Skip to content
Opens in a new window

[1] “હું ત્રાહિત છું. મારો આત્મા રૂંધાય છે. હું જીવનને આરે આવી ઊભો છું, હવે કબર સિવાય મારે માટે કોઇ મારી રાહ જોતું નથી.

[2] મારી આજુબાજુ હવે માત્ર મારી હાંસી કરનારાઓ જ રહ્યાં છે; અને જ્યારે તેઓ કઠોર વચનો બોલે છે, હું તેઓને નજરમાં રાખું છું.

[3] “દેવ, મને બતાવો કે તમે ખરેખર મને આધાર આપો છો. બીજુ કોઇ મને આધાર નહિ આપે.

[4] હે દેવ, તમે જ તેઓને આ સમજવા દીધું નથી, તેથી તમે તેઓને જીતવા દેશો નહિ.

[5] તમે જાણો છો, લોકો શું કહે છે, ‘જ્યારે એક માણસ પોતાની સંપતિનો હિસ્સો મેળવવા માટે પોતાના મિત્રોને વાત કરે છે, તેના બાળકો અંધ બની જશે.’

[6] દેવે મને લોકોમાં હાંસીપાત્ર બનાવ્યો છે; તેથી લોકો મારા મોઢા પર થૂંકે છે.

[7] દુ:ખથી આંસુ સારવાથી હવે મારી આંખે અંધારા આવે છે, અને મારાં અંગો પડછાયા જેવા બની ગયા છે.

[8] ન્યાયી લોકો આને લીધે ઉદ્વિગ્ન છે. નિદોર્ષ લોકો જેઓ દેવની કાળજી કરતાં નથી તેને લીધે વ્યથિત છે.

[9] છતાંય સજ્જન પુરૂષો પોતાના માર્ગમાં ટકી રહેશે અને પ્રામાણિક નીતિવાન અધિકાધિક બળવાન થતાં રહેશે.

[10] “પરંતુ તમે બધા રહેવા જ દો, પાછા આવો, મને તમારી વચ્ચે એકપણ શાણો માણસ નહિ મળે.

[11] મારું જીવન પસાર થતું જાય છે. મારી યોજનાઓ નષ્ટ થઇ ગઇ છે. મારી આશાઓ અદ્રશ્ય થઇ ગઇ છે.

[12] પણ મારા મિત્રો રાત ને દિવસ માને છે, અંધકાર હોવા છતાં તેઓ કહે છે, ‘પ્રકાશ નજીકમાં છે.’

[13] “હું કદાચ આશા રાખુંકે કબર મારું નવું ઘર બને. હું કબરના અંધકારમાં પથારી પાથરવાની પણ કદાચ આશા રાખું.

[14] મેં કબરને એમ કહ્યું છે, ‘તમે મારા પિતા છો.’ મેં કીડાઓને કહ્યું છે, ‘તમે મારી માતા અને બહેનો છો.’

[15] તો પછી હવે, મારે માટે કોઇ આશા રહી ખરી? કોણ જોશે, મારા માટે કોઇ આશા છે કે નહિ?

[16] મારી આશા, નીચે મૃત્યુલોક સુધી જશે? આપણે માટીમાં સાથે મળી જઇશું?”

અયૂબ — Chapters