[1] કેમ કે સ્વર્ગનું રાજ્ય એક જમીનદાર જેવું છે, જે પોતાની દ્રાક્ષાવાડીને માટે મજૂરો નક્કી કરવાને વહેલી સવારે બહાર ગયો.
[2] તેણે મજૂરોની સાથે રોજનો એક દીનાર નક્કી કરીને પોતાની દ્રાક્ષાવાડીમાં તેઓને મોકલ્યા.
[3] તે દિવસના આશરે સવારના ત્રણ કલાકે બહાર જઈને તેણે ચોકમાં બીજાઓને કામની શોધમાં ઊભા રહેલા જોયા.
[4] ત્યારે માલિકે તેઓને કહ્યું કે, ‘તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ અને જે કંઈ ઉચિત હશે, તે હું તમને આપીશ.’ ત્યારે તેઓ ગયા.
[5] વળી તે જ દિવસે આશરે બાર કલાકે અને ત્રણ કલાકે ફરીથી બહાર જઈને તેણે તે જ પ્રમાણે કર્યું.
[6] ત્યાર પછી આશરે અગિયારમાં કલાકે પણ તેણે બહાર જઈને બીજાઓને કામ મળવાની રાહમાં ઊભેલા જોયા; તે માલિક તેઓને કહ્યું કે, ‘આખો દિવસ તમે કેમ અહીં કામ વગરનાં ઊભા રહો છો?’
[7] તેઓએ તેને કહ્યું કે, ‘કેમ કે કોઈએ અમને મજૂરીએ રાખ્યા નથી.’ તેણે તેઓને કહ્યું કે, ‘તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ.’”
[8] સાંજ પડી ત્યારે દ્રાક્ષાવાડીનો માલિક પોતાના કારભારીને કહ્યું કે, ‘મજૂરોને બોલાવીને છેલ્લી વ્યક્તિથી માંડીને તે પહેલી વ્યક્તિ સુધીનાઓને તેઓનું વેતન આપ.’
[9] જેઓને આશરે અગિયારમાં કલાકે કામ પર રાખ્યા હતા, તેઓ જયારે આવ્યા ત્યારે તેઓને એક એક દીનાર આપવામાં આવ્યો.
[10] પછી જેઓ પહેલા આવ્યા હતા, તેઓ ધારતા હતા કે અમને વધારે મળશે; પરંતુ તેઓને પણ એક દીનાર અપાયો.
[11] ત્યારે તે લઈને તેઓએ જમીનદારની વિરુદ્ધ કચકચ કરી.
[12] અને કહ્યું કે, ‘આ મોડેથી આવનારાઓએ માત્ર એક જ કલાક કામ કર્યું છે અને અમે આખા દિવસનો બોજો તથા લૂ સહન કરી, તેમ છતાં તેં તેઓને અમારી બરોબર ગણ્યા છે.’”
[13] પણ તેણે તેઓમાંના એકને જવાબ આપ્યો કે, મિત્ર, હું તને કશો અન્યાય નથી કરતો; શું તે મારી સાથે એક દીનાર નક્કી કર્યો નહોતો?
[14] તારું જે છે તે લઈને ચાલ્યો જા; જેટલું તને તેટલું આ છેલ્લાઓને પણ આપવાની મારી મરજી છે.
[15] જે મારું છે તે મારી મરજી પ્રમાણે વાપરવાનો શું મને હક નથી? અથવા હું સારો છું માટે તારી આંખ દુષ્ટ છે શું?’
[16] એમ જેઓ છેલ્લાં તેઓ પહેલાં અને જેઓ પહેલાં તેઓ છેલ્લાં થશે.”
