[1] મારા દીકરા, મારા વચનો પાળજે. અને મારી આજ્ઞા યાદ રાખજે.
[2] તારે જીવવું હોય તો મારી આજ્ઞાઓનું પાલન કરજે, અને મારા ઉપદેશને તારી આંખની કીકીની જેમ જાળવજે,
[3] એને તારી આંગળીએ બાંધજે, એને તારા હૃદય પર લખજે.
[4] જ્ઞાનને કહે કે તું મારી બહેન છે, અને બુદ્ધિને “તું મારું કુટુંબ છે.”
[5] જેથી એ બંને તને વ્યભિચારી સ્ત્રીથી બચાવશે. પોતાના શબ્દો વડે ઉંપરાણું કરનાર પરસ્ત્રીથી તારું રક્ષણ કરશે.
[6] કારણ કે એક વખત મેં મારા ઘરની બારી નજીક ઊભા રહીને જાળીમાંથી સામે નજર નાખી;
[7] અને ત્યાં મેં ઘણાં અણઘડ યુવાનોને જોયા. તેમાં એક અક્કલહીન યુવાન મારી નજરે પડ્યો.
[8] એક સ્ત્રીના ઘરના ખૂણા પાસેથી તે બજારમાંથી પસાર થતો હતો, તે સીધો તેણીના ઘર તરફ જતો હતો.
[9] દિવસ આથમ્યો હતો, સાંજ પડવા આવી હતી અને રાતનું અંધારું ફેલાતું હતું.
[10] અચાનક એ સ્ત્રી તેને મળવા બહાર આવી, તેણે વારાંગના જેવા વસ્ત્રો પહેર્યા હતાં અને એના મનમાં કપટ હતું.
[11] તે ધ્યાનાકર્ષક અને બળવાખોર સ્ત્રી હતી. તેના પગ પોતાના ઘરમાં કદી ટકતા ન હતા;
[12] કોઇવાર ગલીઓમાં, ક્યારેક બજારની જગ્યામાં, તો કોઇવાર ચોકમાં શેરીના-ખૂણે લાગ તાકીને ઊભી રહેતી હતી.
[13] તે સ્ત્રીએ તેને પકડ્યો અને ચુંબન કર્યુ અને નિર્લજ્જ મોઢે તેને કહ્યું કે,
[14] “આજે રાત્રે મારે મારા શાંત્યાર્પણો ખાવા પડશે, આજે મેં પ્રતિજ્ઞા લીધી છે; આજે મેં મારા વચનો પૂર્ણ કર્યા છે.
[15] તેથી હું તને મળવા બહાર આવી છું. હું ક્યારની તને શોધતી હતી, આખરે તું મળ્યો ખરો.
[16] મેં મારા પલંગ ઉપર સુંદર ચાદરો પાથરી છે આ ચાદરો મિસરથી આવી છે!
[17] મેં મારી શૈયાને બોળ, અગર, અને તજથી સુગંધીદાર બનાવી છે.
[18] ચાલ, આપણે પરોઢ થતાં સુધી પેટપૂર પ્રીતિ, આખી રાત મોજમાં મગ્ન થઇ પ્રેમની મજા માણીએ.
[19] મારો ધણી ઘેર નથી તે લાંબી મુસાફરીએ ગયો છે.
[20] તે પોતાની સાથે રૂપિયાની થેલી લઇ ગયો છે. અને છેક પૂનમ લગી તે પાછો આવનાર નથી.”
[21] તે તેને ઘણા મીઠા શબ્દોથી સમજાવે છે અને સુંવાળી વાતોથી વહાલથી તે તેને ખેંચી જાય છે.
[22] અચાનક તે જેમ બળદ કસાઇવાડે જાય, અને જેમ ગુનેગારને સજા માટે સાંકળે બાંધીને લઇ જવાય તેમ જલ્દીથી તેની પાછળ જાય છે.
[23] આખરે તેનું કાળજુ તીરથી વીંધાય છે; જેમ કોઇ પક્ષી પોતાનો જીવ જશે એમ જાણ્યા વગર જાળમાં ધસી જાય છે, તેમ તે જાય છે.
[24] માટે, હે પુત્રો, સાંભળો, અને મારા મુખના શબ્દો પર લક્ષ આપો.
[25] તારું હૃદય તેણીના રસ્તે વળે નહિ. તેના રસ્તાઓમાં રખડતો નહિ.
[26] કારણ, તેણે ઘણાને ઘાયલ કર્યા છે, તેમને મારી નાખ્યાં છે અને અસંખ્ય માણસોના પ્રાણ લીધા છે.
[27] તેનું ઘર મૃત્યુ લોકના માગેર્ છે કે, જે મૃત્યુનાં ઓરડામાં પહોંચાડે છે.