Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:55

[1] ઈસુ ફરી સભાસ્થાનમાં આવ્યા; અને ત્યાં એક માણસ હતો જેનો હાથ સુકાઈ ગયેલો હતો.

[2] તે વિશ્રામવારે તેને સાજો કરશે કે નહિ, તે વિષે તેઓએ તેમના પર સતત નજર રાખી, એ માટે કે તેઓ તેમના પર દોષ મૂકી શકે.

[3] પેલા સુકાયેલા હાથવાળા માણસને ઈસુએ કહ્યું કે, ‘વચમાં ઊભો થા.’”

[4] અને તેણે કહ્યું કે, ‘વિશ્રામવારે સારું કરવું કે ખોટું કરવું જોઈએ? જીવને બચાવવો કે મારી નાખવો, કયું ઉચિત છે?’ પણ તેઓ મૌન રહ્યા.

[5] તેઓના હૃદયની કઠોરતાને લીધે તે દિલગીર થઈને ગુસ્સાસહિત ચોતરફ તેઓને જોઈને તે માણસને કહ્યું કે, ‘તારો હાથ લાંબો કર.’” તેણે તે લાંબો કર્યો; અને તેનો હાથ સાજો થયો.

[6] શી રીતે ઈસુને મારી નાખવા તે વિષે ફરોશીઓએ બહાર જઈને તરત હેરોદીઓની સાથે તેમની વિરુદ્ધ મનસૂબો કર્યો.

[7] અને ઈસુ પોતાના શિષ્યો સહિત નીકળીને સમુદ્રની નજીકમાં ગયા; અને ગાલીલમાંથી ઘણાં લોકો તેમની પાછળ ગયા; તેમ જ યહૂદિયામાંથી

[8] તથા યરુશાલેમમાંથી, અદુમમાંથી, યર્દનને પેલે પારથી, તૂર તથા સિદોનની આસપાસના ઘણાં લોકો તેમણે જે જે કાર્યો કર્યા હતાં તે વિષે સાંભળીને તેમની પાસે આવ્યા.

[9] લોકોથી પોતે દબાય નહિ, માટે તેમણે ભીડના કારણે પોતાને સારુ હોડી તૈયાર રાખવાનું પોતાના શિષ્યોને કહ્યું;

[10] કેમ કે તેમણે ઘણાંને સાજાં કર્યાં હતાં અને તેથી જેટલાં માંદા હતાં તેટલાં તેમને અડકવા સારુ તેમના પર પડાપડી કરતાં હતાં.

[11] અશુદ્ધ આત્માઓએ જયારે તેમને જોયા ત્યારે તેઓ તેમને પગે પડ્યા તથા પોકારીને બોલ્યા કે, ‘તમે ઈશ્વરના દીકરા છો.’”

[12] તેમણે તેઓને હુકમ કર્યો કે, ‘તમારે મને પ્રગટ કરવો નહિ.’”

[13] ઈસુ પહાડ પર ચઢ્યાં અને જેઓને તેમણે પસંદ કર્યા તેઓને તેમણે બોલાવ્યા; અને તેઓ તેમની પાસે આવ્યા.

[14] ઈસુએ બાર પ્રેરિતોને નીમ્યા એ માટે કે તેઓ તેમની સાથે રહે અને તે તેઓને પ્રચાર કરવા મોકલે,

[15] અને તેઓ અધિકાર પામીને દુષ્ટાત્માઓને કાઢે.

[16] સિમોનનું નામ તેમણે પિતર પાડ્યું.

[17] તથા ઝબદીનો દીકરો યાકૂબ તથા યાકૂબનો ભાઈ યોહાન તેઓનું નામ તેમણે ‘બને-રગેસ’ પાડ્યું, એટલે કે ‘ગર્જનાના દીકરા;’

[18] અને આન્દ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, થદી, સિમોન જે અતિ ઝનૂની માણસ હતો

[19] તથા તેમને ધરપકડ કરનાર યહૂદા ઇશ્કારિયોત; એ બારને તેમણે નીમ્યા.

[20] પછી તે એક ઘરમાં આવ્યું જ્યાં એટલા બધા લોકો ભેગા થયા કે તેઓ રોટલી પણ ખાઈ ન શક્યા.

[21] તેમના સગાંઓ તે સાંભળીને તેમને પકડવા બહાર નીકળ્યાં; કેમ કે તેઓએ કહ્યું કે ‘તે અસ્થિર થઈ ગયો છે.’”

[22] જે શાસ્ત્રીઓ યરુશાલેમથી આવ્યા હતા તેઓએ કહ્યું કે, ‘તેનામાં બાલઝબૂલ છે અને દુષ્ટાત્માઓનાં સરદારની મદદથી તે દુષ્ટાત્માઓને કાઢે છે.’”

[23] તેમણે તેઓને પાસે બોલાવીને દ્રષ્ટાંતોમાં કહ્યું કે, ‘શેતાન શેતાનને કેવી રીતે હાંકી કાઢશે?

[24] જો કોઈ રાજ્ય પોતામાં ભાગલો પડે, તો તે રાજ્ય સ્થિર રહી શકતું નથી.

[25] જો કોઈ ઘરમાં ભાગલા પડે, તો તે ઘર સ્થિર રહી શકશે નહિ.

[26] જો શેતાન પોતાની ખુદની સામે થયો હોય અને તેનામાં ફૂટ પડી હોય, તો તે નભી શકતો નથી; પણ તેનો અંત આવ્યો જાણવું.

[27] બળવાનના ઘરમાં પેસીને જો કોઈ પહેલાં તે બળવાનને ન બાંધે તો તે તેનો સામાન લૂંટી શકતો નથી; પણ તેને બાંધ્યા પછી તે તેને લૂંટી શકશે.

[28] હું તમને નિશ્ચે કહું છું કે, માણસોના દીકરાઓને અપરાધોની તથા જે દુર્ભાષણો તેઓ કરે તેની માફી મળશે.

[29] પણ જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરશે તેને માફી કદી મળશે નહિ; પણ તેને માથે અનંતકાળના પાપનો દોષ રહે છે.’”

[30] કેમ કે તેઓ કહેતાં હતા કે તેને અશુદ્ધ આત્મા વળગેલો છે.

[31] ત્યારે તેમના ભાઈઓ તથા તેમની મા આવ્યાં અને બહાર ઊભા રહીને તેમને બોલાવવા તેમની પાસે માણસ મોકલ્યો.

[32] ઘણાં લોકો તેમની આસપાસ બેઠેલા હતા; અને તેઓએ તેમને કહ્યું કે, ‘જો તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા છે અને તમને શોધે છે.’”

[33] તેમણે તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘મારી મા તથા મારા ભાઈઓ કોણ છે?’”

[34] જેઓ તેમની આસપાસ બેઠા હતા તેઓ તરફ ચારેબાજુ જોઈને તે કહે છે કે, ‘જુઓ, મારી મા તથા મારા ભાઈઓ.

[35] કેમ કે જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરશે તે જ મારો ભાઈ તથા મારી બહેન તથા મા છે.’”

માર્કની લખેલી સુવાર્તા — Chapters