[1] પછી અયૂબના ત્રણ મિત્રોએ અયૂબને જવાબ આપવાનું મૂકી દીધુ કારણકે અયૂબને એટલો આત્મ વિશ્વાસ હતો કે તે પોતે સાચે નિદોર્ષ હતો.
[2] પરંતુ રામના કુળનો બુઝનો વંશજ બારાકેલનો પુત્ર અલીહૂ અયૂબ પર ગુસ્સે થયો હતો, કારણકે અયૂબ પોતાને નિદોર્ષ અને દેવને દોષિત માનતો હતો.
[3] વળી તેના ત્રણ મિત્રો વિરુદ્ધ પણ તેનો ક્રોધ ચઢયો, કેમ કે તેઓ તેની વાતોનો ઉત્તર આપી શક્યા નહોતા, તો પણ તેઓએ અયૂબને દોષિત ઠરાવ્યો હતો.
[4] તેઓ બોલતા હતાં ત્યારે અલીહૂ બોલ્યા વિના બેસી રહ્યો હતો, કારણકે તેઓ એનાથી ઉંમરમાં મોટા હતા;
[5] પણ જ્યારે એણે જોયું કે એ ત્રણેના મોંમા ઉત્તર નથી ત્યારે એને રોષ થયો હતો.
[6] બુઝનો વંશજ બારાકેલના પુત્ર અલીહૂએ ઉત્તર આપતા કહ્યું કે: “હું નાનો છું, અને તમે ઘણા વૃદ્ધ છો; માટે હું દબાઇ ગયો, અને મારો મત તમને જણાવવાની મારી હિંમત ચાલી નહિ.
[7] મને લાગ્યું, ‘મોટેરાઓએ બોલવું જોઇએ, વયોવૃદ્ધોએ એમનું જ્ઞાન શીખવવું જોઇએ.’
[8] પરંતુ માણસમાં રહેલો આત્મા વ્યકિતને ડાહ્યો બનાવે છે. ને સર્વસમર્થ દેવનો શ્વાસ લોકોને સમજાવે છે.
[9] માત્ર મોટી ઉંમરવાળા બુદ્ધિમાન હોય છે, એમ નથી, અને વૃદ્ધો ન્યાય સમજે છે એમ હંમેશા હોતું નથી.
[10] “માટે હું કહું છું કે, ‘મને સાંભળો; હું પણ મારો મત દર્શાવીશ.’
[11] જુઓ, જ્યારે તમે બોલતા હતા ત્યારે મેં રાહ જોઇ. જ્યારે તમે શબ્દો શોધતા હતા, હું તમારી દલીલો સાંભળતો હતો.
[12] તમને મેં ધ્યાનથી સાંભળ્યા, પણ તમે કોઇએ અયૂબને ખોટો પાડ્યો નહિ. અયૂબને સામો જવાબ આપ્યો નહિ.
[13] તમે ત્રણ જણાઓ કહી ન શકો કે તમને જ્ઞાન મળ્યુ. દેવે નહિ લોકોએ અયૂબની દલીલોનો જવાબ આપવો જેઇએ.
[14] એ મારી સાથે દલીલમાં ઊતર્યો નથી, અને હું તમારી જેમ સામે જવાબ આપીશ નહિ.
[15] “અયૂબ, તેઓ દલીલ હારી ગયા છે, તેઓ કંઇ વધારે સામો જવાબ આપતા નથી, એમની પાસે હવે શબ્દો રહ્યા નથી.
[16] અયૂબ, તને જવાબ આપવા હું આ માણસોની રાહ જોતો હતો. પણ તેઓ ચૂપ રહ્યા. તેઓએ તમારી સાથે દલીલ કરવાનું બંધ કર્યુ છે.
[17] ના, હવે હું મારે જે કંઇ કહેવાનું છે તે કહીશ, હું જે વિચારું છું તે કહીશ.
[18] મારી પાસે ઘણી બાબતો કહેવા માટે છે મારી અંદરનો આત્મા મને ફરજ પાડે છે.
[19] હું દ્રાક્ષારસની તે નવી બાટલી જેવો છું કે જે હજી ખોલી ન હોય. હું તે નવા દ્રાક્ષારસના ઢાંકણા જેવો છું કે જે ખોલાયા પછી ઊડવાની તૈયારીમાં હોય છે.
[20] મારું મન સ્વસ્થ થાય માટે મારે બોલવું જ જોઇએ, મારે મોઢે અયૂબની દલીલોનો જવાબ આપવો જ જોઇએ.
[21] હું કોઇનો પક્ષ નહિ લઉં, હું કોઇની પ્રશંસા નહિ કરું.
[22] મને પ્રશંસા કરતાઁ નથી આવડતું, જો હું એમ કરું તો દેવ મને કબરની તરફ મોકલી દેશે!