Skip to content
Opens in a new window

[1] જ્યારે તું કોઇ અધિકારીની સાથે ખાવા બેસે ત્યારે તું કોની સાથે બેઠો છે તે ધ્યાનમાં રાખજે.

[2] અને જો તારી ભૂખ પ્રબળ હોય તો તારે ગળે છરી મૂક.

[3] સ્વાદિષ્ટ વાનગીઓ માટે ઝૂરીશ નહિ, કારણ કે તે ખોરાક છેતરામણો હોય છે.

[4] ધનવાન થવા માટે તન તોડીને વૈતરું ના કરીશ, હોશિયાર થઇને પડતું મૂકજે.

[5] તે (ધન) આંખના પલકારામાં ઊડી જશે. પૈસો પોતાના માટે પાંખો ઉગાડશે. આકાશમાં ઊડતાં ગરૂડની જેમ તે ઉડી જાય છે.

[6] કંજૂસને ત્યાં ભાણું ખાઇશ નહિં, કે તેની સ્વાદિષ્ટ વાનગીની તું ઇચ્છા રાખતો નહિ.

[7] કારણકે, એ તારા ગળામાં વાળની જેમ ચોંટી જશે. તે તને “ખાઓ, પીઓ” કહેશે તો ખરો, પણ મનથી નહિં કહે.

[8] તેં ખાધેલો કોળિયો પણ તારે ઓકી કાઢવો પડશે, અને તેં કરેલાં વખાણ નકામાં જશે.

[9] મૂર્ખને શિખામણ આપીશ નહિ, તારી સમજુ સલાહનો પણ તે તિરસ્કાર કરશે.

[10] અસલની હદના પથ્થરો ખસેડીશ નહિં, અને અનાથના ખેતરોમાં પ્રવેશ કરીશ નહિ.

[11] કારણ, તેમનું રક્ષણ કરનાર બળવાન છે; તે તારા વિરૂદ્ધ તેમનો પક્ષ લેશે.

[12] શિસ્તમાં ચિત્ત પરોવ અને જ્ઞાનને તારા કાને ધર.

[13] બાળકને ઠપકો આપતાં વિચલીત થઇશ નહિ. જો તું તેને ફટકારીશ તો તે કંઇ મરી જશે નહિ.

[14] તારે તેને ફટકારવું, અને તેને મૃત્યુથી ઉગારવો.

[15] બેટા, જો તું ડાહ્યો થઇશ તો મારું હૃદય હરખાશે.

[16] તારા મોઢે જ્ઞાનના સારા શબ્દો સાંભળીને હું રાજી થઇશ.

[17] તારા મનમાંય પાપીની ઇર્ષ્યા ન કરીશ, પણ હંમેશા યહોવાથી ડરીને ચાલજે.

[18] તો તારું ભવિષ્ય ઉજ્જવળ છે અને તારી આશા વ્યર્થ નહિ જાય.

[19] મારા દીકરા, મારી વાત સાંભળ અને ડાહ્યો થા, અને તારા ચિત્તને સાચા માગેર્ દોરજે.

[20] દ્રાક્ષારસ પીનારાઓનો અથવા તો જેઓ છૂટથી માંસ ખાય છે તેનો સંગ કરીશ નહિ.

[21] કારણકે, દ્રાક્ષારસ પીનારાઓ અને ખાઉધરાઓ કંગાલ દશાને પામે છે. અને ઊંધ તેમને ચીથરાથી ઢાંકી દેશે.

[22] તારા પોતાના પિતાનું કહ્યું સાંભળ, એ તારા જન્મદાતા છે; અને તારી જનેતાનો વૃદ્ધાવસ્થામાં ધિક્કારીશ નહિ.

[23] સત્યને ખરીદજે પણ વેચીશ નહિ; હા, જ્ઞાન, શિખામણ અને બુદ્ધિ ખરીદ જે પણ તેને વેચીશ નહિ.

[24] નીતિમાન પુત્રના પિતા આનંદથી હરખાય છે, અને જે પુત્ર શાણો છે તે તેના જન્મદાતાને આનંદ આપશે.

[25] તારા માતાપિતા પ્રસન્ન થાય એવું કર. અને તારી જનેતાનું હૈયુ હરખાય એવું કર.

[26] મારા દીકરા, મને તારું હૃદય આપ અને તારી આંખો મારા માગોર્ને લક્ષમાં રાખ.

[27] વારાંગના એ ઊંડી ખાઇ છે અને પરસ્ત્રી એ આફતોથી ભરેલો કૂવો છે.

[28] તે લૂંટારાની જેમ સંતાઇને તાકી રહે છે. અને ઘણા પુરુષોને અવિશ્વાસુ બનાવે છે.

[29] કોને અફસોસ છે? કોણ ગમગીન છે? કોણ ઝઘડે છે? કોણ ફરિયાદ કરે છે? કોણ વગર કારણે ઘવાય છે? કોની આંખો લાલ છે?

[30] જેઓ દ્રાક્ષારસ જ પીધા કરે છે અને જેઓ દ્રાસારસના નવાં નવાં મિશ્રણોની શોધમાં હોય છે તેઓને.

[31] પ્યાલામાં ચળકતા દ્રાક્ષારસ સામે જોઇશ નહિ, કારણકે, એ સહેલાઇથી ગળે ઊતરી જાય છે.

[32] અને આખરે તે સર્પની જેમ કરડે છે, અને નાગની જેમ ડસે છે.

[33] તારી આંખો ચિત્રવિચિત્ર વસ્તુઓ જોશે અને તારે મોઢેથી ઉલટસૂલટ વાણી નીકળશે.

[34] તને એવું થશે કે, હું સમુદ્રમાં હાલકડોલક થતાં વહાણમાં સૂતો છું.

[35] તું કહેશે કે, “કોઇએ મને માર્યુ પણ મને વાગ્યું નહિ, કોઇએ મને ઝૂડ્યો પણ મને ખબર પડી નહિ, હું ક્યારે જાગીશ? ચાલો ફરી એકવાર પી નાખીએ.”

નીતિવચનો — Chapters