Skip to content
Opens in a new window

[1] પછી અયૂબે આ મુજબ જવાબ આપ્યો:

[2] “અરે! મારા દુ:ખો અને વેદનાઓને ત્રાજવે તોળી શકાય એમ હોત તો!

[3] તો તે સમુદ્રોની રેતી કરતાઁ પણ વજનમાં વધારે હોત. મારા વચનો મૂર્ખ જેવા લાગવાનું એજ કારણ છે.

[4] સર્વસમર્થ દેવે મને તેના બાણથી ભરી દીધો છે. તેમના વિષમય બાણથી મારો આત્મા વીંધાઇ ગયો છે. દેવના ભયાનક શસ્રો મારી સામે મૂકાયા છે.

[5] જંગલી ગધેડા જ્યારે ઘાસ મળે છે ત્યારે ભૂંકતા નથી. જ્યારે ઘાસ મળતું હોય ત્યારે બળદો બરાડા પાડતા નથી.

[6] મીઠા વગરનો બેસ્વાદ ખોરાક કોણ ખાય? અથવા ઇડાના સફેદ ભાગનો કોઇ સ્વાદ હોય છે?

[7] હું તેને અડકવા નથી માગતો; એ જાતના ખાવાનાથી હું થાકી ગયો છું.

[8] “અરે! દેવ મારી પ્રાર્થના સ્વીકારે અને મારી આશા પૂરી કરે!

[9] મને થાય છે દેવ મને કચરી નાખે, જરા આગળ વધે અને મને મારી નાખે.

[10] અને જો એ મને મારી નાખે, તો મને એક વાતનો દિલાસો થશે, મને એક વાતની ખુશી થશે, કે આટલું બધું દુ:ખ હોવા છતાં મે પવિત્ર દેવનાં વચનો પ્રમાણે ચાલવાની ના પાડી નથી.

[11] “હવે મારામાં એવું તે કર્યું બળ છે કે હું સહન કયેર્ જાઉં? અને એવો તે કેવો મારો અંત આવવાનો છે કે હવે હું ધીરજ રાખું?

[12] શું હું કાઇં પથ્થર જેવો મજબૂત છું? શું મારું શરીર પિત્તળનું બનેલું છે?

[13] અત્યારે મને મારી જાતને મદદ કરવાની શકિત નથી કારણકે મારી પાસેથી સફળતા લઇ લીધી છે.

[14] “મુસીબતમાં પડેલા માણસને એના મિત્રોનો સાથ હોવો જોઇએ, કદાચને તે સર્વસમર્થ દેવને ત્યજીદે.

[15] પણ તમે, મારા ભાઇઓ, મને વિશ્વાસુ ન હતા. હું તમારા પર વિશ્વાસ કરી શકું નહિ; તમે ઝરણાં જેવા છો જે કોઇવાર વહે છે અને બીજી કોઇવાર નહિ.

[16] ઝરણાઓ ઘેરા હોય છે જ્યારે તેઓ બરફ અને હિમથી ભરેલા હોય છે.

[17] પરંતુ ગરમીમાં તે શોષાઇ જાય છે, અને એમના પેટ સૂકાઇ જાય છે;

[18] વેપારીઓ વળાંક ને અનુસરીને જતા જતા રણમાં આવી જાય છે અને તેઓ અશ્ય થઇ જાય છે.

[19] તેમના વેપારીઓ પાણીની શોધ કરે છે. શેબાના મુસાફરો આશાપૂર્વક રાહ જુએ છે.

[20] તેઓને ખાત્રી હતી કે તેઓને પાણી મળશે, પરંતુ તેઓ નિરાશ થયા હતા.

[21] તેવીજ રીતે તમે મારા કઠિન સમયમાં ગભરાઇ જઇને મારાથી મોઢું ફેરવી અને મને મદદ કરવાની ના પાડી હતી.

[22] મેં તને પૂછયું હતું! કે, મેં તમારી સલાહ માટે પૂછયું હતું?

[23] શું મે તમને કહ્યું, ‘મને મારા શત્રુના પંજામાંથી બચાવો? હેરાન કરનારાઓથી મને મુકત કરો? પણ તમે મને મુકત રીતે તમારી સલાહ આપી.’

[24] “મને કહો મેં શું પાપ કર્યુ છે? મને શીખવો અને હું તમને અટકાવીશ નહિ.

[25] સત્ય વચન ઘણાં અસરકારક હોય છે. પણ તમારી દલીલો કાઇપણ પૂરાવા કરતી નથી.

[26] શું તમે માનો છો કે તમે મને ફકત શબ્દોથી સુધારી શકો? પણ હતાશ માણસના શબ્દો પવન જેવા હોય છે.

[27] અનાથોના ભાગની વસ્તુઓ જીતવા માટે તમે કદાચ જુગાર પણ રમો એવા છો. અથવા તમારા મિત્રોના ભોગે નફો કરો છો.

[28] મારી સામે જુઓ! હું તમારી આગળ જૂઠું નહિ બોલું.

[29] આટલેથી અટકી જાવ, મને અન્યાય ન કરો, આટલેથી અટકો, મેં કાઇ ખોટું કર્યું નથી.

[30] તમે એમ માનો છો કે હું જૂઠું બોલું છું? સાચું અને ખોટુ એ બે વચ્ચેનો ભેદ હું પારખી શકતો નથી?”

અયૂબ — Chapters