[1] જ્ઞાન બોલાવે છે અને સમજણ મોટેથી બૂમો પાડે છે.
[2] ડુંગરની ટોચે, રસ્તે ઘાટે, ચોરેચૌટે
[3] અને શહેરમાં પ્રવેશવાના દરવાજા આગળ ઊભાં ઊભાં તે મોટે સાદે કહે છે:
[4] “હે માણસો, હું તમને પોકાર કરીને કહું છું; હું પ્રત્યેક માણસને સાદ પાડું છું.
[5] હે અજ્ઞાની લોકો, શાણપણ શીખો, અને હે મૂર્ખાઓ તમે સમજણ હોવાનું શીખો.
[6] સાંભળો, હું તમને ઉત્તમ વાતો કહેવાનો છું. અને જે સાચું છે તે જ હું તમને શીખવીશ.
[7] હું સાચું જ બોલીશ, જૂઠાને હું ધિક્કારું છું.
[8] મારા મુખના સઘળા શબ્દો પ્રામાણિક છે, હું તમને જૂઠ્ઠું કે ગેર માગેર્ દોરનારું નહિ બોલું.
[9] સમજુ માણસો માટે મારા શબ્દો સ્પષ્ટ છે. અને જ્ઞાનીઓને માટે તે યથાયોગ્ય છે.
[10] રૂપાને બદલે મારી સલાહ લો અને ઉત્તમ સોનાને બદલે જ્ઞાન પ્રાપ્ત કરો.
[11] કારણ કે જ્ઞાન રત્નો કરતા વધારે મૂલ્યાવાન છે. એની તોલે મોંઘામાં મોંઘી વસ્તુ પણ ન આવે.
[12] “હું જ્ઞાન છું, વિવેકબુદ્ધિ મારી સાથે રહે છે, અને હું જ્ઞાન અને ચતુરાઇ ધરાવું છું.
[13] યહોવાનો ભય એટલે પાપને ધિક્કારવું, અભિમાન, ઉદ્ધતાઇ, કુમાર્ગ, અને વાંકાબોલાપણાને હું ધિક્કારું છું.
[14] મારી પાસે સારી સલાહ અને જ્ઞાન છે. મારી પાસે ઊંડી સમજ અને શકિત છે.
[15] મારે લીધે જ રાજાઓ રાજ્ય કરે છે અને રાજકર્તાઓ ન્યાય તોલે છે.
[16] મારે લીધે રાજકુમારો શાસન કરે છે અને ઊમદા લોકો સાચો ચુકાદો આપે છે.
[17] મારા પર પ્રેમ રાખનારાઓ પર હું પ્રેમ રાખું છું. અને જે ઓ મને ઉત્સુકતાથી શોધે છે તે મને પામે છે.
[18] ધન અને સન્માન મારા હાથમાં છે. મારી પાસે ટકાઉ સંપત્તિ અને સદાચાર છે.
[19] મારા ફળ સોના કરતાં ચડિયાતા છે. અને મારી પેદાશ ઊંચી જાતની ચાંદી કરતાં શ્રેષ્ટ છે.
[20] હું સદાચારને માગેર્ ચાલું છું, મારો રસ્તો ન્યાયનો છે.
[21] મારા પર પ્રેમ રાખનારને હું સમૃદ્ધિ આપું છું અને તેમના ભંડારો ભરપૂર કરું છું.
[22] “યહોવાએ સૃષ્ટિક્રમનાં આરંભમાં, લાંબા સમય અગાઉ મારું સર્જન કર્યુ.
[23] લાંબા સમય અગાઉ, પૃથ્વીનું સર્જન થયા પહેલાઁ મારું સ્થાપન કરવામાં આવ્યું હતું.
[24] જ્યારે કોઇ સાગરો નહોતા, જ્યારે પાણીથી ભરેલા ઝરણાઓ નહોતા ત્યારે મારો જન્મ થયો હતો.
[25] પર્વતોના પાયા નંખાયા તે પહેલાં, ડુંગરો થયા તેના પણ પહેલાં મારો જન્મ થયો હતો.
[26] હજી યહોવાએ પૃથ્વી ર્સજી નહોતી કે ખેતરો પણ ર્સજ્યા નહોતાં. અરે! ધૂળની કણી પણ ર્સજી નહોતી ત્યારે મારું અસ્તિત્વ હતું.
[27] જ્યારે તેણે આકાશને એને સ્થાને સ્થાપ્યું, અને સાગર ઉપર ક્ષિતિજને ગોઠવી હતી ત્યારે મારું અસ્તિત્વ હતું.
[28] જ્યારે તેણે અંતરિક્ષને સ્થિર કર્યુ; અને ઝરણાંને સમુદ્ર નીચે વહાવ્યાં.
[29] જ્યારે તેણે સાગરની હદ નક્કી કરી અને તેનું ઉલ્લંધન કરવાની તેણે મના ફરમાવી. અને જ્યારે તેણે પૃથ્વીના પાયા નાખ્યા.
[30] ત્યારે કુશળ કારીગર તરીકે હું તેની સાથે હતી; અને હું દિનપ્રતિદિન તેને આનંદ આપતી હતી; અને આખો વખત હું તેની સામે નૃત્ય કરતી હતી.
[31] તેની વસતિવાળી પૃથ્વી પર મને મજા આવતી હતી. અને માણસોની સંગતમાં મને આનંદ આવતો હતોa
[32] “માટે હે મારા દીકરાઓ, મારું સાંભળો; કારણ કે જેઓ મારા માગેર્ ચાલે છે તેઓ સુખ પામે છે.
[33] મારો ઉપદેશ સાંભળીને જ્ઞાની થાઓ, અને સુધારણાની ઉપેક્ષા કરશો નહિ.
[34] તે વ્યકિત આશીર્વાદિત છે, જે મારું સાંભળે છે અને હંમેશા મારા દરવાજે, તથા મારા પ્રવેશદ્વાર આગળ મારી રાહ જુએ છે.
[35] કારણ કે જે મને પામ્યો છે તે જીવન પામ્યો છે અને યહોવાની કૃપા પામ્યો છે.
[36] પણ જે મારી સામે પાપ કરે છે, તે પોતાને, નુકશાન પહોંચાડે છે; જેઓ મને ધિક્કારે છે, તેઓ મૃત્યુ સાથે પ્રેમ કરે છે.”