Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:21

[1] ફરોશીઓ તથા કેટલાક શાસ્ત્રીઓ યરુશાલેમથી આવીને ઈસુની આસપાસ ભેગા થયા.

[2] અને તેમના શિષ્યોમાંના અમુકને ધોયા વગરના અશુદ્ધ હાથે, રોટલી ખાતા જોયાં.

[3] કેમ કે ફરોશીઓ તથા બધા યહૂદીઓ વડીલોનો રિવાજો પ્રમાણે હાથ ધોયા વિના ખાતા ન હતા.

[4] બજારમાંથી આવીને નાહ્યા વિના તેઓ જમતા નહોતા; અને વાટકા, ગાગરો, તાંબાનાં વાસણ ધોવા અને બીજી ઘણી ક્રિયાઓ પાળવાને તેઓએ સ્વીકાર્યું હતું.

[5] પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓ તેમને પૂછે છે કે, ‘તમારા શિષ્યો વડીલોના રિવાજો પ્રમાણે ન ચાલતાં અશુદ્ધ હાથે રોટલી કેમ ખાય છે?’”

[6] ઈસુએ તેઓને કહ્યું કે, ‘ઓ ઢોંગીઓ તમારા સંબંધી યશાયાએ ઠીક પ્રબોધ કર્યો છે, જેમ લખ્યું છે કે, આ લોકો હોઠોએ મને માને છે, પણ તેઓનાં હૃદયો મારાથી વેગળાં રહે છે.

[7] પણ તેઓ પોતાના રિવાજો મુજબ માણસોની આજ્ઞા શીખવતાં મને વ્યર્થ ભજે છે.

[8] ઈશ્વરની આજ્ઞા પડતી મૂકીને તમે માણસોના રિવાજોને પાળો છો.’”

[9] તેણે તેઓને કહ્યું કે, ‘તમે પોતાના રિવાજોને પાળવા સારુ ઈશ્વરની આજ્ઞાઓનો નકાર કરો છો.

[10] કેમ કે મૂસાએ કહ્યું કે, “તારાં માતાપિતાને માન આપ” અને “જે કોઈ પોતાનાં માતાપિતાની નિંદા કરે તે માર્યો જાય.”

[11] પણ તમે કહો છો કે, જો કોઈ માણસ પોતાનાં માતાપિતાને કહે કે, મારાથી તમને જે કંઈ લાભ થાત તે તો કુરબાન, એટલે ઈશ્વરને દાન તરીકે અર્પિત કરેલું છે.

[12] તો તમે તેને તેનાં માતાપિતાને સારુ ત્યાર પછી કંઈ કરવા દેતાં નથી,

[13] અને એમ કરીને તમારા શીખવેલા રિવાજો વડે તમે ઈશ્વરની આજ્ઞા રદ કરો છો; અને એવાં ઘણાં કામો તમે કરો છો.’”

[14] લોકોને ફરી પોતાની પાસે બોલાવીને ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે બધા મારું સાંભળો તથા સમજો.

[15] માણસની બહારથી તેનામાં પ્રવેશીને તેને ભ્રષ્ટ કરી શકે, એવું કંઈ નથી; પણ માણસમાંથી જે નીકળે છે, તે જ માણસને ભ્રષ્ટ કરે છે.

[16] જો કોઈને સાંભળવાને કાન છે તો તે સાંભળે.

[17] જયારે લોકોની પાસેથી જઈને ઈસુ ઘરમાં ગયા, ત્યારે તેમના શિષ્યોએ એ દ્રષ્ટાંત સંબંધી ઈસુને પૂછ્યું.

[18] ઈસુ તેઓને કહે છે કે, ‘તમે પણ શું એવા અણસમજુ છો? તમે જાણતા નથી કે, બહારથી માણસમાં જે કંઈ પેસે છે તે તેને ભ્રષ્ટ કરી શકતું નથી?

[19] કેમ કે તેના હૃદયમાં તે પેસતું નથી, પણ પેટમાં; અને તે નીકળીને શરીરની બહાર જાય છે;’ એવું કહીને ઈસુએ સર્વ ખોરાક શુદ્ધ ઠરાવ્યાં.

