Skip to content
Opens in a new window
Listen to this chapter • 10:44

[1] ઈસુએ સર્વ વાતો પૂરી કરી ત્યારે એમ થયું કે તેમણે પોતાના શિષ્યોને કહ્યું,

[2] “તમે જાણો છો બે દિવસ પછી પાસ્ખાપર્વ છે, અને માણસના દીકરાને વધસ્તંભે જડાવા સારુ પરાધીન કરાશે.”

[3] પછી મુખ્ય યાજકો તથા લોકોના વડીલો કાયાફા નામે પ્રમુખ યાજકની કચેરીમાં એકત્ર થયા.

[4] ઈસુને કપટથી પકડીને મારી નાખવા માટે તેઓએ સંકલ્પ કર્યો.

[5] પણ તેઓએ કહ્યું કે, “પર્વમાં નહિ, રખેને લોકોમાં હુલ્લડ થાય.”

[6] ઈસુ બેથાનિયામાં સિમોન કુષ્ઠ રોગીના ઘરમાં હતા,

[7] તેઓ જમવા બેઠા હતા ત્યારે એક સ્ત્રી અતિ મૂલ્યવાન અત્તરની સંગેમરમરની ડબ્બી લઈને તેમની પાસે આવી, અને તેમના માથા ઉપર અત્તર રેડ્યું.

[8] જયારે તેમના શિષ્યોએ તે જોયું ત્યારે તેઓએ ગુસ્સે થઈને કહ્યું કે, “એ બગાડ શા માટે કર્યો?

[9] કેમ કે એ અત્તર ઘણે મૂલ્યે વેચાત અને ગરીબોને અપાત.”

[10] ત્યારે ઈસુએ તે જાણીને તેઓને કહ્યું કે, “એ સ્ત્રીને તમે કેમ સતાવો છો? કેમ કે તેણે તો મારા પ્રત્યે ઉત્તમ કામ કર્યું છે.

[11] કેમ કે ગરીબો સદા તમારી સાથે છે, પણ હું સદા તમારી સાથે નથી.

[12] તેણીએ અત્તર મારા શરીર પર રેડ્યું તે કામ તો મારા દફનની તૈયારીને સારુ કર્યું છે.

[13] હું તમને નિશ્ચે કહું છું કે, ‘આ સુવાર્તા આખી દુનિયામાં જ્યાં કહીં પ્રગટ કરાશે ત્યાં એણે જે કર્યું છે તે પણ તેની યાદગીરીને અર્થે કહેવામાં આવશે.”

[14] ત્યારે યહૂદા ઇશ્કારિયોત નામે બાર શિષ્યોમાંના એકે મુખ્ય યાજકોની પાસે જઈને કહ્યું કે,

[15] “તેને હું તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો?” તેઓએ તેને ચાંદીના ત્રીસ સિક્કા ચૂકવી આપ્યા.

[16] ત્યારથી તે ઈસુને પરસ્વાધીન કરવાની તક શોધતો રહ્યો.

[17] બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે, “અમે તમારે માટે પાસ્ખા ખાવાની તૈયારી ક્યાં કરીએ? તમારી શી ઇચ્છા છે?”

[18] ત્યારે ઈસુએ કહ્યું કે, “નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ‘ઉપદેશક કહે છે કે “મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સાથે તારે ઘરે પાસ્ખા પાળીશ.’”

[19] ઈસુએ શિષ્યોને જેવી આજ્ઞા આપી હતી, તેવું તેઓએ કર્યું અને પાસ્ખા તૈયાર કર્યું.

[20] સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે ઈસુ જમવા બેઠા હતા.

[21] તેઓ જમતા હતા ત્યારે તેમણે કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, તમારામાંથી એક મને પરસ્વાધીન કરશે.”

[22] ત્યારે તેઓ ઘણાં દુઃખી થયા અને તેઓમાંનો દરેક તેમને કહેવા લાગ્યો કે, “પ્રભુ, શું તે હું છું?”

[23] ઈસુએ ઉત્તર દેતાં કહ્યું કે, “જેણે મારી સાથે થાળીમાં હાથ મૂક્યો છે તે જ મને પરાધીન કરશે.

[24] માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસથી માણસનો દીકરો પરાધીન કરાય છે, તેને અફસોસ છે! જો તે માણસ જન્મ્યો ન હોત, તો તેને માટે વધારે સારું હોત.”

[25] ત્યારે તેને પરસ્વાધીન કરનાર યહૂદાએ પૂછ્યું કે, “ગુરુજી, શું તે હું છું?” ઈસુએ તેને કહ્યું કે, “તેં પોતે જ કહ્યું છે.”

[26] તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને, આશીર્વાદ માગીને ભાંગી અને શિષ્યોને આપીને કહ્યું કે, “લો, ખાઓ, આ મારું શરીર છે.”

