Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:50

[1] વિશ્રામવારની આખરે, અઠવાડિયાને પહેલે દિવસે રવિવારે વહેલી સવારે મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી.

[2] ત્યારે જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો સ્વર્ગદૂત આકાશથી ઊતર્યો, અને પાસે આવીને કબર પર પથ્થરને ગબડાવીને તે પર બેઠો.

[3] તેનું રૂપ વીજળી જેવું અને તેનું વસ્ત્ર બરફના જેવું ઊજળું હતું.

[4] તેની ધાકથી ચોકીદારો ધ્રૂજી ગયા અને મરણ પામ્યા હોય તેવા થઈ ગયા.

[5] ત્યારે સ્વર્ગદૂતે ઉત્તર દેતાં તે સ્ત્રીઓને કહ્યું, “તમે બીશો નહિ, કેમ કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો, એ હું જાણું છું.

[6] જુઓ ઈસુ અહીં નથી, કેમ કે તેમણે જેમ કહ્યું હતું તેમ તે સજીવન થયા છે. તમે આવો, જ્યાં તે સૂતા હતા તે જગ્યા જુઓ.

[7] જલદી જઈને તેમના શિષ્યોને કહો કે, મૃત્યુમાંથી તે સજીવન થયા છે. ‘જુઓ, તે તમારા અગાઉ ગાલીલમાં જાય છે, ત્યાં તમે તેમને દેખશો.’ જુઓ મેં તમને કહ્યું છે.”

[8] ત્યારે તેઓ ભય તથા ઘણાં હર્ષસહિત, કબરની પાસેથી વહેલા નીકળીને તેમના શિષ્યોને ખબર આપવાને દોડી.

[9] ત્યારે જુઓ, ઈસુએ તેઓને મળીને શુભેચ્છા પાઠવી. તેઓએ પાસે આવીને તેમના પગ પકડ્યા, અને તેમનું ભજન કર્યું.

[10] ઈસુએ તેઓને કહ્યું કે, “બીશો નહિ, જાઓ, મારા ભાઈઓને કહો કે, તેઓ ગાલીલમાં જાય અને ત્યાં તેઓ મને દેખશે.”

[11] તેઓ જતી હતી, ત્યારે જુઓ, ચોકીદારોમાંના કેટલાકે નગરમાં જઈને જે જે થયું તે સઘળું મુખ્ય યાજકોને કહ્યું.

[12] તેઓએ તથા વડીલોએ એકઠા થઈને સંકલ્પ કરીને તે સિપાઈઓને ઘણાં નાણાં આપીને સમજાવ્યું કે,

[13] તમે એમ કહો કે, “અમે ઊંઘતા હતા એટલામાં ‘તેમના શિષ્યો રાત્રે આવીને તેમને ચોરી ગયા.’”

[14] જો એ વાત રાજ્યપાલને કાને પહોંચશે, તો અમે તેમને સમજાવીને તમને બચાવી લઈશું.”

[15] પછી તેઓએ નાણાં લીધાં અને શીખવ્યા પ્રમાણે તેઓએ કર્યું. એ વાત યહૂદીઓમાં આજ સુધી ચર્ચા થાય છે.

[16] પણ અગિયાર શિષ્યો ગાલીલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને જવાનું કહ્યું હતું, ત્યાં ગયા.

[17] તેઓએ તેમને જોઈને તેમનું ભજન કર્યું, પણ કેટલાકને સંદેહ આવ્યો.

[18] ઈસુએ પાસે આવીને તેઓને કહ્યું કે, “સ્વર્ગ તથા પૃથ્વી પરના સર્વ અધિકાર મને અપાયો છે.

[19] એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો; પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.

[20] મેં તમને જે જે આજ્ઞા આપી છે તે સર્વ પાળવાનું તેઓને શીખવવું. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”

માથ્થીની લખેલી સુવાર્તા — Chapters