Skip to content
Opens in a new window

[1] જે વ્યકિતને જ્ઞાન વહાલું છે તેને શિખામણ પણ વહાલી છે, પણ જે વ્યકિત સુધારણાને ધિક્કારે છે તે ઢોર જેવો છે.

[2] ભલા માણસો યહોવાની કૃપા મેળવે છે, પણ જેઓ દુષ્ટ યોજનાઓ ઘડે છે તેઓ સજા પામે છે.

[3] દુષ્ટતા દ્વારા વ્યકિત સુરક્ષિત ઉભી ન રહીં શકે, ન્યાયનાં મૂળ કદી નહિ ઉખડે.

[4] સદ્ગુણી સ્ત્રી પતિને મુગુટરૂપ છે, પણ નિર્લજ્જ સ્ત્રી તેનાં હાડકાને સડારૂપ છે.

[5] ભલાના વિચાર ભલા હોય છે, ખોટાના મનસૂબા કપટભર્યા હોય છે.

[6] દુરાચારી લોકોની વાણી લોહિયાળ હોય છે, પણ પ્રામાણિક લોકોનું મોઢું તેમને બચાવે છે.

[7] દુષ્ટો એકવાર નાશ પામ્યા એટલે કંઇ બચતું નથી, પણ સદાચારીનું ઘર કાયમ રહે છે.

[8] લોકો વ્યકિતની તેની વિવેક બુદ્ધિ પ્રમાણે પ્રસંશા કરે છે, પણ જેનું હૃદય દુષ્ટ છે તે તિરસ્કૃત થશે.

[9] અન્ન વગરના સમ્માન કરતાં મામૂલી વ્યકિત થઇને નોકર થવું એ વધારે સારૂં છે.

[10] ભલો માણસ પોતાના પશુના જીવની સંભાળ રાખે છે પણ દુષ્ટ માણસ ક્રૂર હોય છે.

[11] પોતાની જમીન ખેડનારને પુષ્કળ અન્ન મળશે; પણ નકામી વાતોની પાછળ દોડનાર અક્કલ વગરનો છે.

[12] દુષ્ટ લોકો અનિષ્ટ યોજનાઓની ઇચ્છા રાખે છે પણ સદાચારીના મૂળ તો ફળદ્રુપ છે.

[13] દુષ્ટ માણસ પોતાની જ બંધી પાપી વાતોમાં સપડાય છે, ભલો માણસ મુશ્કેલીમાંથી હેમખેમ બહાર આવે છે.

[14] માણસ પોતે બોલેલા શબ્દોને કારણે સારાપણાથી ભરાઇ જાય છે, તેને તેના કામનો બદલો મળે છે.

[15] મૂર્ખ સમજે છે કે હું સાચો છું, પણ જે વ્યકિત સલાહ સાંભળે છે તે ડાહી છે.

[16] મૂર્ખ પોતાનો ગુસ્સો તરત પ્રગટ કરી દે છે, પણ ડાહ્યો માણસ અપમાન ગળી જાય છે.

[17] એક ભરોસાપાત્ર સાક્ષી સત્ય કહે છે, પણ જૂઠો સાક્ષી છેતરે છે.

[18] વગર વિચારવાળી વાણી તરવારની જેમ ઘા કરે છે પણ જ્ઞાની વ્યકિતના શબ્દો ઘા રૂઝાવે છે.

[19] જે હોઠ સત્ય બોલે છે તેઓ શાશ્વત રહે છે અને જૂઠા બોલી જીભ ક્ષણિક રહે છે.

[20] જેઓ ભૂંડી યોજનાઓ કરે છે તેમનાં મન કપટી છે; પણ શાંતિની સલાહ આપનાર સુખ પામે છે.

[21] સજ્જન પર કદી આફત આવતી નથી, પરંતુ દુષ્ટો મુશ્કેલીઓથી ભરેલા હોય છે.

[22] યહોવા અસત્યને ધિક્કારે છે, પણ સાચા માણસ પર પ્રસન્ન રહે છે.

[23] ડાહ્યો પુરુષ જ્ઞાનને છુપાવે છે, પણ મૂર્ખ પોતાની મૂર્ખાઇ છાપરે ચડીને જણાવે છે.

[24] ઉદ્યમીનો હાથ અધિકાર ભોગવશે; પરંતુ આળસુ માણસ પાસે મજૂરી કરાવવામાં આવશે.

[25] ચિંતાઓ વ્યકિતને ગમગીન બનાવે છે, પણ પ્રોત્સાહક શબ્દો તેને ખુશ કરે છે.

[26] ભલો સાચો માણસ પોતાના પડોશીને સાચો માર્ગ બતાવે છે, દુર્જન તેને આડે માગેર્ દોરે છે.

[27] આળસુ વ્યકિત પોતે કરેલો શિકાર રાંધતો નથી. પણ ઉદ્યમી માણસ મહામૂલી સંપત્તિ માણે છે.

[28] ન્યાયીપણાનો રસ્તો માં જીવન છે. એને માગેર્ મોત તો છે જ નહિ.

નીતિવચનો — Chapters