Skip to content
Opens in a new window

[1] દ્રાક્ષારસ હાંસી ઊડાવનાર છે, મધનું પીણું દંગો મચાવે છે; જે કોઇ સુરાપાનને લીધે ખોટેમાગેર્ જાય છે તો તે જ્ઞાની નથી.

[2] રાજાની ધમકી સિંહની ગર્જના જેવી છે; તેનો રોષ વહોરી લેનાર પોતાના જ જીવને જોખમમાં મૂકે છે.

[3] ઝગડાથી દૂર રહેવું સન્માનીય છે, પણ મૂરખ ઝગડો કરવા માટે ઊતાવળો હોય છે.

[4] આળસુ વ્યકિત ઉચિત સમયે ખેડ કરતો નથી, અને કાપણી વખતે પાક લેવા જાય છે, ત્યારે તેને કશું મળતું નથી.

[5] અક્કલ વ્યકિતના મનમાં ઊંડા પાણી જેવી છે, પણ સમજણો માણસ તેને બહાર કાઢી લાવશે.

[6] ઘણા લોકો દાવો કરે છે કે તેઓ વિશ્વાસુ મિત્રો છે; પણ જેના પર વિશ્વાસ રાખી શકાય એવો માણસ ક્યાં મળે?

[7] નીતિમત્તાને માગેર્ ચાલનારી વ્યકિત સુંદર જીવન જીવે છે. અને તેની પછી તેના બાળકો આશીર્વાદિત છે.

[8] ન્યાયાસન પર બેઠેલો રાજા પોતાની આંખથીજ દુષ્ટને ઓળખી કાઢે છે.

[9] કોણ કહી શકે કે, મેઁ મારું અંત:કરણ સાફ છે અને હું પાપથી ચોખ્ખો થયો હું?

[10] આપવા-લેવાનાં જુદાં કાટલાં અને જુદાં માપ એ બન્નેથી યહોવા કંટાળે છે.

[11] બાળક પણ તેના આચરણથી પરખાય છે કે તેનાં કાર્યો શુદ્ધ અને સાચાં છે કે કેમ?

[12] સાંભળતો કાન અને દેખતી આંખ બંને યહોવાએ બનાવ્યાં છે.

[13] ઊંઘ સાથે પ્રીત કરશો તો તમે બધું ખોઇ બેસશો, આંખ ઊઘાડી રાખશો તો ભરપેટ ખાવા પામશો.

[14] આ તો ખરાબ છે, ખરાબ છે, એવું ખરીદનાર કહે છે; પણ પછીથી પોતાની ખરીદી વિષે બડાશ મારે છે.

[15] ત્યાં સોનું છે અને ત્યાં માણેક છે, પણ જ્ઞાની વાણી તો કિંમતી રત્નો જેવી છે.

[16] અજાણ્યાના જામીન થનારનાં કપડાં લઇ લેવાં અને તે અવેજમાં રાખવાં.

[17] છેતરપિંડીથી મેળવેલો રોટલો મીઠો તો લાગે છે પણ પછી મોમાં રેતી ને કાંકરા રહી જાય છે.

[18] દરેક યોજના સલાહથી પરિપૂર્ણ થયેલી છે માટે શાણી સલાહ પ્રમાણે તમારે યુદ્ધ કરવું.

[19] જે વ્યકિત ખાનગી વાતોને બહાર પાડે છે તે કૂથલી કરનારો છે. માટે વાતોડિયા સાથે સંબંધ ન રાખવો.

[20] માતાપિતાને શાપ આપનારનો દીવો ઘોર અંધકારમાં ઓલવાઇ જશે.

[21] વારસો જલદીથી મેળવવામાં આવે છે, પણ તેનું પરિણામ આખરે સુખદાઇ હોતું નથી.

[22] હું ભૂંડાઇનો બદલો લઇશ, એવું તારે ન કહેવું જોઇએ; યહોવાની રાહ જોજે, તે તને ઉગારી લેશે.

[23] જુદાં જુદાં કાટલાંથી યહોવાને ગુસ્સો છે; ખોટો કાંટો સારો નથી.

[24] યહોવા વ્યકિતના પગલાંને દોરે છે, તો પછી વ્યકિત તેનો માર્ગ શી રીતે સમજી શકે?

[25] વગર વિચારે એમ કહી દેવું કે અમુક વસ્તુ અર્પણ કરેલી છે, અને માનતા માન્યા પછી તેના વિષે તપાસ કરવી એ માણસને ફાંદારૂપ છે.

[26] જ્ઞાની રાજા દુષ્ટોને વિખેરી કાઢે છે, અને તેમને સખત સજા કરે છે.

[27] વ્યકિતનો અંતરાત્મા યહોવાનો દીવો છે, તે તેના અંતરનો ખૂણે-ખૂણો તપાસે છે.

[28] કૃપા અને સત્ય રાજાનું રક્ષણ કરે છે. તેનું રાજ્યાસન વફાદારી ઉપર ટકેલું છે.

[29] યુવાનોનું ગર્વ તેઓનું બળ છે; અને સફેદવાળ વૃદ્ધોની શોભા છે.

[30] ચાબખા અને ઘા દુષ્ટતાને ભૂંસી નાખે છે. ફટકા અંતરના ઊંડાણ સુધી પહોંચે છે.

નીતિવચનો — Chapters