Skip to content
Opens in a new window

[1] યરૂશાલેમમાં દાઉદે દાઉદનગરમાં પોતાના માટે આવાસ બાંધ્યા અને “દેવના કોશ” માટે નવો મંડપ બંધાવ્યો.

[2] ત્યારપછી તેણે કહ્યું, “ફકત લેવીઓએ જ દેવનો કોશ ઊંચકવો. કારણકે તેમનો કોશ ઊંચકવા માટે તથા તેમની સેવા કરવા માટે યહોવાએ તેઓને પસંદ કર્યા છે.”

[3] તેથી યહોવાના કોશને માટે યરૂશાલેમમાં તૈયાર કરેલી જગ્યાએ તેને લઇ જવા માટે તેણે સર્વ ઇસ્રાએલીઓને ભેગા કર્યા.

[4] વળી તેણે હારુનના વંશજોને તથા લેવીઓને પણ ભેગા કર્યા.

[5] કહાથના કુલમાંથી ઉરીએલની આગેવાની હેઠળ તેના 120 કુટુંબીઓ,

[6] મરારીના કુલસમૂહમાંથી અસાયાની આગેવાની હેઠળ તેના 220 માણસો હતા.

[7] ગેશોર્મના કુલસમૂહમાં મુખ્ય યોએલ, તથા તેના ભાઇઓ 130;

[8] અલીસાફાનના કુલસમૂહમાંથી શમાયાની આગેવાની હેઠળ તેના 200 કુટુંબીઓ.

[9] હેબ્રોનના કુલસમૂહમાંથી અલીએલની આગેવાની હેઠળ તેના 80 કુટુંબીઓ;

[10] અને ઉઝઝીએલના કુલમાંથી આમ્મીનાદાબની આગેવાની હેઠળ તેના 112 કુટુંબીઓ આવ્યા.

[11] ત્યારબાદ દાઉદે યાજકો સાદોક અને અબ્યાથારને તથા લેવી આગેવાનો ઉરીએલ, યસાયા, યોએલ, શમાયા, અલીએલ, અને આમ્મીનાદાબને તેડાવ્યા.

[12] અને કહ્યું, “તમે લેવી વંશના કુલસમૂહોના આગેવાનો છો. તમે અને તમારા કુટુંબીઓ તમારી જાતને પવિત્ર કરીને ઇસ્રાએલના દેવ યહોવાના કોશને મેં તેને માટે તૈયાર કરેલા મંડપમાં લઇ આવજો.

[13] તમે પહેલી વખતે ઉપાડ્યો નહિ માટે યહોવા આપણા દેવ આપણા પર ક્રોધે ભરાયા, કારણ આપણે તેની સૂચના પ્રમાણે તેને પકડયો નહોતો.”

[14] તેથી યાજકોએ અને લેવીઓએ ઇસ્રાએલના દેવ યહોવાના કોશને લઇ આવવા માટે પોતાની જાતને પવિત્ર કરી.

[15] યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે લેવીઓએ દેવના કોશના દાંડા પોતાના ખભા પર મૂકીને તેને ઊંચક્યો.

[16] પછી દાઉદે લેવીઓના આગેવાનોને તેમના અમુક કુટુંબીઓની વીણા, સિતાર, અને ઝાંઝ વગાડી આનંદના ગીતો મોટે સ્વરે ગાવા માટે નિમણૂક કરવા કહ્યું.

[17] આથી લેવીઓએ નીચેના સંગીતકારોની નિંમણૂક કરી; હેમાન-યોએલનો પૂત્ર, આસાફ-બેરેખ્યાનો પુત્ર અને મરારીના કુટુંબમાંથી કૂશાયાનો પુત્ર એથાન.

[18] તથા તેઓના મદદનીશ તરીકે પસંદ થયેલાઓની યાદી: ઝખાર્યા, બની, યઅઝીએલ, શમીરામોથ, અહીએલ, ઉન્ની, અલીઆબ, બનાયા, માઅસેયા, માત્તિથ્યા, અલીફલેહૂ, મિકનેયા, અને દ્વારપાળો ઓબેદ-અદોમ ને યેઇએલ.

[19] આ સંગીતકારોમાંથી હેમાન, આસાફ અને એથાને કાંસાનાં ઝાંઝ વગાડવાના હતા;

[20] ઝખાર્યા અઝીએલ, શમીરામોથ, યહીએલ, ઉન્ની, અલીઆબ, માઅસેયા અને બનાયાએ “આલામોથ”ના સૂર પ્રમાણે વીણા વગાડવાની હતી;

[21] અને માત્તિથ્યા, અલીફલેહૂ મિકનેયા, ઓબેદ, અદોમ, યેહિએલ અને અઝાઝયાએ “સેંમીનીથ” ના સૂર પ્રમાણે સિતાર વગાડવાની હતી.

[22] લેવીઓનો એક આગેવાન કનાન્યા રાગરાગણીની તાલીમ આપતો હતો અને ગવૈયાનો ઉસ્તાદ હતો; તેથી તેને આ બધાનો ઉપરી નિમવામાં આવ્યો.

[23] બેરખ્યા એલ્કાનાહને કોશના દ્વારપાળ તરીકે સેવા આપવાની હતી.

[24] અને યાજકો, શબાન્યા, યોશાફાટ, નથાનએલ, અમાસાઇ, ઝખાર્યા, બનાયાર અને અલીએઝેરને દેવના કોશ સમક્ષ ચાંદીના રણશિંગા વગાડવાના હતા અને ઓબેદ-અદોમ અને યહિયાએ પણ કોશના દ્વારપાળ તરીકે સેવા આપવાની હતી.

[25] દાઉદ, ઇસ્રાએલના વડીલો અને સૈન્યના ઉચ્ચ અમલદારો ઓબેદ-અદોમના ઘરમાંથી યહોવાના કરાર કોશને બહુ આનંદ અને ઉલ્લાસ સાથે યરૂશાલેમ લઇ આવવા માટે ગયા.

[26] યહોવાના કરારકોશ ઊંચકનારા લેવીઓને જ્યારે દેવે સહાય કરી ત્યારે તેઓએ તેને સાત બળદો તથા સાત ઘેટાનું અર્પણ કર્યું.

[27] કોશ ઊંચકનારા સર્વ લેવીઓ, ગાયકગણના સભ્યો અને ગાયકગણના આગેવાન કનાન્યાએ શણના ઝભ્ભા પહેર્યા હતા. દાઉદે પણ શણનો એફોદ પહેર્યો હતો.

[28] આમ સર્વ ઇસ્રાએલી લોકો હર્ષનાદ કરતા, શરણાઇ રણશિંગડા, ઝાંઝ, સિતાર, વીણા વગાડી મોટી ગર્જના કરતા કરતા યહોવાના કરારકોશ લઇ આવ્યા.

[29] જ્યારે કરારકોશ દાઉદનગરમાં લાવવામાં આવ્યો ત્યારે શાઉલની પુત્રી મીખાલે બારીમાંથી જોયું, તો રાજા દાઉદ આનંદમાં આવીને નાચતો હતો. અને એ જોઇને તેના દિલમાં રાજા પ્રત્યે ધૃણા થઇ.

1 કાળવૃત્તાંતનું — Chapters