Skip to content
Opens in a new window
Listen to this chapter • 6:02

[1] ઈસુ સમુદ્રને કિનારે ફરી બોધ કરવા લાગ્યા. અતિ ઘણાં લોકો ભેગા થયા, માટે તે સમુદ્રમાં હોડી પર ચઢીને બેઠા; અને બધા લોકો સમુદ્રની પાસે કાંઠા પર હતા.

[2] અને દ્રષ્ટાંતોમાં તેમણે તેઓને ઘણો બોધ કર્યો; અને પોતાના બોધમાં તેઓને કહ્યું.

[3] ‘સાંભળો, જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો.

[4] એમ થયું કે, તે વાવતો હતો ત્યારે કેટલાક બીજ રસ્તાની કોરે પડ્યાં; અને પક્ષીઓ આવીને તે ખાઈ ગયા.

[5] બીજાં પથ્થરવાળી જમીનમાં પડ્યાં, જ્યાં વધારે માટી ન હતી; અને જમીન ઊંડી ન હતી, માટે તે તરત ઊગી નીકળ્યાં.

[6] પણ સૂર્ય ઊગ્યો ત્યારે તેઓ ચીમળાઈ ગયા; અને તેઓને જડ ન હતી માટે તેઓ સુકાઈ ગયા.

[7] બીજાં કાંટાનાં ઝાડવામાં પડ્યાં; અને કાંટાનાં જાળાંએ વધીને તેઓને દાબી નાખ્યાં; અને તેઓએ ફળ ન આપ્યું.

[8] બીજાં બીજ સારી જમીનમાં પડ્યાં; અને તેઓએ ઊગીને તથા વઘીને ફળ આપ્યાં, ત્રીસગણાં તથા સાંઠગણાં તથા સોગણાં ફળ આપ્યાં.

[9] તેમણે તેઓને કહ્યું કે, ‘જેને સાંભળવાને કાન છે તે સાંભળે.’”

[10] જયારે તે એકાંતમાં હતા ત્યારે બાર શિષ્યો સહિત જેઓ તેમની પાસે હતા, તેઓએ તેમને આ દ્રષ્ટાંતો વિષે પૂછ્યું.

[11] તેમણે તેઓને કહ્યું કે, ‘ઈશ્વરના રાજ્યનો મર્મ તમને અપાયો છે; પણ જેઓ બહારના છે તેઓને સઘળી વાતો દ્રષ્ટાંતોમાં અપાય છે;

[12] એ માટે કે તેઓ જોતાં જુએ, પણ જાણે નહિ; અને સાંભળતાં સાંભળે, પણ સમજે નહિ; એમ ન થાય કે તેઓ પશ્ચાતાપ કરે અને તેઓને પાપની માફી મળે.

[13] તે તેઓને કહે છે કે, શું તમે આ દૃષ્ટાંત સમજતા નથી? ત્યારે સર્વ દ્રષ્ટાંતો કેવી રીતે સમજશો?

[14] વાવનાર વચન વાવે છે.

[15] રસ્તાની કોર પરનાં એ છે કે જ્યાં વચન વવાય છે અને તેઓ સાંભળે છે કે તરત શેતાન આવીને તેઓમાં જે વચન વવાયેલું હતું તે લઈ જાય છે.

[16] એમ જ જેઓ પથ્થરવાળી જમીનમાં વવાયેલાં તેઓ એ છે, કે જેઓ વચન સાંભળીને તરત આનંદથી તેને માની લે છે;

[17] અને તેમના પોતાનામાં જડ હોતી નથી, એટલે થોડીવાર ટકે છે; પછી વચનને લીધે દુઃખ અથવા સતાવણી આવે છે ત્યારે તેઓ આત્મિક જીવનમાં ટકી શકતા નથી.

[18] બીજાં જેઓ કાંટાઓમાં વવાયેલાં છે તેઓ એ છે કે, જેઓએ વચન સાંભળ્યું,

[19] પણ આ ભૌતિક જગતની ચિંતાઓ, દ્રવ્યની માયા તથા બીજી વસ્તુઓનો લોભ પ્રવેશ કરીને વચનને દાબી નાખે છે; અને તે નિષ્ફળ થાય છે.

[20] જેઓ સારી જમીનમાં વવાયેલાં તેઓ એ છે કે, જેઓ વચન સાંભળે છે, અને તેને ગ્રહણ કરે છે, અને ત્રીસગણાં તથા સાંઠગણાં તથા સોગણાં ફળ આપે છે.’”

