[1] આ પણ સુલેમાનનાં નીતિવચનો છે. જે યહૂદિયાના રાજા હિઝિક્યાના માણસોએ ઉતારી લીધાં હતાં
[2] કોઇ બાબત ગુપ્ત રહે તેમાં દેવનો મહિમા છે, પણ કોઇ બાબત શોધી કાઢવી એમાં રાજાનો ગૌરવ છે.
[3] જેમ આકાશની ઊંચાઇ તથા પૃથ્વીની ઊંડાઇની જેમ રાજાનું મન પણ અગાધ છે.
[4] ચાંદીમાંથી નકામો ભાગ કાઢી નાખો એટલે રૂપાનો કારીગર તેમાંથી વાસણ બનાવી શકશે.
[5] તેમ રાજા પાસેથી દુષ્ટોને દૂર કરો એટલે તેનું સિંહાસન ન્યાયવડે સ્થિર થશે.
[6] રાજાની હાજરીમાં પોતાની બડાઇ ન કરવી. મોટા માણસોની જગાએ ઊભા ન રહેવું.
[7] ઉમરાવના દેખતાં તને નીચે ઉતારવામાં આવે તેના કરતાં “આમ આવો” કરીને ઉપર બેસાડે એ વધું સારું છે.
[8] તેં જે જોયું હોય તેને વિશે ન્યાયાલયે દોડી જવામાં ઉતાવળ ન કરીશ, કારણ, જ્યારે તને તારો પડોશી, ખોટો સાબિત કરશે તો તું શું કરીશ?
[9] તારા પડોશી સાથેના વિવાદનું જરૂર તું નિરાકરણ કર, પણ બીજા કોઇની ગુપ્ત વાત ખુલ્લી ન કરતો.
[10] રખેને એ સાંભળી જનાર તારી નિંદા કરે અને તારી કાયમની બદનામી થાય.
[11] પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંનાં સોનાનાં ફળ જેવો છે.
[12] જ્ઞાની વ્યકિતનો ઠપકો કાને ધરનારને માટે સોનાની કડી અને સોનાના ઘરેણાં જેવા છે.
[13] વફાદાર સંદેશાવાહક તેના મોકલનાર માટે ઉનાળામાં બરફ જેવો શીતલ હોય તેના જેવો લાગે છે, તે પોતાના ધણીના આત્માને ફરીથી તાજો કરે છે.
[14] જે એમ કહે છે કે તે ભેટ આપશે, પણ કોડીય આપતો નથી, તે વરસાદ વગરના વાદળ અને વાયુ જેવો છે.
[15] લાંબી મુદતની સહનશીલતાથી અધિકારીને પણ કદાચ મનાવી શકાય, અને કોમળ જીભ હાંડકાને ભાગે છે.
[16] જો તને મધ મળ્યું હોય, તો જોઇએ તેટલું જ ખા; કારણકે જો તું વધારે પડતું ખાઇશ તો તું વમન કરીશ.
[17] તું તારા પડોશીના ઘરમાં કવચિત જ જા; નહિ તો તે તારાથી કંટાળીને તારો ધિક્કાર કરશે.
[18] પોતાના પડોશી વિરૂદ્ધ જૂઠી સાક્ષી પૂરનાર માણસ હથોડી, તરવાર તથા તીક્ષ્ણ તીર જેવો છે.
[19] સંકટસમયે ધોખાબાજ માણસ પર મૂકેલો વિશ્વાસ સડેલા દાંત અને ઊતરી ગયેલા પગ જેવો છે.
[20] ઊદાસ વ્યકિતની આગળ ગીતો ગાવાં તે ઠંડીમાં અંગ પરથી વસ્ત્ર કાઢી લેવા જેવું છે, અથવા ઘા ઉપર સરકો રેડવા જેવું છે.
[21] જો તારો શત્રુ ભૂખ્યો હોય તો તેને ખાવા માટે રોટલો આપ. અને તરસ્યો હોય તો પીવા માટે પાણી આપ.
[22] એમ કરવાથી તું તેના માથા ઉપર સળગતો કોલસો મૂકતો હોઇશ. અને યહોવા તને તેનો બદલો આપશે.
[23] ઉત્તરનો પવન વરસાદ લાવે છે; તેમ જ ચાડીખોર જીભ ક્રોધિત ચહેરો ઉપજાવે છે.
[24] કજિયાખોર સ્ત્રીની સાથે ઘરમાં અંદર રહેવાં કરતાં ધાબાના ખૂણામાં વાસ કરવો સારો છે.
[25] દૂર દેશથી આવતા શુભ સમાચાર તરસ્યા ગળા માટે શીતલ પાણી જેવા લાગે છે.
[26] જે સજ્જન માણસ દુષ્ટ માણસની સામે પડે છે તે ડહોળાયેલા ઝરણા કે ઝેર ભરેલા કૂવા જેવો છે.
[27] વધુ પડતું મધ ખાવું સારું નહિ, પોતાની મોટાઇ પોતે ગાવામાં મોટાઇ નથી.
[28] જે વ્યકિત પોતાની જાત પર કાબૂ ધરાવતો નથી તે માણસ કોટ વગરના નગર જેવો છે.