Skip to content
Opens in a new window

[1] એટલે બિલ્દાદ શૂહીએ જવાબ આપ્યો કે,

[2] “અયૂબ, તું ક્યાં સુધી આમ શબ્દોને પકડવા જાળ ફેલાવ્યા કરીશ? સમજદાર થા, પછી અમે તારી સાથે વાત કરીએ.

[3] તમે અમને શા માટે ઢોર જેવા ગણો છો? અને શા માટે અમને મૂર્ખ માનો છો?

[4] અયૂબ, તું જ તારા ક્રોધથી તારી જાતને દુ:ખ પહોંચાડી રહ્યો છે. શું તારા માટે લોકોએ પૃથ્વી છોડીને જવું? શું તમે વિચારો છો કે માત્ર તમારા સંતોષ માટે દેવ પર્વતોને હલાવશે?

[5] “હા, દુષ્ટ લોકોનું તેજ બહાર ચાલ્યું જશે. તેનો અગ્નિ બળતો બંધ થઇ જશે.

[6] તેના પ્રકાશિત ઘરમાઁ અંધારૂ થશે. તેની પાસેનો દીવો હોલવાઇ જશે.

[7] તેનાં મજબૂત પગલાં નબળાં પડી જશે. તેની અનિષ્ટ ઇચ્છાઓ તેને નીચે પાડશે.

[8] તે ફાસલામાં ચાલે છે; તેના પગ એમાં ફસાઇ જાય છે.

[9] ફાસલો તેના પગની પાની પકડી લે છે, એના પાશમાં તે જકડાઇ જાય છે.

[10] જમીન પર જાળ સંતાઇને પડી હશે, તેનાં માર્ગમાં એ પાથરેલી હશે.

[11] એની ચારેકોર ભય તેની પર ત્રાટકવા ટાંપી રહ્યાં છે. દરેક પગલું તેની પાછળ તે ભરે છે.

[12] ભૂખથી તેનું બળ ક્ષીણ થઇ જશે. વિનાશ તેને નીચો પાડવાં રાહ જોઇને ઊભા હોય છે.

[13] ભયંકર બિમારીઓ તેની ચામડીને કોરી ખાશે. એના હાથ, પગ કોહવાઇ જશે.

[14] એ જે ઘરમાં નિરાંતે જીવે છે એમાંથી એને બહાર ખેંચી કાઢવામાં આવે છે અને એને ભયના રાજાની હાજરીમાં લાવવામાં આવશે.

[15] જેઓ તેનાં નથી તેઓ તેના ઘરમાં વસશે; એના ઘર પર ગંધક છાંટવામાં આવે શે.

[16] તેની નીચેથી મૂળીયાં સડી જાય છે, તેની ઉપરની ડાળીઓ સુકાઇ જાય છે. તેથી તે મૃત્યુ પામશે.

[17] આ દુનિયામાં તેનું નામનિશાન રહેશે નહિ. એને કોઇ પણ યાદ કરશે નહિ.

[18] પ્રકાશમાંથી તેને અંધકારમાં ધકેલી દેવામાં આવશે અને જગતમાંથી તેને હાંકી કાઢવામાં આવશે.

[19] તેને કોઇ સંતાન કે પૌત્ર, પૌત્રીઓ હશે નહિ. તેના કુટુંબમાંથી કોઇ જીવતું નહિ રહે.

[20] પશ્ચિમના લોકો દિગમૂઢ થઇ જશે જ્યારે તેઓ સાંભળશે કે તે દુષ્ટ માણસને શું થયું. અને પૂર્વના લોકો ભયને કારણે તેમના વાળ ખેચી નાખશે.

[21] દુષ્ટ લોકોના ઘરને ખરેખર આમ થશે, જેને દેવનું જ્ઞાન નથી તેની આવી જ દશા થશે.”

અયૂબ — Chapters