Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:35

[1] કોઈનો ન્યાય ન કરો અને તમારો ન્યાય નહિ કરાશે.

[2] કેમ કે જે ન્યાય પ્રમાણે તમે ન્યાય કરો તે પ્રમાણે તમારો ન્યાય થશે. જે માપથી તમે માપી આપો છો, તે જ પ્રમાણે તમને માપી અપાશે.

[3] તું તારા ભાઈની આંખમાંનું ફોતરાં ધ્યાનમાં લે છે, અને તારી પોતાની આંખમાંનો ભારોટીયો કેમ જોતો નથી?

[4] અથવા તું તારા ભાઈને કેવી રીતે કહી શકે કે ‘મને તારી આંખમાંથી ફોતરું કાઢવા દે’; પણ જો, તારી પોતાની જ આંખમાં ભારોટીયો છે?

[5] ઓ ઢોંગી! પ્રથમ તું પોતાની જ આંખમાંથી ભારોટીયો કાઢ, ત્યાર પછી તને તારા ભાઈની આંખમાંથી ફોતરું કાઢવાને સારી રીતે દેખાશે.

[6] જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો, તમારાં મોતી ભૂંડોની આગળ ન ફેંકો; એમ ન થાય કે તેઓ તે પોતાના પગ તળે છૂંદે અને તમને ફાડી નાખે.

[7] માગો તો તમને અપાશે; શોધો, તો તમને જડશે; ખટખટાવો, તો તમારે સારુ ઉઘાડાશે.

[8] કેમ કે જે દરેક માગે છે તેઓ પામે છે; જે શોધે છે તેઓને જડે છે; અને જે કોઈ ખટખટાવે છે, તેઓને માટે દરવાજા ઉઘાડવામાં આવશે.

[9] તમારામાં એવી કઈ વ્યક્તિ છે કે, જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે, તો તે તેને પથ્થર આપશે?

[10] અથવા જો માછલી માગે, તો તે તેને સાપ આપશે?

[11] માટે જો તમે ખરાબ હોવા છતાં, જો પોતાના બાળકોને સારાં વાનાં આપવા જાણો છો, તો તમારા સ્વર્ગમાંના પિતાની પાસે જેઓ માગે છે તેઓને કેટલી વિશેષે કરીને સારાં વાનાં આપશે?

[12] માટે જે કંઈ તમે ઇચ્છો છો કે બીજા લોકો તમારા પ્રત્યે કરે, તેવું તમે પણ તેઓ પ્રત્યે કરો; કેમ કે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોની વાતોનો સાર તે છે.

[13] તમે સાંકડે બારણેથી અંદર પ્રવેશો; કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે, તેનું બારણું પહોળું છે અને ઘણાં તેમાં થઈને પ્રવેશે છે.

[14] જે માર્ગ જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે, તેનું બારણું સાંકડું છે અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે.

[15] જે જૂઠાં પ્રબોધકો ઘેટાંને વેશે તમારી પાસે આવે છે, પણ અંદરથી ફાડી ખાનાર વરુના જેવા છે, તેઓ સંબંધી તમે સાવધાન રહો.

[16] તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો. શું લોકો કાંટાનાં ઝાડ પરથી દ્રાક્ષ અથવા ઝાંખરાં પરથી અંજીર તોડે છે?

[17] તેમ જ દરેક સારું ઝાડ સારાં ફળ આપે છે અને ખરાબ ઝાડ ખરાબ ફળ આપે છે.

[18] સારું ઝાડ ખરાબ ફળ આપી શકતું નથી અને ખરાબ ઝાડ સારાં ફળ આપી શકતું નથી.

[19] દરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે.

[20] તેથી તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો.

[21] જેઓ મને ‘પ્રભુ, પ્રભુ,’ કહે છે, તેઓ સર્વ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પ્રવેશશે.

[22] તે દિવસે ઘણાં મને કહેશે કે, ‘પ્રભુ, પ્રભુ,’ શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નહોતો? તમારે નામે દુષ્ટાત્માઓને કાઢયાં નહોતાં? અને તમારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યા નહોતાં?

[23] ત્યારે હું તેઓને સ્પષ્ટ કહીશ કે, ‘મેં તમને કદી પણ ઓળખ્યા નહિ; ઓ દુષ્ટકર્મીઓ, તમે મારી પાસેથી દૂર જાઓ!’”

[24] એ માટે, જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને પાળે છે, તે એક ડાહ્યા માણસની જેમ છે, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું.

[25] વરસાદ વરસ્યો, પૂર આવ્યું, વાવાઝોડાં થયાં અને તે ઘર પર સપાટા લાગ્યા; પણ તેનો પાયો ખડક પર નાખેલો હોવાથી તે પડ્યું નહિ.

[26] જે કોઈ મારી આ વાતો સાંભળે છે પણ પાળતો નથી, તે એક મૂર્ખ માણસની જેમ છે, જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું.

[27] વરસાદ વરસ્યો, પૂર આવ્યું, વાવાઝોડાં થયાં, તે ઘર પર સપાટા લાગ્યા અને તે પડી ગયું; અને તેનો નાશ મોટો થયો.

[28] ઈસુ એ વાતો કહી રહ્યા પછી, એમ થયું કે, લોકો તેમના ઉપદેશથી આશ્ચર્ય પામ્યા,

[29] કેમ કે શાસ્ત્રીઓની જેમ નહિ, પણ જેને અધિકાર હોય છે તેવી રીતે તે તેઓને ઉપદેશ કરતા હતા.

માથ્થીની લખેલી સુવાર્તા — Chapters