[1] તૂરના રાજા હીરામે દાઉદ પાસે એલચીઓ મોકલ્યાં અને તેમની સાથે મહેલ બાંધવા માટે ગંધતરુનું લાકડું, કડીયાઓ અને સુથારો મોકલી આપ્યા.
[2] હવે દાઉદને ખાતરી થઇ ગઇ કે, યહોવાએ તેને ઇસ્રાએલના રાજા તરીકે સ્થાપ્યો છે અને પોતાના ઇસ્રાએલી લોકો માટે થઇને તેના રાજ્યને મહાન બનાવે છે.
[3] યરૂશાલેમમાં દાઉદે વધારે પત્નીઓ કરી અને તેને વધુ પુત્રપુત્રી જન્મ્યાં.
[4] તેને યરૂશાલેમમાં થયેલા બાળકોનાં નામ આ પ્રમાણે છે; શામ્મુઆ, શોબાબ, નાથાન, સુલેમાન,
[5] યિબ્હાર, અલીશૂઆ, એલ્પેલેટ,
[6] નોગાહ, નેફેગ, યાફીઆ,
[7] અલીશામા, બએલ્યાદા અને અલીફેલેટ.
[8] જ્યારે પલિસ્તીઓએ સાંભળ્યું કે હવે દાઉદનો સમગ્ર ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કરવામાં આવ્યો છે, ત્યારે તેઓ ભેગા મળીને તેની શોધમાં નીકળી પડ્યા. દાઉદે જ્યારે આ વિષે સાંભળ્યું ત્યારે તે તેમનો સામનો કરવા નીકળી પડ્યો.
[9] પલિસ્તીઓએ આવીને રફાઇમની ખીણમાં જમાવટ કરી.
[10] દાઉદે દેવની સલાહ લીધી, “હું પલિસ્તીઓ પર હુમલો કરુ? તું તેમને મારા હાથમાં સોંપી દેશે?” યહોવાએ જવાબ આપ્યો, “હુમલો કર. હું તેઓને તારા હાથમાં સોંપી દઇશ.”
[11] આથી દાઉદે બઆલ-પરાસીમ આગળ તેમના પર હુમલો કરી તેમને હરાવ્યા. દાઉદે કહ્યું, “જેવી રીતે પાણી ભંગાણ પાડે તેમ દેવે મારા દુશ્મનોમાં ભંગાણ પાડ્યું છે” તેથી તે જગ્યાનું નામ “બઆલ-પરાસીમ” રાખવામાં આવ્યું.
[12] પલિસ્તીઓ તેમની મૂર્તિઓને પાછળ મૂકીને ચાલ્યા ગયા હતા, દાઉદની આજ્ઞાથી તે બધી મૂર્તિઓ બાળી નાખવામાં આવી.
[13] પલિસ્તીઓએ ફરી ખીણમાં જમાવટ કરી.
[14] દાઉદે ફરીથી દેવની સલાહ લીધી અને દેવે જવાબ આપ્યો, “આગળથી તેમની પર હુમલો કરીશ નહિ, પરંતુ ફરીને તેમની પાછળ જઇ મેંદીના છોડ નજીક હુમલો કરજે.
[15] જ્યારે તું છોડને મથાળે પગરવ જેવો અવાજ સાંભળે ત્યારે તું હુમલો કરજે, કારણ, એ દેવ તારી આગળ પલિસ્તીઓની સૈનાને હરાવવા માટે નીકળી પડ્યો હશે.”
[16] દાઉદે દેવની સલાહ પ્રમાણે કર્યુ અને તેણે ગિબયોનથી ઠેઠ ગેઝેર સુધી પલિસ્તીઓના લશ્કરને હાંકી કાઠયુ.
[17] દાઉદની ખ્યાતિ સર્વત્ર પ્રસરી ગઇ અને યહોવાએ બધી પ્રજાઓને તેનાથી ભયભીત બનાવી દીધી.