[1] ઈસુ ભક્તિસ્થાનમાંથી બહાર જતા હતા. ત્યારે તેમનો એક શિષ્ય તેમને કહે છે કે, ‘ઉપદેશક, જુઓ, કેવાં પથ્થર તથા કેવાં બાંધકામો!’
[2] ઈસુએ તેને કહ્યું કે, ‘શું તું એ મોટાં બાંધકામો જુએ છે? પાડી નહિ નંખાય એવો એક પણ પથ્થર બીજા પર અહીં રહેવા દેવાશે નહિ.’”
[3] જૈતૂનનાં પહાડ પર, મંદિરની સામે તે બેઠા હતા ત્યારે પિતરે, યાકૂબે, યોહાને તથા આન્દ્રિયાએ તેમને એકાંતમાં પૂછ્યું,
[4] ‘અમને કહો, એ ક્યારે થશે? જયારે તે બધાં પૂરાં થવાનાં હશે, ત્યારે કયા ચિહ્ન થશે?’”
[5] ઈસુ તેઓને કહેવા લાગ્યા કે, ‘કોઈ તમને ભુલાવામાં ન નાખે, માટે સાવધાન રહો.
[6] ઘણાં મારે નામે આવીને કહેશે કે, તે હું છું અને ઘણાંઓને ગેરમાર્ગે દોરશે.
[7] પણ જયારે યુદ્ધ વિષે તથા યુદ્ધ અફવાઓ વિષે તમે સાંભળો, ત્યારે ગભરાશો નહિ; એમ થવું જ જોઈએ; પણ તેટલેથી અંત નહિ આવે.
[8] કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે; જગ્યા જગ્યાએ ધરતીકંપ થશે અને દુકાળો પડશે; આ તો મહાદુઃખનો આરંભ છે.
[9] પણ પોતાના વિષે સાવધાન રહો; કેમ કે તેઓ તમને ન્યાયસભાઓને સોંપશે; સભાસ્થાનોમાં તમે કોરડાના માર ખાશો; અને તમને મારે લીધે અધિકારીઓ તથા રાજાઓ આગળ, તેઓને માટે સાક્ષી થવા સારુ, ઊભા કરવામાં આવશે.
[10] પણ પહેલાં સર્વ દેશોમાં સુવાર્તા પ્રગટ થવી જોઈએ.
[11] જયારે તેઓ તમને ધરપકડ કરશે, ત્યારે શું બોલવું તે વિષે અગાઉથી ચિંતા ન કરો; પણ તે વેળા તમને જે આપવામાં આવશે તે પ્રમાણે બોલજો; કેમ કે બોલનાર તે તમે નહિ, પણ પવિત્ર આત્મા હશે.
[12] ભાઈ ભાઈને તથા પિતા છોકરાંને મરણદંડને સારુ પકડાવશે; છોકરાં માબાપની સામે ઊઠશે અને તેઓને મારી નંખાવશે.
[13] મારા નામને લીધે બધા તમારો દ્વેષ કરશે; પણ જે અંત સુધી ટકશે તે જ ઉદ્ધાર પામશે.
[14] પણ જ્યારે તમે પાયમાલીની ધિક્કારપાત્રતા જ્યાં ઘટિત નથી ત્યાં ભક્તિસ્થાનમાં ઊભેલી જુઓ, જે વાંચે છે તેણે સમજવું, ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડોમાં નાસી જાય.
[15] અગાશી પર હોય તે ઊતરીને ઘરમાંથી કંઈ લેવા સારુ અંદર ન જાય;
[16] અને જે ખેતરમાં હોય તે પોતાનું વસ્ત્ર લેવાને પાછો ન આવે.
[17] તે દિવસોમાં જેઓ સગર્ભા હોય અને સ્તનપાન કરાવતી હોય તેઓને અફસોસ છે!
[18] તમારું નાસવું શિયાળામાં ન થાય, માટે પ્રાર્થના કરો;
[19] કેમ કે તે દિવસોમાં જેવી વિપત્તિ થશે, તેવી વિપત્તિ ઈશ્વરે સૃજેલી સૃષ્ટિના આરંભથી તે આજ સુધી થઈ નથી અને થશે પણ નહિ.
[20] જો પ્રભુએ તે દિવસોને ઓછા કર્યા ન હોત, તો કોઈ માણસ ન બચત; પણ જેઓને તેમણે પસંદ કર્યા તેઓને માટે તેમણે આ દિવસોને ટૂંકા કર્યા છે.
[21] તે વેળાએ જો કોઈ તમને કહે કે, જુઓ, અહીં ખ્રિસ્ત છે; કે જુઓ, તે ત્યાં છે, તો માનશો નહિ.
[22] કેમ કે નકલી ખ્રિસ્તો તથા જૂઠાં પ્રબોધકો ઊઠશે; તેઓ ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરી દેખાડશે, એ માટે કે, જો બની શકે તો, તેઓ પસંદ કરેલાઓને પણ છેતરે.
[23] તમે સાવધાન રહો; જુઓ, મેં તમને સઘળું અગાઉથી કહ્યું છે.
[24] પણ તે દિવસોમાં, એ વિપત્તિ પછી, સૂર્ય અંધકારરૂપ થઈ જશે, અને ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે,
[25] આકાશના તારાઓ ખરવા લાગશે; અને આકાશમાંના પરાક્રમો હલાવાશે.
[26] ત્યારે તેઓ માણસના દીકરાને ભરપૂર પરાક્રમ તથા મહિમાસહિત વાદળામાં આવતા જોશે.
[27] ત્યારે તે પોતાના સ્વર્ગદૂતોને મોકલીને પૃથ્વીના છેડાથી આકાશના છેડા સુધી, ચારે દિશાથી પોતાના પસંદ કરેલાઓને એકઠા કરશે.
[28] હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો; જયારે તેની ડાળી કુમળી જ હોય છે અને પાંદડાં ફૂટી નીકળે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે છે.
[29] એમ જ તમે પણ જયારે આ બધું થતું જુઓ, ત્યારે તમારે જાણવું કે, ખ્રિસ્ત પાસે એટલે બારણા આગળ જ છે.
[30] હું તમને નિશ્ચે કહું છું કે આ બધાં પૂરાં થાય ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ.
[31] આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.
[32] પણ તે દિવસો તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ જાણતું નથી, આકાશમાંના સ્વર્ગદૂતો નહિ અને દીકરો પણ નહિ.
[33] સાવધાન રહો, જાગતા રહીને પ્રાર્થના કરો; કેમ કે એ સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી.
[34] તે આ પ્રમાણે છે કે જાણે કોઈ પરદેશમાં મુસાફરી કરનાર માણસે પોતાનું ઘર છોડીને પોતાના ચાકરોને અધિકાર આપીને, એટલે પ્રત્યેકને પોતપોતાનું કામ સોંપીને, દરવાનને પણ જાગતા રહેવાની આજ્ઞા આપી હોય.
[35] માટે તમે જાગતા રહો; કેમ કે તમે જાણતા નથી કે ઘરનો માલિક ક્યારે આવશે, સાંજે, મધરાતે, મરઘો બોલતી વખતે કે સવારે!
[36] એમ ન થાય કે તે અચાનક આવીને તમને ઊંઘતા જુએ.
[37] અને જે હું તમને કહું છું તે સર્વને કહું છું કે, ‘જાગતા રહો.’”