Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:37

[1] થોડા દિવસો પછી, ઈસુ ફરી કપરનાહૂમમાં ગયા, ત્યારે એવી વાત ફેલાઈ કે ‘તેઓ ઘરમાં છે.’”

[2] તેથી એટલા બધા લોકો એકઠા થયા કે, દરવાજા પાસે પણ જગ્યા નહોતી; ઈસુ તેઓને ઉપદેશ આપતા હતા.

[3] ત્યારે ચાર માણસોએ ઊંચકેલા એક લકવાગ્રસ્ત માણસને તેઓ તેમની પાસે લાવ્યા.

[4] ભીડને કારણે તેઓ તેમની નજદીક તેને લાવી ન શક્યા, ત્યારે જ્યાં તે હતો ત્યાં તેના ઉપર છાપરામાં બકોરું પાડ્યું અને ખાટલા પર તે લકવાગ્રસ્ત માણસને નીચે ઉતાર્યું.

[5] ઈસુ તેઓનો વિશ્વાસ જોઈને લકવાગ્રસ્તને કહે છે કે, ‘દીકરા, તારાં પાપ માફ થયાં છે.’”

[6] પણ કેટલાક શાસ્ત્રીઓ જેઓ ત્યાં બેઠા હતા, તેઓ પોતાના મનમાં વિચારતા હતા કે,

[7] ‘આ માણસ આવી રીતે કેમ બોલે છે? એ તો દુર્ભાષણ કરે છે. એક, એટલે ઈશ્વર, તેમના વગર કોણ પાપોની માફી આપી શકે?’”

[8] તેઓ પોતાના મનમાં એમ વિચારે છે, એ ઈસુએ પોતાના આત્મામાં જાણીને તેઓને કહ્યું કે, ‘તમે તમારાં હૃદયોમાં એવા વિચાર કેમ કરો છો?

[9] આ બેમાંથી વધારે સહેલું કયું છે, એટલે લકવાગ્રસ્તને એ કહેવું, કે તારાં પાપ તને માફ થયાં છે, અથવા એ કહેવું કે, ઊઠ અને તારો ખાટલો ઊંચકીને ચાલ?’”

[10] પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે, એમ તમે જાણો માટે, લકવાગ્રસ્તને ઈસુ કહે છે

[11] ‘હું તને કહું છું કે ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘરે ચાલ્યો જા.’”

[12] તે ઊઠ્યો અને તરત ખાટલો ઊંચકીને ચાલ્યો ગયો; બધા તેને જોઈ રહ્યા. આથી લોકોએ આશ્ચર્ય પામીને તથા ઈશ્વરને મહિમા આપીને કહ્યું કે, ‘અમે કદી આવું જોયું નથી.’”

[13] ફરી ઈસુ સમુદ્રને કિનારે ગયા; બધા લોકો તેમની પાસે આવ્યા; અને તેમણે તેઓને બોધ કર્યો.

[14] રસ્તે જતા તેમણે અલ્ફીના દીકરા લેવીને કર ઉઘરાવવાની ચોકી પર બેઠેલો જોયો; અને તેઓ તેને કહે છે કે, ‘મારી પાછળ આવ;’ તે ઊઠીને તેમની પાછળ ગયો.

[15] એમ થયું કે ઈસુ લેવીના ઘરમાં જમવા બેઠા અને ઘણાં દાણીઓ તથા પાપીઓ ઈસુની અને તેમના શિષ્યોની સાથે બેઠા હતા, કેમ કે તેઓ ઘણાં હતા જે તેમની પાછળ ચાલ્યા હતા.

[16] શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ ઈસુને દાણીએ તથા પાપીઓની સાથે જમતા જોઈને તેમના શિષ્યોને પૂછ્યું કે, ‘તે શા માટે દાણીઓની તથા પાપીઓની સાથે ખાય છે?’”

[17] ઈસુ તે સાંભળીને તેઓને કહે છે કે, ‘જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની જરૂર નથી; પણ જેઓ બીમાર છે, તેઓને છે. ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા હું આવ્યો છું.’”

[18] યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરતાં હતા; અને તેઓ આવીને તેમને કહે છે કે, ‘યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરે છે, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી, એનું કારણ શું?’”

[19] ઈસુએ તેઓને કહ્યું કે, ‘વરરાજા જાનૈયાની સાથે હોય, ત્યાં સુધી શું તેઓ ઉપવાસ કરી શકે? વરરાજા તેઓની સાથે છે તેટલાં વખત સુધી તેઓ ઉપવાસ કરી શકતા નથી.

[20] પણ એવા દિવસો આવશે કે જયારે વરરાજા તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તે દિવસે તેઓ ઉપવાસ કરશે.’”

[21] નવા વસ્ત્રનું થીંગડું જૂના વસ્ત્રને કોઈ મારતું નથી; જો મારે તો નવું થીંગડું જૂનાને સાંધવાને બદલે ખેંચી કાઢે છે અને તે વસ્ત્ર વધારે ફાટી જાય છે.

[22] નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી; જો ભરે તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખે છે અને દ્રાક્ષારસ તથા મશકો એ બન્નેનો નાશ થાય છે; પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે.

[23] એમ થયું કે વિશ્રામવારે ઈસુ અનાજના ખેતરોમાં થઈને જતા હતા; અને તેમના શિષ્યો ચાલતાં ચાલતાં કણસલાં તોડવા લાગ્યા.

[24] ફરોશીઓએ તેમને કહ્યું કે, ‘જુઓ, વિશ્રામવારે જે ઉચિત નથી તે તેઓ કેમ કરે છે?’”

[25] તેમણે તેઓને કહ્યું કે, ‘દાઉદને જરૂર હતી અને તે તથા તેના સાથીઓ ભૂખ્યા થયા હતા, ત્યારે તેણે શું કર્યું, એ તમે કદી વાંચ્યું નથી?

[26] એટલે કે અબ્યાથાર પ્રમુખ યાજક હતો, ત્યારે ઈશ્વરના ઘરમાં જઈને, અર્પેલી રોટલીઓ જે માત્ર યાજકો સિવાય કોઈને ખાવાની છૂટ ન હતી તે તેણે ખાધી, અને તેના સાથીઓને પણ આપી.’”

[27] તેમણે તેઓને કહ્યું કે, ‘વિશ્રામવાર માણસને અર્થે થયો, માણસ વિશ્રામવારને અર્થે નહિ;

[28] માટે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.’”

માર્કની લખેલી સુવાર્તા — Chapters