Skip to content
Opens in a new window

[1] દુર્જનોની ઇર્ષ્યા કરીશ નહિ કે તેમની સાથે રહેવાની ઇચ્છા સેવીશ નહિ.

[2] કારણ, તેમનાં મન હિંસાના વિચારો કરે છે અને તેમના મોઢેથી ઉપદ્રવની વાણી નીકળે છે.

[3] જ્ઞાન વડે ઘર બંધાય છે; બુદ્ધિથી તે સ્થિર થાય છે.

[4] અને વિદ્યા વડે તેના ઓરડા બધી જ જાતની મૂલ્યવાન અને સુખદાયક વસ્તુઓથી ભરાય છે.

[5] શરીરબળ કરતાં બુદ્ધિબળ સારું, જ્ઞાની વ્યકિત શકિતશાળી વ્યકિત કરતાં વધારે મહાન છે.

[6] કુશળ યોજનાથી યુદ્ધ જીતાય છે, અને અનેક સલાહકારોથી વિજય નિશ્ચિત બને છે.

[7] ડહાપણ મૂરખના ગજા બહારની વસ્તુ છે, તેથી તે જાહેર સભામાં પોતાનું મોં ખોલી શકતો નથી.

[8] જે ભૂંડુ કરવા માટે યુકિતઓ રચે છે, તે લોકોમાં ઉપદ્રવી માણસ તરીકે ઓળખાય છે.

[9] મૂર્ખ પાપ ભરેલી યોજનાઓ ઘડ્યા કરે છે, લોકો જે વ્યકિત બડાઇ હાંકે છે તેને ધિક્કારે છે.

[10] જો તમે સંકટ આવતાં તમારી હિંમત હારી બેસશો તો તમે નબળા છો.

[11] જેઓને મોત માટે ઘસડી જવામાં આવતા હોય તેમને છોડાવ, જેઓ લથડતે પગે હત્યા માટે જઇ રહ્યા હોય તેમને ઉગારી લે.

[12] જો તું કહે કે, “અમે તો એ જાણતા નહોતા,” તો જે અંત:કરણોની ચકાસણી કરે છે તે શું જાણતો નહોત? અને જે તારા જીવનનો રક્ષક છે તે શું જાણતો ન હોત? અને તે પ્રત્યેક વ્યકિતને તેમનાં કર્મ પ્રમાણે પાછું નહિ આપશે?

[13] મારા દીકરા, મધ ખા; તે ગુણકારી છે, એનો સ્વાદ મીઠો છે.

[14] જાણો કે જ્ઞાન તમારા જીવન માટે સારૂં છે; જો તું તેને પ્રાપ્ત કરે તો તારું ભાવિ ઉજ્જવળ છે, તારી આશા વ્યર્થ નહિ જાય.

[15] હે દુષ્ટ માણસ, સજ્જનનાં ઘર આગળ લાગ જોઇ બેસી રહીશ નહિ, તેના ઘર પર આક્રમણ કરીશ નહિ.

[16] કારણકે, સજ્જન સાત વાર પડશે તોયે પાછો ઊભો થશે, પણ દુર્જન વિપત્તિ આવતાં ભાંગી પડે છે, પાયમાલ થઇ જાય છે.

[17] તારા દુશ્મનની પડતી જોઇને હરખાઇશ નહિ, અને તે પાયમાલ થાય ત્યારે રાજી ન થઇશ;

[18] નહિ તો યહોવા એ જોશે અને નારાજ થશે, અને તેના ઉપરથી પોતાનો રોષ પાછો ખેંચી લેશે.

[19] જેઓ દુષ્કમોર્ કરે છે તેની ઉપર ગુસ્સે થતો નહિ કે દુર્જનની ઇર્ષ્યા કરતો નહિ.

[20] કારણકે, દુર્જનને કોઇ ભાવિ નથી, તેનો દીવો હોલવાઇ જશે,

[21] મારા દીકરા, યહોવાથી અને રાજાથી ડરીને ચાલજે, બળવાખોરો સાથે કશો સંબંધ રાખીશ નહિ;

[22] કારણ, તેમના પર અચાનક આફત આવી પડશે, અને કોને ખબર છે કે બંને કેવી પાયમાલી મોકલશે?

[23] આ જ્ઞાનીઓના વચન છે, ન્યાયમાં પક્ષપાત બતાવવો તે યોગ્ય નથી.

[24] ગુનેગારને નિદોર્ષ ઠરાવનારને બધા લોકો શાપ દેશે, પ્રજાઓ તેને ઠપકો આપશે.

[25] પણ જેઓ દોષીને ઠપકો આપશે તેમનું ભલું થશે. તેમના પર આશીર્વાદ ઊતરશે.

[26] સાચો જવાબ મૈત્રીભર્યા ચુંબન જેવો છે.

[27] તારું બહારનું કામ કર, જમીન ખેડ, અને તારું ઘર બાંધ.

[28] કારણ વગર તારા પડોશી વિરૂદ્ધ સાક્ષી પૂરીશ નહિ, તારે મોઢે તેની વિરૂદ્ધ ખોટું બોલીશ નહિ.

[29] એવું ના કહીશ કે, “એણે મારી સાથે વર્તાવ રાખ્યો છે તેવો જ હું એની સાથે રાખીશ, એણે જે કર્યુ છે તેને હું પાછું વાળી દઇશ.”

[30] હું આળસુ વ્યકિતના ખેતરમાંથી જઇને તથા મૂઢ માણસની દ્રાક્ષાવાડી પાસેથી પસાર થતો હતો.

[31] ત્યારે મેં જોયું તો બધે ઝાંખરા ઊગી નીકળ્યાં હતાં. જમીન કાંટાથી છવાઇ ગઇ હતી. અને પથ્થરની વાડ તૂટી પડી હતી.

[32] એ જોઇને મેં વિચાર કર્યો, એ ઉપરથી હું શીખ્યો કે,

[33] થોડું ઊંઘો, થોડું ઘોરો, હાથ જોડીને થોડો આરામ કરો.

[34] એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ તથા હથિયારધારી યોદ્ધાની જેમ કંગાલાવસ્થા આવી પહોંચશે.

નીતિવચનો — Chapters