[1] અયૂબે કહ્યું “તમે જે કઇં મને કહ્યું તે બધું તો મેં મારા કાનેથી સાંભળ્યું છે, અને મારી આંખોએ જોયું છે અને હું એ બધું સમજું છું.
[2] તમે જે બધુ જાણો છો તે હું પણ જાણું છુ. તમે જેવા હોશિયાર છો તેવો જ હું છું.
[3] પણ મારે સર્વ સમર્થ દેવ સાથે મોઢાંમોઢ વાત કરવી છે. મારે એમની સાથે વિવાદ કરવો છે.
[4] તમે ત્રણ જણા તમારી અજ્ઞાનતાને જૂઠાણાથી છૂપાવવાની કોશિશ કરો છો. તમે બધાં ઊંટવૈદ જેવા છો. જે કોઇને સાજા કરી શકતા નથી.
[5] તમે મૂંગા રહ્યા હોત તો સારું હતું! કારણકે એમાં તમારું ડહાપણ જણાત.
[6] “હવે મારી દલીલો સાંભળો, મારી બાબત પર ધ્યાન આપો.
[7] શું તમે દેવ માટે જૂઠું બોલશો? શું તમે સાચે એમ માનો છો કે તે તમારી પાસે જૂઠુ બોલાવવા માગે છે.
[8] શું તમે દેવનો મારી સામે બચાવ કરવા પ્રયત્ન કરી રહ્યાં છો? તમે પક્ષપાત કરો છો તમે દેવનો પક્ષ પસંદ કરો છો કારણકે તે દેવ છે એટલા માટે.
[9] સાવચેત રહેજો, તમે જે કાંઇ કરો છો એ બધું તે જાણે છે. શું તમે એમ માનો છો કે તમે જેમ માણસને મૂર્ખ બનાવો છો તેમ દેવને પણ બનાવી શકશો?
[10] તમે જાણો છો કે જો તમે ન્યાયાલયમાં કોઇ વ્યકિતનો પક્ષ ફકત તે મહત્વપૂર્ણ વ્યકિત છે તે માટે લો છો તો દેવ તમને ધિક્કારશે.
[11] દેવની મહાનતા તમને નહિ ડરાવે તમે તેનાથી કરશો નહિ?
[12] તમારાં બધા જોરદાર સૂત્રો નિરર્થક છે અને તમારી બધી દલીલો કોઇ કામની નથી.
[13] “હવે તમે છાના રહો, મને બોલવા દો અને જે થવાનું હોય તે થવા દો.
[14] ભલે ગમે તે થાય, હું મારું જીવન જોખમમાં મૂકવાં તૈયાર છું, હું મારો જીવ મૂઠીમાં લઇને ફરવા તૈયાર છું.
[15] આમ કહેવાને કારણે દેવ ભલે મને મારી નાખે, હું તેમની રાહ જોઇશ; તેમ છતાં હું તેમની સમક્ષ મારો બચાવ જરૂર રજૂ કરીશ.
[16] ફકત એ જ મારું તારણ પણ થઇ પડશે. કારણકે દુષ્ટ લોકોની દેવ સામે ઊભા રહેવાની હિંમત હોતી નથી.
[17] હવે તમે મારી વાત સહેજ ધ્યાનથી સાંભળો.
[18] હું કાળજીપૂર્વક મારી દલીલો રજૂ કરીશ. અને હું જાણું છું કે હું નિદોર્ષ છૂટીશ.
[19] મને કોણ ખોટો ઠરાવી શકે એમ છે? જો કોઇ પણ હોય તો હું તત્કાળ ચૂપ થઇ જઇશ.
[20] “હે દેવ! માત્ર બે બાબતોથી તમે મને મુકત કરો પછી હું તમારાથી મારું મુખ સંતાડીશ નહિ.
[21] મને સજા કરવાનું બંધ કરો અને મને ડરાવવાનું બંધ કરો!
[22] પછી જો તમે મારી સાથે બોલશો તો હું તમને જરૂર જવાબ આપીશ; અથવા મને બોલવા દો અને તમે જવાબ આપો.
[23] મને કહો, “મેં શું ખોટું કર્યુ છે? મને મદદ કરો! મારાં પાપ અને અપરાધ મને જણાવો.
[24] શા માટે તમે મારાથી મુખ ફેરવી લો છો? શા માટે તમે મારી સાથે તમારા દુશ્મન જેવું વર્તન કરો છો?
[25] શું તમે પવનથી ખરી પડેલા પાંદડાને શિક્ષા કરશો? શું તમે સૂકા નિરર્થક તણખલાની પાછળ પીછો કરશો? હું તો એવો છું.
[26] તમે મારી વિરુદ્ધ સખત ઠરાવ લખો છો અને મારી યુવાવસ્થાના પાપોની સજા મને આપો છો;
[27] હે દેવ, તમે મારા પગમાં બેડીઓ બાંધો છો, તમે મારા બધા રસ્તાઓ ધ્યાનથી નિરખો છો, અને મારું એકેએક ડગલું તપાસો છો.
[28] જો કે હું નીચે પડી સડી ગયેલ વૃક્ષ જેવો છું અને ઊધઇથી ખવાઇ ગયેલા વસ્ર જેવો છું.”