Skip to content
Opens in a new window

[1] નમ્ર જવાબથી ક્રોધ શમી જાય છે. પણ કઠોર વચનથી રોષ ભભૂકી ઊઠે છે.

[2] જ્ઞાની વ્યકિતની વાણી જ્ઞાન ઊચ્ચારે છે, પરંતુ મૂર્ખની વાણી મૂર્ખાઇથી ઉભરાય છે.

[3] યહોવાની દ્રષ્ટિ સર્વત્ર હોય છે તે ભલા અને ભૂંડા બધાં પર લક્ષ રાખે છે.

[4] ઘા રૂઝવે એવી વાણી જીવનવૃક્ષ છે, પણ વક્રવાણી આત્માને તોડી નાખે છે.

[5] મૂર્ખ પોતાના પિતાની સૂચનાઓને તુચ્છ ગણે છે; પણ ઠપકાને ગંભીરતાથી લક્ષમાં લેનાર શાણો થાય છે.

[6] સજ્જનના ઘરમાં ધનનો ભંડાર છે. પણ દુર્જનની કમાણીમાં આફત હોય છે.

[7] જ્ઞાની વ્યકિતની વાણી જ્ઞાન ફેલાવે છે, પણ મૂર્ખનું હૃદય મૂર્ખતા ફેલાવે છે.

[8] દુષ્ટના યજ્ઞાર્પણને યહોવા ધિક્કારે છે; પરંતુ પ્રામાણિકની પ્રાર્થનાથી તે પ્રસન્ન થાય છે.

[9] દુષ્ટ વ્યકિતઓના આચારને યહોવા ધિક્કારે છે; પરંતુ નીતિમત્તાને માગેર્ ચાલનાર ઉપર તે પ્રેમ દાખવે છે.

[10] સદૃમાર્ગને તજી જનારને આકરી સજા થશે. અને ઠપકાનો તિરસ્કાર કરનાર મરી જશે.

[11] શેઓલ તથા અબદોન યહોવા સમક્ષ ખુલ્લાં છે. તો માણસોનાં હૃદય કેટલાં વિશેષખુલ્લાં હોવાં જોઇએ!

[12] તુ માખી રાખનારને કોઇ ઠપકો આપે તે ગમતું નથી. અને તે જ્ઞાની વ્યકિતની પાસે જવા પણ ઇચ્છતો નથી.

[13] જો અંતરમાં આનંદ હોય તો ચહેરો પ્રફુલ્લિત રહે છે. પરંતુ હૃદયમાં શોક હોય તો મન ભાંગી જાય છે.

[14] જ્ઞાની વ્યકિત જ્ઞાનની ઇચ્છા રાખે છે. પરંતુ મૂર્ખનો આહાર મૂર્ખાઇ છે.

[15] દરરોજ કોઇ વ્યકિત મુશ્કેલીમાં મૂકાય તો તે બહુ ખરાબ છે. પણ સુખી હૃદય એ સતત ચાલતી ઊજવણી છે.

[16] મુશ્કેલીઓ સાથેની વિપુલ સંપતિ કરતાં યહોવા પ્રત્યેના ભયની સાથે થોડું ધન હોવું વધારે ઉત્તમ છે.

[17] સરસ માંસ ધિક્કારથી ખાવાં કરતા સાદા શાકભાજી પ્રેમથી ખાવા વધારે સારા છે.

[18] ગરમ મિજાજનો વ્યકિત કજિયા ઊભા કરે છે. પણ ધીરજવાન વ્યકિત બોલાચાલીને શાંત પાડે છે.

[19] આળસુ વ્યકિતનો માર્ગ કાંટાથી ભરાઇ ગયો છે; પણ સજ્જનનો માર્ગ વિઘ્નોથી મુકત છે.

[20] ડાહ્યો પુત્ર પિતાને સુખ આપે છે, પણ મૂર્ખ પુત્ર પોતાની માતાને ધિક્કારે છે.

[21] અજ્ઞાનીને મૂર્ખાઇ આનંદરુપ લાગે છે; પણ બુદ્ધિમાન માણસ સીધે રસ્તે ચાલે છે.

[22] સલાહ વગરની યોજના ધૂળમાં મળે છે, પરંતુ અનેક સલાહકાર હોય તો તે સફળ થાય છે.

[23] પોતાના હાજરજવાબીપણાથી વ્યકિત ખુશ થાય છે; યોગ્ય સમયે બોલાયેલો શબ્દ કેટલો સરસ લાગે છે!

[24] જ્ઞાની માણસ માટે એક જીવન તરફ જતો રસ્તો છે જે તેને શેઓલ તરફ જતા રસ્તેથી પાછો વાળે છે.

[25] યહોવા અભિમાનીનું ઘર તોડી પાડે છે, પણ વિધવાની હદ તે કાયમ રાખશે.

[26] દુષ્ટ લોકોની યોજનાઓથી યહોવા ધિક્કારે છે, પરંતુ તેમની દ્રષ્ટિએ દયાળુ શબ્દો પવિત્ર છે.

[27] જે લોભી છે તે પોતાના કુટુંબને માથે આફત નોતરે છે, પરંતુ જે લાંચને ધિક્કારે છે તે શાંતિથી જીવે છે.

[28] સજ્જન જવાબ આપતાં પહેલાં વિચાર કરે છે, પણ દુર્જન પોતાના મોઢે ભૂંડી વાતો વહેતી મૂકે છે.

[29] યહોવા પોતાને દુર્જનથી દૂર રાખે છે, પણ તે સજ્જનની પ્રાર્થના સાંભળે છે.

[30] આંખોની ચમક જોઇ હૃદયને આનંદ થાય છે. અને શુભ સમાચાર હાડકાને તંદુરસ્ત બનાવે છે.

[31] જીવનપ્રદ શિખામણ સાંભળનારની ગણતરી જ્ઞાનીઓમાં થાય છે.

[32] શિખામણનો ત્યાગ કરનાર પોતે પોતાના જ જીવનને તુચ્છ ગણે છે. પણ સુધરવા માટેની શિક્ષા સાંભળનાર સમજણ મેળવે છે.

[33] યહોવાથી ડરીને ચાલવું એ જ જ્ઞાનની સૂચના છે; સન્માન પામતાં પહેલા નમ્ર બનવું જરૂરી છે.

નીતિવચનો — Chapters