[27] પછી ઈસુએ પ્યાલો લઈને આભાર માન્યો અને તેઓને આપતાં કહ્યું કે, “તમે બધા એમાંથી પીઓ,”

[28] કેમ કે એ નવા કરારનું મારું રક્ત છે, જે પાપોની માફીને અર્થે ઘણાંઓને માટે વહેવડાવવામાં આવે છે.

[29] હું તમને કહું છું કે, હું મારા પિતાના રાજ્યમાં તમારી સાથે નવો દ્રાક્ષારસ નહિ પીઉં, તે દિવસ સુધી હું હવેથી તે પીનાર જ નથી.”

[30] તેઓ ગીત ગાયા પછી જૈતૂનનાં પહાડ પર ગયા.

[31] ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “તમે બધા આજ રાત્રે મારાથી દૂર થઈ જશો, કેમ કે એમ લખેલું છે કે ‘હું ઘેટાંપાળકને મારીશ અને ટોળાંનાં ઘેટાં વિખેરાઈ જશે.’

[32] પણ મારા ઊઠ્યા પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.”

[33] ત્યારે પિતરે ઉત્તર દેતાં ઈસુને કહ્યું કે, “જો બધા તમને ત્યજી દેશે, તોપણ હું તમારાથી દૂર થઈશ નહિ.”

[34] ઈસુએ તેને કહ્યું, “હું તને નિશ્ચે કહું છું કે, આજ રાત્રે મરઘો બોલ્યા અગાઉ, ત્રણ વાર તું મારો નકાર કરીશ.”

[35] પિતરે તેને કહ્યું કે, “જો મારે તમારી સાથે મરવું પડે તોપણ હું તમારો નકાર નહિ જ કરીશ.” બધાં શિષ્યોએ પણ તેમ જ કહ્યું.

[36] ત્યારે ઈસુ તેઓની સાથે ગેથસેમાને નામની જગ્યાએ આવ્યું અને શિષ્યોને કહ્યું કે, “હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી તમે અહીં બેસો.”

[37] પિતરને તથા ઝબદીના બે દીકરાઓને સાથે લઈને ઈસુ પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યા.

[38] પછી ઈસુએ તેઓને કહ્યું કે, “મારો જીવ મરવા જેવો ઘણો દુઃખી છે, તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો.”

[39] પછી તેમણે થોડે દૂર જઈને મુખ નમાવીને પ્રાર્થના કરતાં કહ્યું કે, “ઓ મારા પિતા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો; તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”

[40] પછી ઈસુએ શિષ્યોની પાસે આવ્યું અને તેઓને ઊંઘતા જોઈને પિતરને કહ્યું કે, “શું તમે એક કલાક પણ મારી સાથે જાગતા રહી નથી શકતા?

[41] તમે જાગતા રહો અને પ્રાર્થના કરો કે પરીક્ષણમાં ન પડો; આત્મા તત્પર છે ખરો, પણ શરીર નિર્બળ છે.”

[42] બીજી વાર ઈસુએ જઈને પ્રાર્થના કરતા કહ્યું કે, “ઓ મારા પિતા, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર થઈ ન શકે તો તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”

[43] ઈસુએ બીજી વાર આવીને તેઓને ઊંઘતા જોયા; કેમ કે તેઓની આંખો ઊંઘથી ભારે થઈ હતી.

[44] ઈસુ ફરીથી શિષ્યોને મૂકીને પ્રાર્થના કરવા ગયા, અને ત્રીજી વાર એ જ વાત કહેતાં તેમણે પ્રાર્થના કરી.

[45] ત્યારે તે પોતાના શિષ્યોની પાસે આવીને તેઓને કહ્યું કે, “હજુ પણ તમે ઊંઘો છો અને આરામ કરો છો? જુઓ, સમય પાસે આવ્યો છે, માણસનો દીકરો પાપીઓના હાથમાં પરાધીન કરાય છે.

[46] ઊઠો આપણે જઈએ; જુઓ, મને પકડાવનાર આવી પહોંચ્યો છે.”

[47] તે હજી બોલતા હતા, એટલામાં જુઓ, બાર શિષ્યમાંનો એક, એટલે યહૂદા, આવ્યો; તેની સાથે મુખ્ય યાજકોની તથા લોકોના વડીલોની પાસેથી ઘણાં લોક તલવારો તથા લાકડીઓ લઈને આવ્યા.

[48] હવે તેમને પરાધીન કરનારે તેઓને નિશાની આપી હતી કે, “હું જેને ચુંબન કરું તે જ તે છે; તેને પકડી લેજો.”

[49] તરત તેણે ઈસુ પાસે આવીને કહ્યું, ‘ગુરુજી સલામ!’ અને તે તેમને ચૂમ્યો.

[50] ઈસુએ તેને કહ્યું કે, “મિત્ર, જે કરવાને તું આવ્યો છે તે કર.” ત્યારે તેઓએ પાસે આવીને, ઈસુ પર હાથ નાખીને, તેમની ધરપકડ કરી.

[51] પછી જુઓ, ઈસુના સાથીઓમાંના એકે હાથ લાંબો કરીને પોતાની તલવાર ખેંચી કાઢ્યું અને પ્રમુખ યાજકના ચાકર પર હુમલો કરીને તેનો કાન કાપી નાખ્યો.

