[1] “હું જીવનથી કંટાળી ગયો છું. હું મુકત રીતે ફરિયાદ કરીશ. હું દુ:ખ અને કડવાશથી બોલીશ.
[2] હું દેવને કહીશ કે, ‘મને દોષિત ન ઠરાવો; તમે મારી સાથે શા માટે ઝગડો કરો છો તે મને બતાવો.
[3] દેવ, શું મને દુ:ખ આપીને તમને આનંદ મળે છે? એવું લાગે છે તમે જે સર્જન કર્યુ છે તેની તમને કાળજી નથી. અથવા તો કદાચ તમે દુષ્ટ લોકોની યોજનાઓથી ખુશ થાઓ છો?
[4] શું તને ચર્મચક્ષુ છે, અથવા શું તું માણસની જેમ જુએ છે?
[5] શું તમારા દિવસો અમારા દિવસો જેટલાં ટૂંકાં છે? તમારું જીવન માણસના જીવન જેટલું ટૂંકુ છે
[6] કે તમે મારી ભૂલ શોધો છો અને મારા પાપ શોધો છો.
[7] તમે સારી રીતે જાણો છો કે હું નિદોર્ષ છું. તમે જાણો છો કે તમારા હાથમાંથી મને કોઇ બચાવી શકે તેમ નથી.
[8] તમે તમારા પોતાના હાથે મને ઘડ્યો છે, પરંતુ હવે તેઓ ભેગા થઇને મારો વિનાશ કરે છે.
[9] યાદ રાખો કે હું માટીમાંથી બનેલો છું. શું હવે તમે મને પાછો માટીમાં મેળવી દેશો?
[10] તમે મને એક બાટલીમાંથી બીજીમાં એમ દૂધની જેમ રેડ્યો છે અને મને પનીરની જેમ વલોવો છો.
[11] તમે મને ચામડી અને માંસથી મઢી લીધો. તમે મને હાડકાં અને સ્નાયુઓથી વણી લીધો છે.
[12] તમે મને જીવન આપ્યું, મારી સાથે દયાળુ રહ્યાં, તમે મારું ધ્યાન રાખ્યું અને મારા આત્માનું રક્ષણ કર્યું.
[13] છતાં તમારા હૃદયમાં તો તમે આ છુપાવ્યું હતું. હું જાણું છું કે તમારા મનમાં આ હતું:
[14] તમે જોતા હતાં કે હું પાપ કરું છું કે નહિ, એવા ઇરાદાથી કે જો હું પાપ કરું તો મને શિક્ષા કર્યા વગર છોડવો નહિ.
[15] જો હું પાપ કરું, તો મારે માટે બહું ખરાબ થશે. પણ જો હું નિદોર્ષ હોઇશ તો પણ હું મારું માથું ઊપર ઉઠાવી શકીશ નહિ. હું ખૂબજ શરમિંદો અને મુંઝાયેલો છું.
[16] જો હું અભિમાની હોઉ તો તમે સિંહની જેમ મારી પાછળ છો અને ફરીથી તમે મારી સામે તમારી અદભૂત શકિત બતાવો છો.
[17] તમે મારી વિરુદ્ધ નવા સાક્ષીઓ લાવો છો, અને મારા ઉપર તમારો રોષ વધારો છો: અને મારો સામનો કરવા એક પછી એક સૈન્ય મોકલો છો.
[18] તો પછી તમે મને શા માટે ગર્ભમાંથી બહાર કાઢયો? એના કરતાં તો હું મૃત્યુ પામ્યો હોત, કોઇએ મને જોયો સુદ્ધાં ન હોત તો એ કેવું સારું થાત!
[19] હું ઇચ્છું છું કે હું ક્યારેય જીવ્યો ન હોત! હું ઈચ્છું છું કે હું મારી માતાના ગર્ભમાંથી સીધો કબરમાં લઇજવાયો હોત.
[20] તમને ખબર નથી કે હું હવે થોડા સમય માટે જીવવાનો છું?
[21] મૃત્યુના પડછાયા અને અંધકારનો પ્રદેશ, કે જ્યાંથી કોઇ પાછા આવતું નથી ત્યાં હું જાઉ તે પહેલા મારી પાસે જે થોડો સમય બચ્યો છે તેનો આનંદ મને માણી લેવા દો.
[22] આ મૃત્યુ દેશ તો મધ્યરાત્રિના ઘોર અંધકાર જેવો દેશ છે; એ તો મૃત્યુછાયાનો દેશ છે જ્યાં બધું અસ્તવ્યસ્ત છે તથા પ્રકાશ પણ અંધકારરૂપ છે.’”