Skip to content
Opens in a new window
Listen to this chapter • 6:05

[1] ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્તની આ સુવાર્તાની શરૂઆત.

[2] જેમ યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે કે, ‘જો, હું તારી આગળ મારા સંદેશવાહકને મોકલું છું; તે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે;

[3] અરણ્યમાં પોકારનારની વાણી એવી છે કે પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો.

[4] એ પ્રમાણે યોહાન બાપ્તિસ્મા અરણ્યમાં પાપોની માફીને માટે પસ્તાવાનું બાપ્તિસ્મા જાહેર કરતો પ્રગટ થયો.

[5] આખા યહૂદિયા દેશના તથા યરુશાલેમના રહેવાસીઓ તેમની પાસે ગયા; અને બધા પોતાનાં પાપ કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા.

[6] યોહાનનો પોશાક ઊંટના વાળનો હતો, તેની કમરે ચામડાનો પટ્ટો હતો અને તીડ તથા જંગલી મધ તેનો ખોરાક હતો.

[7] તેણે એવું પ્રગટ કર્યું કે, મારા કરતાં જે સામર્થ્યવાન છે તે મારી પાછળ આવે છે; હું તો વાંકો વળીને તેમના ચંપલની દોરી છોડવા યોગ્ય નથી.

[8] હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું, પણ તે પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે.’”

[9] તે દિવસોમાં એમ થયું કે, ઈસુ ગાલીલના નાસરેથથી આવ્યા અને યર્દનમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યા;

[10] પછી તરત પાણીમાંથી બહાર આવતાં તેમણે સ્વર્ગો ખુલ્લાં થયેલા તથા પવિત્ર આત્માને કબૂતરની જેમ પોતાના પર ઊતરતા જોયા,

[11] અને સ્વર્ગોમાંથી વાણી થઈ કે, ‘તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું.’”

[12] તરત આત્મા તેમને અરણ્યમાં લઈ ગયા;

[13] અરણ્યમાં ચાળીસ દિવસ સુધી શેતાનથી તેમનું પરીક્ષણ થયું; ત્યાં જંગલી પશુઓ સાથે તેઓ હતા; અને સ્વર્ગદૂતોએ તેમની સેવા કરી.

[14] યોહાનની ધરપકડ કરાયા પછી ઈસુ ગાલીલમાં આવ્યા અને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરતાં તેમણે કહ્યું કે,

[15] ‘સમય પૂરો થયો છે, ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે; પસ્તાવો કરો અને સુવાર્તા પર વિશ્વાસ કરો.’”

[16] તેમણે ગાલીલના સમુદ્રને કિનારે ચાલતાં સિમોન તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયાં; કેમ કે તેઓ માછીમાર હતા.

[17] ઈસુએ તેઓને કહ્યું કે, ‘મારી પાછળ આવો અને હું તમને માણસો પકડનારા કરીશ.’”

[18] તરત તેઓ પોતાની જાળો પડતી મૂકીને તેમની સાથે ગયા.

[19] ત્યાંથી થોડે આગળ જતા તેમણે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને હોડીમાં જાળો સાંધતા જોયા.

[20] ઈસુએ તરત જ તેઓને બોલાવ્યા; અને તેઓ પોતાના પિતા ઝબદીને મજૂરોની સાથે હોડીમાં રહેવા દઈને તેમની પાછળ ગયા.

[21] તેઓ કપરનાહૂમમાં ગયા; અને વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને ઈસુએ બોધ આપ્યો.

[22] લોકો તેમના બોધથી નવાઈ પામ્યા; કેમ કે તેમણે તેઓને શાસ્ત્રીઓની જેમ નહિ, પણ જેને અધિકાર હોય છે તેની માફક બોધ કર્યો.

[23] તે જ સમયે તેઓના સભાસ્થાનમાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ હતો. તેણે બૂમ પાડીને કહ્યું કે,

[24] ‘અરે, નાસરેથના ઈસુ, અમારે અને તમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો, એ હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર.’”

[25] ઈસુએ તેને ધમકાવતાં કહ્યું કે, ‘ચૂપ રહે, અને તેનામાંથી નીકળી જા’.

[26] અશુદ્ધ આત્મા તેને વીંઝી નાખ્યું તથા મોટી બૂમ પાડીને તેનામાંથી નીકળી ગયો.

