Skip to content
Opens in a new window

[1] આવતી કાલની બડાશ મારીશ નહિ, કારણ, આવતીકાલે શું થઇ જાય તે તું જાણતો નથી.

[2] તારાં વખાણ બીજાને કરવા દે, તારે મોઢે ન કર; પારકો ભલે કરે, તું ન કર.

[3] પથ્થર વજનદાર હોય છે, અને રેતી ભારે હોય છે; પરંતુ મૂર્ખની ઉશ્કેરણી બંન્ને કરતાઁ ભારે હોય છે.

[4] ક્રોધ ક્રૂર છે, અને કોપ રેલરૂપ છે, પણ ઇર્ષ્યા આગળ કોણ ટકી શકે?

[5] છુપાવેલા પ્રેમ કરતાં ઉઘાડો ઠપકો સારો છે.

[6] મિત્રના ઘા પ્રામાણિક હોય છે, દુશ્મનનાં ચુંબન શંકાશીલ હોય છે.

[7] ધરાયેલાને મધ પણ કડવું લાગે છે, જ્યારે ભૂખ્યાને કડવું પણ મીઠું લાગે છે.

[8] પોતાનું ઘર છોડીને ભટકતી વ્યકિત પોતાનો માળો છોડી દીધેલા પક્ષી જેવી છે.

[9] જેમ સુગંધીથી અને અત્તરથી મન પ્રસન્ન થાય છે, અંત:કરણથી સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ થાય છે.

[10] તારા પોતાના મિત્રને તથા તારા પિતાના મિત્રને ન તજીશ. વિપત્તિને સમયે તારા ભાઇને ઘેર ન જઇશ. દૂરના ભાઇ કરતાં નજીકનો પડોશી સારો.

[11] મારા દીકરા જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદથી ભરી દે, જેથી મને મહેણાં મારનારને હું જવાબ આપી શકું.

[12] ચતુર વ્યકિત આફતને આવતી જોઇને તેને ટાળે છે, અવિચારી માણસ આગળ વધતો રહે છે અને તેને લીધે સહન કરે છે.

[13] અજાણ્યાનો જામીન થનારનાં કપડાં લઇ લેવાં, અને જો તે દુરાચારી સ્ત્રીનો જામીન થાય તો તેને તાબામાં પકડી લેવો.

[14] જે કોઇ પરોઢિયે ઊઠીને પોતાના મિત્રને મોટે સાદે આશીર્વાદ દે છે, તે તેને શાપ સમાન લાગશે.

[15] ચોમાસામાં ચૂતું છાપરું તથા કજિયાળી સ્ત્રી બંને બરાબર છે.

[16] જે તેણીને રોકી શકે તે પવનને રોકી શકે, અને પોતાના જમણા હાથમાં લગાવેલા તેલની સુગંધ પણ પકડી શકે.

[17] લોઢું લોઢાને તેજ બનાવે છે, તેમ એક મિત્ર બીજા મિત્રને તેજ બનાવે છે.

[18] જે કોઇ અંજીરી સાચવે છે તે અંજીર ખાશે, જે પોતાના ધણીની કાળજી કરે છે તે માન પામે છે.

[19] જેમ માણસોનો ચહેરો પાણીમાં પ્રતિબિંબિત થાય છે, તેવી જ રીતે એક માણસનું હૃદય બીજા માણસના હૃદયમાં પ્રતિબિંબિત થાય છે.

[20] જેમ શેઓલ અને અબદોન કદી તૃપ્ત થતાં નથી; તે જ રીતે માણસની આંખો કદી તૃપ્ત થતી નથી.

[21] રૂપું ગાળવા સારુ કુલડી અને સોનાને માટે ભઠ્ઠી હોય છે તેમ વ્યકિતની પરીક્ષા બીજા તેની પ્રશંસા કરે તેના પરથી થાય છે.

[22] ઘંટીમાં અનાજની જેમ દળાય તોયે મૂર્ખની મૂર્ખાઇ ન જાય.

[23] તારાં ઘેટાંબકરાંની પરિસ્થિતીથી બરાબર માહિતગાર રહે. તારા ઢોરઢાંકરની પૂરતી સંભાળ લે.

[24] કારણ ધન સદા ટકતું નથી અને રાજમુગટ કાયમ રહેતો નથી.

[25] સૂકું ઘાસ વઢાઇ જાય ત્યાં નવું ઘાસ ફૂટે છે, પર્વત પરની વનસ્પતિઓ ભેગી કરી લેવામાં આવે છે.

[26] ઘેટાં તને વસ્ત્રો આપે છે, અને બકરાં તારાં ખેતરનું મૂલ્ય છે;

[27] વળી બકરીનું દૂધ તને, તારા કુટુંબને અને તારી દાસીઓના ગુજરાન માટે ચાલશે.

નીતિવચનો — Chapters