Skip to content
Opens in a new window

[1] પછી અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે:

[2] “હા, તમે ખૂબ પ્રોત્સાહન આપનારા છો અને તમે મારા દુર્બળ હાથને મજબૂત બનાવ્યા છે. બિલ્દાદ, સોફાર અને અલીફાઝ, તમે આ થાકેલા, પજવાયેલા માણસને ખુબ મદદ કર્તા રહ્યાં છો!

[3] હા, તમે શાણપણ વગરના આ માણસને અદભૂત શિખામણ આપી! તમે ખરેખર દેખાડ્યું, તમે કેવા જ્ઞાની છો!

[4] તમે કોની મદદથી બોલો છો? તમને કોના આત્માએ પ્રેરણા આપી છે?”

[5] “પૃથ્વી તળે તથા પાણીમાં તે મરેલાઓના આત્મા ભયથી ધૂજે છે.

[6] દેવની સમક્ષ શેઓલ ઉઘાડું છે, અને વિનાશને કોઇ ઢાંકણ નથી.

[7] દેવ ઉત્તરને ખાલી આકાશમાં ફેલાવે છે અને પૃથ્વીને શૂન્યાવકાશ પર લટકાવી છે.

[8] એમણે ગાઢ વાદળામાં પાણી ભર્યું છે અને છતાં પાણીના ભારથી વાદળ ફૂંટતા નથી.

[9] દેવ આખા રાજ્યાસનને ઢાંકી દે છે. તે તેના પર વાદળાંઓ પાથરી અને સંતાડી દે છે.

[10] દેવે સમુદ્ર પર જે જગ્યાએ પ્રકાશ અને અંધકાર મળે છે, ગોળાકાર જેવી ક્ષિતિજ અંકિત કરી.

[11] જ્યારે દેવ તેઓને ડરાવે છે, આકાશના આધારસ્તંભો હાલવા લાગે છે.

[12] દેવની શકિત સમુદ્રને શાંત કરે છે. પોતાના ડહાપણથી તેણે રહાબનો નાશ કર્યો છે.

[13] એમના શ્વાસથી આકાશ સ્વચ્છ રહે છે, એમણે એમના બળથી ભાગી જતાં સાપને હણ્યો છે.

[14] આ તો માત્ર થોડીકજ અદભૂત ચીજો દેવ કરે છે. આપણે તો માત્ર દેવનો મંદ ગણગણાટ જ સાંભળીએ છીએ. કોઇ ખરેખર જાણી શકતું નથી કે દેવ કેવા મહાન અને શકિતશાળી છે.”

અયૂબ — Chapters