[1] મારા દીકરા, જો તું મારાં વચનોનો અંગીકાર કરશે અને મારી આજ્ઞાઓ અંતરમાં સંઘરી રાખશે,
[2] ડહાપણની વાત ધ્યાનથી સાંભળીને, સમજણમાં તારું ધ્યાન દોરીશ;
[3] અને જો તું વિવેકબુદ્ધિનેમાટે પોકાર કરશે અને સમજણ શકિત માટે ખંત રાખશે.
[4] અને તું જો ચાંદીની જેમ અને છૂપાવેલા ખજાનાની જેમ તેને શોધશે.
[5] તો તને યહોવાના ભયનું ભાન થશે. અને તને દેવનું જ્ઞાન પ્રાપ્ત થશે.
[6] કારણ કે યહોવા જ્ઞાનના દાતા છે, તેના મુખમાંથી જ્ઞાન અને સમજણ શકિત પ્રગટે છે.
[7] તે નીતિમાન લોકોને વ્યવહારિક ક્ષમતા આપે છે, પ્રામાણિકતાથી રહેતા લોકોની રક્ષા કરે છે.
[8] તે ન્યાયના માર્ગની રક્ષા કરે છે અને પોતાના વફાદાર લોકોની કાળજી લે છે.
[9] ત્યારે તને સમજાશે કે દરેક સાચો અને સારો રસ્તો સત્ય ન્યાયી અને પ્રામાણિક હોય છે;
[10] તારા હૃદયમાં શાણપણ પ્રવેશશે અને જ્ઞાન તારા આત્માને ખુશીથી ભરી દેશે.
[11] વિવેકબુદ્ધિ તારું ધ્યાન રાખશે અને સમજણ તારું રક્ષણ કરશે.
[12] ખરાબ માગેર્થી અને આડું બોલનાર માણસોથી તને ઉગારી લેશે;
[13] જેઓ સદાચારના માર્ગ તજીને અંધકારને માગેર્ ચાલે છે.
[14] જેઓ દુષ્ટતા આચરવામાં આનંદ માણે છે, અને છળકપટ કરવામાં જ તેમને મજા પડે છે.
[15] જેઓના રસ્તા આડા છે, અને જેમના પગલા છેતરામણાં છે તેમનાથી તારું રક્ષણ કરશે.
[16] વળી સમજ કે તે તને વ્યભિચારી સ્ત્રીઓથી અને તેમની લોભામણી વાણીથી બચાવશે.
[17] જે પોતાના પતિને જેની સાથે જુવાનીમાં તેણે લગ્ન કરેલા તેને છોડી દે છે અને દેવ સાથે કરેલો પોતાનો કરાર વિષે ભૂલી જાય છે;
[18] તેનું ઘર મૃત્યુની ખાઇમાં ઊતરી જાય છે અને તેનો માર્ગ મૃત્યુલોકમાં જાય છે.
[19] તેની પાસે જનારાઓમાંથી કોઇ પાછો ફરતો નથી, તેઓ જીવનનો માર્ગ સંપાદન કરી શકતા નથી.
[20] તું સજ્જનોના માગેર્ ચાલજે અને ન્યાય અને સત્યના રસ્તા પર ટકી રહેજે.
[21] કારણકે, પ્રામાણિક માણસો જ પૃથ્વી પર જીવતા રહેશે. સંનિષ્ઠ અને નિદોર્ષ માણસો જ એમાં વસશે.
[22] પણ દુષ્ટોનું પૃથ્વી પરથી નિકંદન નીકળી જશે. અને જેઓ કપટ કરનારા છે તેમને સમૂળગા ઉખેડી નાખવામાં આવશે.