Skip to content
Opens in a new window

[1] ત્યારે અયૂબે ઉત્તર આપ્યો કે,

[2] “હા, તમે જ પ્રજાના ડહાપણનો ભંડાર છો; તમારા મૃત્યુની સાથે ડહાપણ પણ મરી પરવારશે!

[3] પરંતુ તમારી જેમ મને પણ ડહાપણ અને અક્કલ છે; અને હું તમારા કરતાં ઊતરતો નથી; હા, એ બધું કોણ નથી જાણતું?

[4] ‘એક દિવસ દેવ મારી પ્રાર્થના સાંભળતા હતા;’ પણ હવે તો મારા મિત્રો પણ મારી પર હસે છે, હું ખરેખર સાચો છું અને નિદોર્ષ છું છતાં તેઓ હસે છે.

[5] જે લોકોને મુશ્કેલીઓ નથી, તેઓ જે લોકોને મુશ્કેલીઓ છે તેમનો તિરસ્કાર કરે છે. સ્થિર માણસ જેના પગ લથડી રહ્યાં છે તેને છેતરે છે.

[6] ચોર ડાકુઓના ઘર આબાદ થાય છે. તેઓ સુખથી જીવે છે અને દેવને પડકારનારાઓ સુરક્ષિત હોય છે; તેઓની તાકાત તે જ તેમનો દેવ છે.

[7] “પરંતુ પશુઓને તમે પૂછો તો તે તમને શીખવશે, જો પક્ષીઓને પૂછો તો તે તમને કહેશે.

[8] અથવા પૃથ્વીને પૂછો, તે તમને શીખવશે; સમુદ્રમાંની માછલીઓને પૂછો તો તે તમને માહિતી આપશે.

[9] દરેક વ્યકિત જાણે છે કે આ સર્વનું યહોવાએ સર્જન કર્યું છે.

[10] બધાંજ જીવો તથા મનુષ્યનો આત્મા પણ દેવના જ હાથમાં છે.

[11] જેમ મારું મુખ સારા ભોજનનો સ્વાદ પારખે છે તે જ રીતે જ્યારે હું સાંભળું છું ત્યારે મારું મન સત્યની પરખ કરે છે.

[12] અમે કહીયે છીએ, ‘વૃદ્ધ પુરૂષોમાં ડહાપણ હોય છે, અને પાકી વયમાં સમજણ હોય છે.’

[13] પરંતુ ખરું ડહાપણ અને સાર્મથ્ય તો દેવનાં જ છે. સમજ અને સત્તા તો તેની પાસે જ છે.

[14] તે મહા પરાક્રમી છે. તે જે કાંઇ ફાડી નાખે છે તે ફરીથી બાંધી શકાતું નથી. જ્યારે તે માણસને કેદ કરે છે, ત્યારે કોઇ તેને છોડાવી શકતું નથી.

[15] જ્યારે તે વરસાદને અટકાવે છે, એટલે જમીન સૂકાઇ જાય છે અને જ્યારે તે વરસાદને છોડી દે છે, ત્યારે પાણી પૃથ્વી પર ફરી વળે છે.

[16] દેવ સર્વસમર્થ છે અને હંમેશા જીતે છે. છેતરનારા અને છેતરાયેલાં બંને તેનાં હાથમાં જ છે.

[17] તે રાજમંત્રીઓની બુદ્ધિ લૂંટી લે છે અને ન્યાયકર્તાઓને મૂર્ખા બનાવે છે.

[18] રાજાઓ ભલે લોકોને કેદમાં પૂરે, પણ દેવ તે લોકોને મુકત કરે છે, અને તેમને શકિતશાળી બનાવે છે.

[19] તે દેવ યાજકો પાસેથી તેમની સત્તા આંચકી લે છે સરકારી અધિકારીઓને તેમની નોકરીમાંથી કાઢી મુકે છે.

[20] વિશ્વાસપાત્ર સલાહકારોને એ ચૂપ કરે છે, અને વડીલોનું શાણપણ પણ છીનવી લે છે.

[21] દેવ રાજાઓ ઉપર તિરસ્કાર કરે છે. તે શકિતશાળીઓની સત્તા આંચકી લે છે.

[22] દેવ ગુપ્તમાં ગુપ્ત રહસ્ય પણ પ્રગટ કરે છે, તે મૃત્યુ જેવી કાળી જગ્યાએ પણ પ્રકાશ પહોચાડે છે.

[23] તે રાષ્ટને મોટું બનાવે છે પછી તેના લોકોને વિખેરી નાખે છે.

[24] તે પૃથ્વીના લોકોના આગેવાનોની સમજશકિત હણી લે છે અને તેઓને દિશા-વિહોણા અરણ્યમાં રખડતાં હોય તેવા,

[25] ઘોર અંધકારમાં અથડાતાં અને છાકટા માણસની જેમ લથડતાં તેઓને કરી મૂકે છે.”

અયૂબ — Chapters