[1] મારા દીકરા, જો તું તારા પડોશીનો જામીન થયો હોય, જો તેં કોઇને બદલે પારકાને માટે કોલ આપ્યો હોય,
[2] તો તું તારા શબ્દોથી બંધાઇ ચૂક્યો હોય, જો તું વચનોને લીધે સપડાયો હોય,
[3] તો તારા પડોશીના હાથમાં સપડાયો છે. મારા પુત્ર, તું આટલું કરીને છૂટો થઇ જજે; તું એકદમ જા. તારા પડોશીની આગળ નમી જઇને કાલાવાલા કર.
[4] સૌથી પહેલા સૂઇશ નહિ. અને તારી પાંપણોને ઢળવા દઇશ નહિ.
[5] હરણું જેમ શિકારીના હાથમાંથી ભાગી જાય અથવા પંખી જેમ પારધી પાસેથી છૂટી જાય, તેમ તું તારી જાતને છોડાવી લેજે.
[6] ઓ આળસુ, કીડી પાસે જા; તે કેમ જીવે છે તે જોઇને હોશિયાર થા.
[7] તેના પર કોઇ મુકાદમ નથી, કોઇ આજ્ઞા કરનાર નથી, કે કોઇ ધણી નથી.
[8] છતાં તે પાક વખતે પોતાનાં અનાજનો સંગ્રહ કરે છે અને કાપણીની મોસમમાં પોતાનો ખોરાક ભરી રાખે છે.
[9] ઓ આળસુ. તું ક્યાં સુધી પડ્યો રહીશ? તું ક્યારે ઊંઘમાંથી ઊઠીશ?
[10] તું કહે છે કે “હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ, ટૂંટિયાં વાળીને થોડોક આરામ લેવા દો.”
[11] તો તું જાણજે કે ચોરની જેમ અને હથિયારબંધ ધાડપાડુની જેમ ગરીબી તારા પર ત્રાટકશે.
[12] નકામો અને દુષ્ટ માણસ ગેરમાગેર્ દોરનારી વાતો કરશે.
[13] તે પોતાની આંખોથી મીંચકારા મારી, પગથી ધૂળમાં નિશાનીઓ કરશે અને આંગળીથી ઇશારો કરશે.
[14] તેના મનમાં કપટ છે, તે વિધ્વંસી અનિષ્ટો ઘડે છે અને હંમેશા તકરારો મોકલે છે.
[15] આથી અચાનક તેના પર વિપત્તિના વાદળ ઘેરાય છે. અને તે એકાએક ભાંગીને ભૂક્કા થઇ જાય છે, તે ફરી બેઠો થઇ શકતો નથી.
[16] યહોવા સખત અણગમતી સાત વસ્તુઓમાંથી છ વસ્તુને ધિક્કારે છે.
[17] તુમાખીભરી આંખો, જૂઠાબોલાની જીભ, નિદોર્ષના લોહીથી ખરડાયેલા હાથ,
[18] દુષ્ટ કાવતરાં રચનાર હૃદય, નુકશાન કરવા દોડી જતા પગ,
[19] શ્વાસેશ્વાસે જૂઠું બોલનાર જૂઠો સાક્ષી. અને રનેહી સંબંધીઓમાં કુસંપનું બીજ વાવનાર માણસ.
[20] મારા દીકરા, તારા પિતાની આજ્ઞાઓને માનજે. અને તારી માતાની શિખામણો ભૂલીશ નહિ.
[21] એને સદા તારા હૃદયમાં બાંધી રાખજે અને તારા કંઠની આજુબાજુ લટકાવી દેજે.
[22] તું જ્યારે જ્યારે ચાલતો હોઇશ ત્યારે એ તને માર્ગ બતાવશે, તું ઊંઘતો હશે ત્યારે એ તારી ચોકી કરશે. અને તું જાગતો હશે ત્યારે એ તારી સાથે વાતચીત કરશે.
[23] આજ્ઞા એ દીપક છે, અને નિયમ પ્રકાશ છે; અને ઠપકો તથા ચેતવણી એ જીવનના માર્ગદર્શક છે.
[24] એ તારું ભૂંડી સ્ત્રીથી રક્ષણ કરશે અને, અપવિત્ર સ્ત્રીની લોભામણી વાણીથી ઉગારી લેશે.
[25] તેના રૂપ સૌંદર્યની કામના કરતો નહિ અને તેના આંખનાં પોપચાંથી સપડાઇશ નહિ.
[26] કારણ કે વારાંગનાને તો પુરુષે રોટલાનો ટૂકડો આપવો જ પડે છે જ્યારે પરણેલી સ્ત્રીની વાસનાભૂખતો પુરુષના જીવનને લઇને સંતોષાય છે.
[27] જો કોઇ માણસ અંગારા હૈયે ચાંપે તો તેનું પહેરણ સળગ્યા વગર રહે?
[28] જો કોઇ માણસ અંગારા પર ચાલે તો શું તેના પગ દાઝયા વગર રહે?
[29] એટલે કોઇ તેના પાડોશીની પત્ની પાસે જાય છે, અને તેને સ્પર્શ કરે છે તેને સજા થયા વિના રહેતી નથી.
[30] જો કોઇ માણસ ભૂખ સંતોષવા ચોરી કરે તો લોકો તેના માટે માન નથી ગુમાવી બેસતા.
[31] પણ જો તે પકડાય છે તો તેણે તેનું સાતગણું આપવું પડે છે. એનો અર્થ એવો થાય કે પોતાના ઘરની સઘળી સંપત્તિ સોંપી દેવી પડે તો પણ.
[32] જે પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે છે તે અક્કલ વગરનો છે, તે પોતાની જાતે પોતાનું જીવન બરબાદ કરે છે.
[33] તેના નસીબમાં તેને માર તથા અપમાન જ મળશે અને તેનું કલંક કદી ભૂંસાશે નહિ.
[34] કારણ કે ઇર્ષ્યાથી ધણીનો રોષ ભભૂકી ઊઠશે અને તે વૈર વાળતી વખતે જરાય કાચું રાખશે નહિ.
[35] તે કોઇ પગાર સ્વીકારશે નહિ અને કોઇપણ પ્રકારની ભેટો તેને શાંત પાડી શકશે નહિ.