[1] તે દિવસોમાં યોહાન બાપ્તિસ્મા કરનાર યહૂદિયાના અરણ્યમાં ઉપદેશ આપતા એમ કહેતો હતો કે,
[2] “પસ્તાવો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.”
[3] કારણ કે તે એ જ છે, જેનાં વિષે યશાયા પ્રબોધકે કહ્યું હતું કે, “અરણ્યમાં પોકારનારની એવી વાણી છે, ‘પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો.’”
[4] યોહાનનાં વસ્ત્રો ઊંટના વાળનાં હતાં, તેની કમરે ચામડાનો પટ્ટો હતો અને તીડ તથા રાની મધ તેનો ખોરાક હતા.
[5] ત્યારે યરુશાલેમના, યહૂદિયાના તથા યર્દનના આસપાસના સર્વ પ્રદેશના લોકો તેની પાસે ગયા.
[6] તેઓ પોતાનાં પાપો કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા.
[7] પણ ફરોશીઓમાંના તથા સદૂકીઓમાંના ઘણાંને પોતાથી બાપ્તિસ્મા પામવા માટે આવતા જોઈને યોહાને તેઓને કહ્યું કે, “ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યાં?
[8] પસ્તાવો કરનારાને શોભે તેવા ફળ આપો.
[9] તમારા મનમાં એમ કહેવાનું ન ધારો કે, ‘ઇબ્રાહિમ અમારા પિતા છે’, કેમ કે હું તમને કહું છું કે, આ પથ્થરોમાંથી ઈશ્વર ઇબ્રાહિમને માટે સંતાનો ઉત્પન્ન કરી શકે છે.
[10] વૃક્ષોના મૂળ પર કુહાડો પહેલેથી જ મુકાયો છે. માટે દરેક વૃક્ષ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે.
[11] માટે પસ્તાવાને સારુ હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સામર્થ્યવાન છે, હું તેમના ચંપલ ઊંચકવાને યોગ્ય નથી; તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માથી તથા અગ્નિથી કરશે.
[12] તેમનું સૂપડું તેમના હાથમાં છે, તે પોતાની ખળીને પૂરેપૂરી સાફ કરશે અને પોતાના ઘઉં વખારમાં ભરશે, પણ ભૂસું, ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે.”
[13] ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા માટે ગાલીલથી યર્દન નદીએ તેની પાસે આવ્યા.
[14] પણ યોહાને તેમને અટકાવતાં કહ્યું કે, “તમારાથી તો મારે બાપ્તિસ્મા પામવું જોઈએ અને શું તમે મારી પાસે આવો છો?”
[15] પછી ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, “હમણાં એમ થવા દે, કેમ કે સર્વ ન્યાયીપણું એવી રીતે પૂરું કરવું તે આપણને ઉચિત છે.” ત્યારે યોહાને તેને બાપ્તિસ્મા આપ્યું.
[16] જયારે ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી બહાર આવ્યા, અને જુઓ, તેમને સારુ સ્વર્ગો ઉઘાડાયું અને ઈશ્વરના આત્માને કબૂતર રૂપે ઊતરતા તથા પોતા પર આવતા તેમણે જોયા.
[17] જુઓ, સ્વર્ગોમાંથી એવી વાણી થઈ કે, “આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું.”