[1] વિપુલ સંપત્તિ કરતાં સારી પ્રતિષ્ઠા અને સોનારૂપાં કરતાં ઉચ્ચ આદર વધારે ઇચ્છવાજોગ છે.
[2] દરિદ્રી અને દ્રવ્યવાન એક બાબતમાં સરખા છે કારણ કે યહોવાએ બંનેને ર્સજ્યા છે.
[3] ડાહ્યો વ્યકિત આફતને આવતી જોઇને સંતાઇ જાય છે. મૂર્ખ વ્યકિત આગળ વધતી રહે છે અને દંડાય છે.
[4] ધન, આબરૂ તથા જીવનએ નમ્રતાનાં અને યહોવાના ભયનાં ફળ છે.
[5] વક્ર વ્યકિતના માર્ગમાં કાંટા અને છટકા હોય છે; પણ જે વ્યકિતને જીવન વહાલું છે તે તેનાથી દૂર રહે છે.
[6] બાળકને યથાર્થ માર્ગ વિષે શિક્ષણ આપો તો એ જ્યારે વૃદ્ધ થશે ત્યારે પણ તે માર્ગ તે છોડશે નહિ.
[7] ધનવાન ગરીબ ઉપર દોર ચલાવે છે અને દેણદાર લેણદારનો ગુલામ છે.
[8] જે અન્યાય વાવશે તે વિપત્તિ લણશે અને તેમાં ક્રોધની સોટી તેનો અંત લાવશે.
[9] ઉદાર વ્યકિત પર આશીર્વાદ ઊતરશે; કારણ કે તે પોતાના અન્નમાંથી દરિદ્રીને આપે છે.
[10] ધમંડી વ્યકિતને હાંકી કાઢો એટલે ઝઘડો પણ સમી જશે. તકરાર અને લાંછનનો અંત આવશે.
[11] જે વ્યકિતનું હૃદય નિર્મળ છે અને જે મીઠી વાણી બોલે છે, રાજા તેનો મિત્ર થશે.
[12] યહોવાની દ્રષ્ટિ જ્ઞાનની રક્ષા કરે છે ને ધોખાબાજ માણસોની વાણીને ઊંધી પાડે છે.
[13] આળસુ માણસ બહાનુ કાઢે છે-રસ્તામાં તો સિંહ બેઠો છે, બહાર નીકળું તો ફાડી જ ખાય.
[14] પરસ્ત્રીનું મુખ ઊંડી ખાઇ જેવું છે, જે તેમાં પડે છે તેના ઉપર યહોવાનો કોપ ઉતરે છે.
[15] બાળકના હૃદયમાં મૂર્ખાઇ વસે છે પરંતુ શિસ્તનો દંડો તેનામાંથી તેને દૂર હાંકી કાઢશે.
[16] જે ધનવાન થવા માટે ગરીબને ત્રાસ આપે છે અથવા જે ધનવાનને ઇનામ આપે છે તે પોતે તો ગરીબ જ રહે છે.
[17] જ્ઞાની માણસોના શબ્દો ધ્યાનથી સાંભળ, અને હું તને જે સલાહ આપું છું તેમાં તારું ચિત્ત લગાડ.
[18] જો તું તેને ખુશ ગણતો હોય અને તું તેને તારા હૃદયમાં સંઘરી રાખીશ તો તેઓ સદા તારા હોઠ પર રહેશે.
[19] હું તને આજે આ બધું એટલા માટે કહું છું કે યહોવા ઉપર તારો વિશ્વાસ બેસે.
[20] મેં તારા માટે સુબોધ અને જ્ઞાનની ત્રીસ કહેવતો લખી રાખી છે,
[21] આના દ્વારા તું સત્ય જ્ઞાન પામીશ અને તેથી તું ભરોસા પાત્ર અહેવાલ લઇને તને જેણે મોકલ્યો છે તેની પાસે જઇ શકે.
[22] ગરીબને લૂંટીશ નહિ, કારણ કે તે ગરીબ છે, તેમજ ગરીબને ન્યાયાલયમાં હેરાન કરીશ નહિ.
[23] કારણ કે યહોવા તેમનો પક્ષ લેશે અને તેમનું હરી લેનારના પ્રાણ હરી લેશે.
[24] ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર; અને ગુસ્સો કરનારનો સંગ ન કર.
[25] રખેને તું તેના જેવું વર્તન કરતાં શીખે અને જીવને જોખમમાં નાખે.
[26] કોઇનો જામીન થતો નહિ કે કોઇના દેવાની જવાબદારી લઇશ નહિ.
[27] જો તારી પાસે દેવું ચૂકવવા માટે કઇં પણ નહિ હોય તો તારી તળેથી તે તારી પથારી લઇ જશે.
[28] તારા પિતૃઓએ તોડેલા જૂના સીમાના પથ્થર હઠાવીશ નહિ.
[29] પોતાના કામમાં કુશળ માણસને તું જુએ તો જાણજે કે, તે તો રાજાઓની હાજરીમાં રહેશે, હલકા માણસોની હાજરીમાં નહિ રહે.