ભૂલ બતાવશો તો તે તમને પ્રેમ કરશે.
[9] જો તમે જ્ઞાની વ્યકિતને સલાહ આપશો તો તે વધુ જ્ઞાની બનશે. અને ન્યાયી વ્યકિતને શિક્ષણ આપશો તો તેના જ્ઞાનમાં વૃદ્ધિ થશે.
[10] યહોવાથી ડરવું એ જ્ઞાનની શરૂઆત છે, પરમપવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિની શરૂઆત છે.
[11] જ્ઞાનને લીધે તારું આયુષ્ય લાંબુ થશે અને તારા જીવનના વષોર્ વધશે.
[12] જો તું જ્ઞાની હોય તો એ તારા લાભની વાત છે.જો તું ઉદ્ધત થઇશ, તો તારે તેની કિંમ્મત ચૂકવવી પડશે.
[13] મૂર્ખ સ્ત્રી કંકાસિપણ છે; અને સમજણ વગરની છે. અને છેક અજાણ છે.
[14] તે નગરની ઊંચી જગાઓ ઉપર અને પોતાના ઘરને બારણે બેસે છે.
[15] ત્યાંથી તેણી પોતાને માગેર્ ઝડપથી પસાર થતા લોકોને બોલાવે છે.
[16] “જે કોઇ મૂર્ખ હોય, તે અહીં અંદર આવે;” અને બુદ્ધિહીનને તેણી કહે છે કે,
[17] “ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે, અને છુપાવીને ખાધેલો રોટલો સ્વાદિષ્ટ લાગે છે.”
[18] પરંતુ એ લોકોને ખબર નથી કે ત્યાં તો મોતની જગ્યા છે. અને તેના મહેમાનો શેઓલ તરફ આગળ વધી રહ્યાં છે.