[17] ઈસુએ યરુશાલેમ જતા, રસ્તા પર બાર શિષ્યોને એકાંતમાં લઈ જઈને તેઓને કહ્યું કે,
[18] જુઓ, “આપણે યરુશાલેમ જઈએ છીએ, માણસના દીકરાને મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને હાથે પરાધીન કરાશે અને તેઓ તેના પર મૃત્યુદંડ ઠરાવશે
[19] અને ઠઠ્ઠામશ્કરી કરવાને, કોરડા મારવાને, વધસ્તંભે જડવાને તેઓ તેમને બિનયહૂદીઓને સોંપશે; અને ત્રીજે દિવસે તે પાછો સજીવન થશે.”
[20] ત્યારે ઝબદીના દીકરાઓની માએ પોતાના દીકરાઓની સાથે ઈસુની પાસે આવીને તથા પગે પડીને તેમની પાસે કંઈક માગણી કરી.
[21] ઈસુએ તેમને કહ્યું કે, “તમે શું ચાહો છો?” તેને તેમને કહ્યું કે, “તમારા રાજ્યમાં આ મારા બે દીકરામાંનો એક તમારે જમણે હાથે અને બીજો તમારે ડાબે હાથે બેસે, એવી આજ્ઞા તમે કરો.”
[22] પણ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, “તમે જે માગો છો તે તમે સમજતા નથી; જે પ્યાલો હું પીવાનો છું તે તમે પી શકો છો?” તેઓએ તેમને કહ્યું કે, “અમે પી શકીએ છીએ.”
[23] તેમણે તેઓને કહ્યું કે, “તમે મારો પ્યાલો પીશો ખરા, પણ જેઓને માટે મારા પિતાએ તૈયાર કરેલું છે તેઓના વગર બીજાઓને મારે જમણે હાથે અને ડાબે હાથે બેસવા દેવા એ મારા અધિકારમાં નથી.”
[24] જયારે બીજા દસ શિષ્યોએ તે સાંભળ્યું ત્યારે તેઓ બન્ને ભાઈઓ પર ગુસ્સે થયા.
[25] પણ ઈસુએ તેઓને પાસે બોલાવીને કહ્યું કે, “તમે જાણો છો કે વિદેશીઓના કર્તાઓ તેઓ પર સત્તા ચલાવે છે. અને જે મોટા છે તેઓ તેઓના પર અધિકાર ચલાવે છે.
[26] પણ તમારામાં એવું ન થાય. તમારામાં જે કોઈ મોટો થવા ચાહે, તે તમારો ચાકર થાય;
[27] અને જે કોઈ તમારામાં મુખ્ય થવા ચાહે, તે તમારો દાસ થાય;
[28] જેમ માણસનો દીકરો સેવા કરાવવા નહિ, પણ સેવા કરવાને, તથા ઘણાં લોકોના મુક્તિમૂલ્યને સારુ પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ.”
[29] જયારે તેઓ યરીખોમાંથી નીકળતા હતા, ત્યારે લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ચાલતો હતો.
[30] જુઓ, બે અંધજનો રસ્તાની બાજુએ બેઠા હતા, ઈસુ તેઓની પાસે થઈને જાય છે તે સાંભળીને તેઓએ ઊંચા અવાજે કહ્યું કે, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કરો.”
[31] પણ લોકોએ તેઓને ધમકાવીને ચૂપ રહેવા કહ્યું, પણ તેઓએ વધારે મોટેથી બૂમ પાડતાં કહ્યું કે, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા ઉપર દયા કરો.”
[32] ત્યારે ઈસુએ ઊભા રહીને તેઓને બોલાવીને કહ્યું કે, “હું તમારે માટે શું કરું, એ વિષે તમારી શી ઇચ્છા છે?”
[33] તેઓએ તેમને કહ્યું કે, “પ્રભુ, અમારી આંખો ઉઘાડો.”
[34] ત્યારે ઈસુને અનુકંપા આવી, અને તે તેઓની આંખોને અડક્યા અને તરત તેઓ દેખતા થયા અને તેઓ ઈસુની પાછળ ચાલ્યા.