[21] તેમણે તેઓને કહ્યું કે, ‘શું વાટકો નીચે અથવા પલંગ નીચે મૂકવા સારુ કોઈ દીવો લાવે છે? શું દીવીની ઉપર મૂકવા સારુ નહિ?

[22] કેમ કે જે કંઈ ગુપ્ત છે તે એ માટે છે કે તે પ્રગટ કરાય અને જે ઢાંકેલું છે તે એ સારુ છે કે ખુલ્લું કરવામાં આવે.

[23] જેને સાંભળવાને કાન છે તે સાંભળે.’”

[24] તેમણે તેઓને કહ્યું કે, ‘તમે જે સાંભળો છો તે પર ધ્યાન રાખો. જે માપથી તમે માપો છો તેનાથી જ તમને માપી અપાશે; અને તમને વધતું અપાશે;

[25] કેમ કે જેની પાસે છે તેને અપાશે અને જેની પાસે નથી, તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવાશે.’”

[26] તેમણે કહ્યું કે, ‘ઈશ્વરનું રાજ્ય એવું છે કે જાણે કોઈ માણસ જમીનમાં બી વાવે,

[27] તે રાતદિવસ ઊંઘે તથા જાગે અને તે બી ઊગે તથા વધે પણ શી રીતે તે વધે છે એ તે જાણતો નથી.

[28] જમીન તો પોતાની જાતે ફળ આપે છે, પહેલાં અંકુર, પછી કણસલું, પછી કણસલાંમાં ભરપૂર દાણા.

[29] પણ દાણા પાક્યા પછી તરત તે દાતરડું ચલાવે છે; કેમ કે કાપણીનો વખત થયો હોય છે.

[30] તેમણે કહ્યું કે, ‘ઈશ્વરના રાજ્યને શાની સાથે સરખાવીએ? અથવા તેને સમજાવવા કયું દ્રષ્ટાંત આપીએ?

[31] તે રાઈના દાણાના જેવું છે; તે જમીનમાં વવાય છે ત્યારે જમીનનાં સર્વ બીજ કરતાં તે નાનું હોય છે;

[32] પણ વાવ્યા પછી તે ઊગી નીકળે છે, અને સર્વ છોડ કરતાં મોટું થાય છે અને તેને એવી મોટી ડાળીઓ થાય છે કે આકાશના પક્ષીઓ તેની છાયા નીચે વાસો કરી શકે છે.’”

[33] એવાં ઘણાં દ્રષ્ટાંતોમાં જેમ તેઓ સમજી શકતા હતા તેમ તે તેઓને વચન કહેતાં હતા.

[34] દ્રષ્ટાંત વિના તે તેઓને કંઈ કહેતાં ન હતા; પણ પોતાના શિષ્યોને એકાંતે તેઓ સઘળી વાતોનો ખુલાસો કરતા.

[35] તે દિવસે સાંજ પડી ત્યારે તે તેઓને કહે છે કે, ‘આપણે પેલે પાર જઈએ.’”

[36] લોકોને મૂકીને શિષ્યો ઈસુને પોતાની સાથે હોડીમાં લઈ જાય છે. બીજી હોડીઓ પણ તેની સાથે હતી.

[37] પછી પવનનું મોટું તોફાન થયું; અને હોડીમાં મોજાંઓ એવાં ઊછળી આવ્યાં કે તે ભરાઈ જવા લાગી.

[38] તે હોડીના પાછલા ભાગમાં ઓશીકા પર માથું ટેકીને ઊંઘતા હતા; અને તેઓ તેમને જગાડીને કહે છે કે, ‘ઉપદેશક, અમે નાશ પામીએ છીએ, તેની તમને શું કંઈ ચિંતા નથી?’”

[39] તેમણે ઊઠીને પવનને ધમકાવ્યો તથા સમુદ્રને કહ્યું કે, ‘શાંત થા.’” ત્યારે પવન બંધ થયો અને મહાશાંતિ થઈ.

[40] તેમણે તેઓને કહ્યું કે, તમે કેમ ભયભીત થયા છો? શું તમને હજુ પણ વિશ્વાસ નથી?’”

[41] તેઓ ઘણાં ગભરાયા તથા માંહોમાંહે બોલ્યા કે, ‘આ તે કોણ છે કેમ કે પવન તથા સમુદ્ર પણ તેમનું માને છે?’”

માર્કની લખેલી સુવાર્તા — Chapters