[1] અલીહૂએ અનુસંધાનમાં આગળ બોલતા કહ્યું:
[2] “હે શાણા માણસો, તમે મારા શબ્દો સાંભળો; અને હે જ્ઞાનીઓ, તમે મારા કહેવા પર ધ્યાન આપો.
[3] જેમ જીભ સ્વાદને ઓળખી શકે છે, તેમ કાન શબ્દોને પારખી શકે છે.
[4] ચાલો આપણે પસંદ કરીએ કે સાચું શું છે, ચાલો આપણે નક્કી કરીએ કે સારું શું છે.
[5] કારણ કે અયૂબે કહ્યું છે કે, ‘હું નિદોર્ષ છું અને દેવ મારી સાથે ન્યાયી નથી.
[6] હું નિદોર્ષ છું છતાં હું જૂઠા બોલો તરીકે ગણાઉં છું; એમણે મને સતત જીવલેણ પ્રહાર કર્યો છે; પણ મેં કઇં વાંક ગુનો કર્યો નથી.’
[7] “અયૂબના જેવો બીજો કોણ છે? અયૂબ જેટલી સરળતાથી પાણી પીએ છે તેટલી સરળતાથી તિરસ્કાર પી જાય છે.
[8] એને દુષ્ટ લોકોનીં સંગત ગમે છે, એ દુષ્ટ લોકોની સાથે ફરે છે.
[9] તેણે કહ્યું છે, ‘દેવને ખુશ કરવાથી તેમાઁ તેને કોઇ લાભ નથી.’
[10] “તેથી હે શાણા માણસો, મારું સાંભળો દેવ કદી કંઇ ખોટું કરેજ નહિ, અને સર્વસમર્થ દેવ કદી કંઇ અનિષ્ટ કરે નહિ.
[11] તે માણસે જે કર્યુ હશે તેનો બદલો તે માણસને દેવ આપશે.
[12] દેવ ખોટું કરશે જ નહિ, અન્યાય કરશે જ નહિ. આના કરતાં વધારે સાચું કોઇ વિધાન નથી.
[13] પૃથ્વી પર કામગીરી બજાવવા માટે કોઇએ દેવને પસંદ કર્યા નથી. કોઇએ દેવને આખી દુનિયાની જવાબદારી સોંપી નથી. દેવેજ બધી વસ્તુઓ બનાવી છે અને તે વસ્તુઓ પર હમેશા તેમની જ સત્તા રહી છે.
[14] જો દેવ પોતાનો આત્મા અને શ્વાસ પૃથ્વી પરથી લઈ લે.
[15] તો તમામ સજીવોનો વિનાશ થાય અને માણસ જાત પાછી ધૂળ ભેગી થઇ જાય.
[16] “જો તમારામાં સમજ શકિત હોય તો મને સાંભળો! મારા શબ્દો ધ્યાનમાં રાખો.
[17] જે ન્યાયને ધિક્કારે, તો એ કદી રાજ ચલાવી શકે? દેવ ન્યાયી અને પરાક્રમી છે. શું તને લાગે છે તું તેને દોષિત ઠરાવી શકીશ?
[18] શું દેવ કદી રાજાઓને કહે છે કે, ‘તમે નકામા છો’ અથવા રાજકુમારોને કે, ‘તમે દુષ્ટ છો?’
[19] દેવ રાજકર્તાઓને બીજા લોકો કરતા વધારે પ્રેમ કરતા નથી, ધનવાનોને ગરીબ લોકો કરતા વધારે પ્રેમ કરતા નથી. કારણ કે બધા તેના હાથે સર્જાયેલા છે.
[20] એક ક્ષણમાં, મધરાતે પણ, તેઓ મૃત્યુ પામે છે. જ્યારે દેવ પ્રહાર કરે છે, બળવાન પણ મરી જાય છે. મહાન લોકો અદ્રશ્ય થઇ જાય છે અને તેમાં માણસનો હાથ સંડોવાયેલો નથી.
[21] “કારણકે, દેવની નજર માણસની ચાલચલગત પર હોય છે. તે તેની સઘળી વર્તણૂક જુએ છે.
[22] દુષ્ટ માણસને સંતાડી શકે એવો કોઇ પડદો કે અંધકાર નથી.
[23] દેવને લોકોની વધુ પરીક્ષા કરવા માટે સમય પસંદ કરવાની જરૂર નથી. દેવને લોકો વિશે અભિપ્રાય આપવા તેમને સામે લાવવાની જરૂર નથી.
[24] જો શકિતશાળી લોકો પણ દુષ્કર્મ કરે, તો દેવને તેઓને માટે પ્રશ્ર્ન કરવાની જરૂર નથી. તે સર્વથા તે લોકોનો વિનાશ કરશે અને બીજાઓને નેતા તરીકે નિયુકત કરશે.
[25] તેથી દેવ જાણે છે કે લોકો શું કરે છે એજ કારણે દેવ રાતોરાત દુષ્ટ લોકોને પાયમાલ કરશે અને તેઓનો નાશ કરશે.
[26] દેવ દુષ્ટ લોકોને તેઓએ જે દુષ્કમોર્ કર્યા છે તેને માટે બીજાઓ જ્યારે જોતા હશે ત્યારે સજા કરશે.
[27] કારણકે તેઓ દેવથી પાછા ફરી ગયા છે, તેઓ એના માર્ગને અનુસરવા માગતા નથી.
[28] તેમનો પોકાર દેવ સુધી પહોંચે છે અને દેવ એ દુ:ખી લોકોનો સાદ સાંભળે છે.
[29] પણ જો દેવ તેઓને મદદ ન કરવાનો નિશ્ચય કરે તો કોઇપણ દેવને દોષિત ઠરાવી શકે તેમ નથી. જો દેવ પોતે લોકોથી સંતાઇ જાય તો કોઇ તેને શોધી શકે તેમ નથી.
[30] અને જો તે લોકોને પાપ કરવાનું કારણ શાસન છે તો દેવ તેને તેની સત્તા પરથી ઊતારી નાખશે.
[31] “શું કોઇએ ઇશ્વરને એમ કહ્યું છે કે, ‘હું ગુનેગાર છું, હવે પછી હું કદી પાપ કરીશ નહિ.
[32] દેવ, હું તમને જોઇ શકતો નથી તે છતાં મને જીવવાની સાચી રીત મને શીખવશો જો મેં ખોટું કર્યુ હોય તો હું ફરી એવું કરીશ નહિ.’
[33] અયૂબ, તને દેવ પાસેથી ફળ જોઇએ છે. પણ તારે તે બદલવું નથી. અયૂબ એ તારો નિર્ણય છે અને મારો નથી. મને કહે તું શું જાણે છે.
[34] ડાહ્યો માણસ મને સાંભળશે ડાહ્યો માણસ કહેશે.
[35] ‘અયૂબ જ્ઞાન વગર બોલે છે. એના શબ્દોમાં કોઇ તાત્પર્ય નથી.’
[36] મને લાગે છે કે અયૂબને વધારે સજા થવી જોઇએ. કારણકે અયૂબ અમને દુષ્ટ માણસો જેવા જવાબ આપે છે. અંત સુધી તેની કસોટી થવી જોઇએ.
[37] અયૂબ તેના બીજા પાપોમાં બળવાખોરીનો ઉમેરો કરે છે. અયૂબ ત્યાં અમારું અપમાન કરી અમારી પહેલા બેસે છે. અને તે દેવની વિરુદ્ધ લાંબી લાંબી વાતો કરે છે.”