[20] વળી તેમણે કહ્યું કે, ‘માણસમાંથી જે નીકળે છે તે જ માણસને ભ્રષ્ટ કરે છે.

[21] કેમ કે અંદરથી, એટલે માણસોના હૃદયમાંથી ખરાબ વિચારો નીકળે છે, એટલે અનૈતિકપણા, ચોરીઓ, હત્યાઓ,

[22] વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, ભોગવિલાસ, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખાઈ.

[23] એ બધી ખરાબ બાબતો અંદરથી નીકળે છે અને તે માણસને ભ્રષ્ટ કરે છે.

[24] પછી ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનની પ્રદેશમાં ગયા. અને તેઓ એક ઘરમાં પ્રવેશ્યા અને કોઈ ન જાણે તેવું તેઓ ઇચ્છતા હતા; પણ તે ગુપ્ત રહી શક્યા નહિ.

[25] કેમ કે એક સ્ત્રી જેની નાની દીકરીને અશુદ્ધ આત્મા વળગેલો હતો, તે ઈસુ વિષે સાંભળીને આવી અને તેમના પગે પડી.

[26] તે સ્ત્રી ગ્રીક હતી અને સિરિયાનાં ફિનીકિયા કુળની હતી. તેણે પોતાની દીકરીમાંથી દુષ્ટાત્માને કાઢવાને તેમને વિનંતી કરી.

[27] પણ ઈસુએ તેને કહ્યું કે, ‘છોકરાંને પહેલાં ખાવા દે; કેમ કે છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે સારું નથી.’”

[28] પણ સ્ત્રીએ તેમને ઉત્તર આપ્યો કે, ‘હા, પ્રભુ, કૂતરાં પણ મેજ નીચેથી છોકરાંનાં પડેલા ખોરાકના કકડામાંથી ખાય છે’.

[29] ઈસુએ તેને કહ્યું કે, ‘આ વાતને લીધે જા; તારી દીકરીમાંથી દુષ્ટાત્મા નીકળી ગયો છે.’”

[30] તેણે પોતાને ઘરે આવીને જોયું કે, ‘છોકરી ખાટલા પર સૂતેલી હતી અને દુષ્ટાત્મા નીકળી ગયો હતો.’”

[31] ફરી તૂરની સીમોમાંથી નીકળીને, સિદોનમાં થઈને દસનગરની સીમોની મધ્યે થઈને ઈસુ ગાલીલના સમુદ્રની પાસે આવ્યા.

[32] લોકો એક મૂક બધિરને તેમની પાસે લાવ્યા અને તેના પર હાથ મૂકવાને તેમને વિનંતી કરી.

[33] ઈસુએ લોકો પાસેથી તેને એકાંતમાં લઈ જઈને તેના કાનોમાં પોતાની આંગળી નાખી અને તેની જીભ પર પોતાનું થૂંક લગાડ્યું;

[34] અને સ્વર્ગ તરફ જોઈને તેમણે નિસાસો નાખ્યો અને કહ્યું કે, ‘એફફથા,’ એટલે ‘ઊઘડી જા.’”

[35] તરત તેના કાનો ઊઘડી ગયા, તેની જીભનું બંધન છૂટ્યું. તે સ્પષ્ટ રીતે બોલતો થયો.

[36] ઈસુએ તેઓને આજ્ઞા કરી કે, ‘તમારે કોઈને કહેવું નહિ;’ પણ જેમ જેમ તેમણે વધારે આજ્ઞા કરી તેમ તેમ તેઓએ તે વધારે પ્રગટ કર્યું.

[37] લોકો વધારે અચંબો પામ્યા અને બોલ્યા કે, ‘તેમણે બધું સારું જ કર્યું છે; તેઓ બધિરોને સાંભળતાં અને મૂકજનોને બોલતાં કરે છે.

માર્કની લખેલી સુવાર્તા — Chapters