Skip to content
Opens in a new window

[1] યહોવાએ અયૂબને ઉત્તર આપતાં કહ્યું કે,

[2] “અયૂબ, તેઁ સર્વસમર્થ દેવ સાથે દલીલ કરી છે? તે મને ખોટું કરવા માટે દોષિત ઠરાવ્યો. હવે તું કબૂલ કરીશ કે તું ખોટો છે? શું તું મને જવાબ આપીશ?”

[3] ત્યારે અયૂબે યહોવાને જવાબ આપ્યો કે,

[4] “મારી કશીજ વિસાત નથી. હું તમને કેવી રીતે જવાબ આપી શકું? મારો હાથ મારા મોં પર રાખીને હું મૌન રહું છું.

[5] હું એક વખત બોલ્યો, પણ, હું ફરીથી બોલીશ નહિ. હું બે વખત બોલ્યો, પણ હવે હું વધારે કહીશ નહિ.”

[6] પછી યહોવાએ વંટોળિયામાંથી અયૂબને જવાબ આપ્યો કે:

[7] “તું અયૂબ, તારી જાતને કાબૂમાં રાખ અને હું પ્રશ્ર્ન પૂછું તેનો જવાબ આપવા તૈયાર થા.

[8] “અયૂબ, શું તું માને છે કે હું ગેરવાજબી છુ? તું કહે કે હું ખોટું કરવા માટે દોષિત છું, તેથી શું તું નિદોર્ષ દેખાઇ શકીશ?

[9] તારે મારા જેવા ભુજ છે? મારી જેમ તું ગર્જના કરી શકે છે?

[10] તો તું જો દેવ સમાન હોય, તો તું ગર્વ કરી શકે. જો તું દેવ સમાન હોય, તો માન અને પ્રતિષ્ઠાને વસ્ત્રો ની જેમ ધારણ કરી શકીશ.

[11] જો તું દેવ સમાન હોય, તો તું તારો ક્રોધ વ્યકત કરી શકીશ અને ઘમંડીઓને પછાડીશ.

[12] હાં અયૂબ! એ ગવિર્ષ્ઠ લોકો સામે જો અને તેઓને નમ્ર બનાવ. દુષ્ટો જ્યાં ઊપસ્થિત હોય, કચરી નાખ.

[13] સર્વ ગવિર્ષ્ઠ લોકો ને ધૂળમાં દાટી દો. તેઓના મુખને કબરોમાં ઢાંકી દે.

[14] જો તું એવું કરી શકીશ તો હું પણ તારા વખાણ કરીશ મને ખાતરી થશે કે તું તારા પોતાના બળથી પોતાને બચાવી શકશે.

[15] “ગેંડાની સામે જો. મેં તારી સાથે ગેંડાને ઉત્પન્ન કર્યો છે, તે બળદની જેમ ઘાસ ખાય છે.

[16] તેના પેટમાંના સ્નાયુઓ ખુબજ બળવાન છે તેના શરીરમાં ઘણી શકિત છે.

[17] એની પૂંછડી દેવદાર વૃક્ષની જેમ ટટ્ટાર ઊભી રહે છે, એની પગની પિંડીના સ્નાયુઓ કેવા મજબૂત છે!

[18] તેના હાડકાં કાંસા જેવા છે. તેના પગ લોખંડના સળિયા જેવા મજબૂત છે.

[19] મારા પ્રાણીઓના સર્જનોમાં ગેંડો શ્રેષ્ઠ છે. જો કોઇ તેનું સર્જન કરવાનો દાવો કરે તો ભલે તે મારી સાથે તરવાર લઇને લડવા આવે.

[20] જંગલનાં બીજાં પ્રાણીઓ જ્યાં વસે છે તેવા પર્વતો પરથી તેને ઘાસ મળી રહે છે.

[21] તે કાદવ કીચડવાળી જગ્યામાં કમળના છોડ નીચે પડી રહે છે. તે બરૂઓની વચ્ચે કાદવ કીચડમાં સંતાય છે.

[22] કમળના છોડો તેને પોતાની છાયાથી ઢાંકે છે; તે નદી પાસે ઉગતા વેલા નીચે રહે છે.

[23] જો નદીમાં પૂર આવે, તો ગેંડો ભાગી જશે નહિ. તે યર્દન નદી તેના મોઢા પર પાણી ઊડાડે તો પણ તે ગભરાતો નથી.

[24] તેને આંકડીમાં ભરાવીને કોણ તેને પકડી શકે? તેના નાકમાં નથ કોણ નાખી શકે છે?

અયૂબ — Chapters