[27] બધા એવા અચરત થયા કે તેઓ અંદરોઅંદર પૂછવા લાગ્યા કે, ‘આ શું છે? આ તો નવો બોધ છે! કેમ કે અધિકારથી તેઓ અશુદ્ધ આત્માઓને પણ આજ્ઞા કરે છે અને તેઓ તેમનું માને છે.’”

[28] તરત તેમની કીર્તિ આખા ગાલીલ પ્રાંતમાં ફેલાઈ ગઈ.

[29] તેઓ તરત જ સભાસ્થાનમાંથી નીકળીને યાકૂબ તથા યોહાન સહિત સિમોન તથા આન્દ્રિયાના ઘરમાં ગયા.

[30] હવે સિમોનની સાસુ તાવથી બીમાર હતી; અને તરત તેને વિષે તેઓએ ઈસુને કહ્યું.

[31] તેમણે પાસે આવીને તેનો હાથ પકડીને તેને ઉઠાડી; અને તે જ સમયે તેનો તાવ ઊતરી ગયો અને તેણીએ તેઓની સેવા કરી.

[32] સાંજે સૂરજ આથમ્યો ત્યારે તેઓ બધાં માંદાઓને તથા દુષ્ટાત્મા વળગેલાંઓને તેમની પાસે લાવ્યા.

[33] બારણા આગળ આખું શહેર ભેગું થયું.

[34] ઘણાં જેઓ વિવિધ પ્રકારના રોગથી પીડાતાં હતાં તેઓને તેમણે સાજાં કર્યાં; ઘણાં દુષ્ટાત્માઓને કાઢ્યાં. દુષ્ટાત્માઓ તેમને ઓળખતા હતા માટે તેમણે તેઓને બોલવા દીધાં નહિ.

[35] સવારે અજવાળું થતાં પહેલાં ઘણાં વહેલા ઊઠીને ઈસુ બહાર ગયા; અને ઉજ્જડ જગ્યાએ જઈને તેમણે ત્યાં પ્રાર્થના કરી.

[36] સિમોન તથા જેઓ તેમની સાથે હતા, તેઓ તેમની શોધમાં નીકળ્યા;

[37] અને તેઓ તેમને મળીને કહે છે કે, ‘બધા તમને શોધે છે.’”

[38] તે તેઓને કહે છે કે, ‘આપણે પાસેના ગામોમાં જઈએ કે, હું ત્યાં પણ ઉપદેશ આપું; કેમ કે એ જ માટે હું આવ્યો છું.’”

[39] આખા ગાલીલમાં તેઓનાં સભાસ્થાનોમાં જઈને તેઓ ઉપદેશ આપતા અને દુષ્ટાત્માઓને કાઢતાં હતા.

[40] એક કુષ્ઠ રોગી તેમની પાસે આવે છે અને તેમને વિનંતી કરીને તથા ઘૂંટણ ટેકવીને કહે છે કે, ‘જો તમારી ઇચ્છા હોય તો તમે મને શુદ્ધ કરી શકો છો.’”

[41] ઈસુને અનુકંપા આવી અને હાથ લાંબો કરીને તેને સ્પર્શ્યા. અને તેને કહ્યું કે, ‘મારી ઇચ્છા છે, તું શુદ્ધ થા;’

[42] તે જ ઘડીએ તેનો કુષ્ઠ રોગ મટી ગયો અને તે શુદ્ધ થયો.

[43] તેમણે તેને સખત ચેતવણી આપીને તરત બહાર મોકલ્યો;

[44] અને કહ્યું કે, ‘જોજે, કોઈને કંઈ કહેતો નહિ; પણ જઈને પોતાને યાજકને બતાવ અને મૂસાએ ફરમાવ્યા પ્રમાણે, તારા શુદ્ધિકરણને લીધે, તેઓને માટે સાક્ષી તરીકે, અર્પણ કર.’”

[45] પણ તે ત્યાંથી જઈને એ બિના એટલી બધી પ્રગટ કરવા તથા ફેલાવવા લાગ્યો, કે ઈસુ ફરી શહેરમાં ઉઘાડી રીતે જઈ ન શક્યા, પણ બહાર ઉજ્જડ જગ્યાઓમાં રહ્યા અને ચારેબાજુથી લોકો તેમની પાસે આવ્યા.

માર્કની લખેલી સુવાર્તા — Chapters