[52] ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “તારી તલવાર મ્યાનમાં પાછી મૂક; કેમ કે જેઓ તલવાર પકડે છે તેઓ તલવારથી જ નાશ પામશે.

[53] શું તું ધારે છે કે હું પિતાની પાસે એવું નથી માગી શકતો કે તે હમણાં જ સૈન્યની બાર જૂથો કરતાં વધારે સ્વર્ગદૂતોને મારી પાસે મોકલી દે?

[54] તો શાસ્ત્રવચનોમાં જે લખેલું છે કે, એવું થવું જોઈએ, તે કેમ પૂરું થશે?”

[55] તે જ સમયે ઈસુએ લોકોને કહ્યું કે, “તમે તલવારો તથા લાકડીઓ લઈને જેમ ચોરને પકડે તેમ મને પકડવા નીકળી આવ્યા છો શું? હું રોજ ભક્તિસ્થાનમાં બેસીને બોધ કરતો હતો; ત્યારે તમે મને પકડ્યો ન હતો.

[56] પણ પ્રબોધકોના લેખો પૂર્ણ થાય માટે આ બધું થયું છે.” ત્યારે બધા શિષ્યો ઈસુને મૂકીને જતા રહ્યા.

[57] પછી જેઓએ ઈસુને પકડ્યા, તેઓ જ્યાં શાસ્ત્રીઓ તથા વડીલો એકઠા થયા હતા ત્યાં કાયાફા પ્રમુખ યાજકની પાસે તેમને લઈ ગયા.

[58] પિતર દૂરથી તેમની પાછળ પ્રમુખ યાજકની આંગણું સુધી ચાલ્યો અને અંદર જઈને ઈસુને શું કરશે તે જોવાને ચોકીદારોની સાથે બેઠો.

[59] મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ, ઈસુને મારી નાખવાને, તેમની વિરુદ્ધ જૂઠી શાહેદી શોધી.

[60] જોકે ઘણાં જૂઠા સાક્ષીઓ આવ્યા, પણ તેઓની સાક્ષીઓથી તેઓ સહમત થયા નહિ. પણ પાછળથી બે માણસો આવીને બોલ્યા કે,

[61] “આ માણસે કહ્યું હતું કે, ‘હું ઈશ્વરના સભાસ્થાનને પાડી નાખવાને તથા ત્રણ દિવસમાં તેને પાછું બાંધવાને સમર્થ છું.’”

[62] ત્યારે પ્રમુખ યાજકે ઊભા થઈને તેને કહ્યું, “શું તું કંઈ ઉત્તર નથી દેતો? તેઓ તારી વિરુદ્ધ સાક્ષી આપે છે.”

[63] પણ ઈસુ મૌન રહ્યા. ત્યારે પ્રમુખ યાજકે ઈસુને કહ્યું, “હું તને જીવતા ઈશ્વરના સમ આપું છું કે, ઈશ્વરનો દીકરો જે ખ્રિસ્ત છે તે તું જ છે કે નહિ, એ અમને કહે.”

[64] ઈસુએ તેને કહ્યું કે, “તેં જ કહ્યું છે, પરંતુ હું તમને કહું છું કે, હવે પછી તમે માણસના દીકરાને પરાક્રમના જમણાં હાથ પર બેઠેલા તથા આકાશના વાદળો પર આવતા નિહાળશો.”

[65] ત્યારે પ્રમુખ યાજકે પોતાના વસ્ત્ર ફાડીને કહ્યું કે, “તેણે દુર્ભાષણ કર્યું છે. આપણને બીજા સાક્ષીઓની શી જરૂર છે? જુઓ, હવે તમે એ દુર્ભાષણ સાંભળ્યું છે.

[66] તમે શું વિચારો છો?” તેઓએ ઉત્તર દેતાં કહ્યું કે, “તે મૃત્યુદંડને પાત્ર છે.”

[67] ત્યારે તેઓએ તેના મુખ પર થૂંકીને તેને મુક્કીઓ મારી, અને તેને થપ્પડો મારતાં કહ્યું કે,

[68] “ઓ ખ્રિસ્ત, તને કોણે માર્યું એ અમને કહી બતાવ.”

[69] પિતર બહાર આંગણમાં બેઠો હતો, ત્યારે એક સેવિકા તેની પાસે આવીને કહ્યું કે, “તું પણ ગાલીલના ઈસુની સાથે હતો.”

[70] પણ તેણે સહુની આગળ નકાર કરતાં કહ્યું કે, “તું જે કહે છે તે હું જાણતો નથી.”

[71] તે બહાર પરસાળમાં ગયો ત્યારે બીજી દાસીએ તેને જોઈને જેઓ ત્યાં હતા તેઓને કહ્યું કે, “એ પણ નાસરેથના ઈસુની સંગાથે હતો.”

[72] પણ તેણે સમ ખાતાં ફરીથી નકાર કર્યો કે, “હું તે માણસને ઓળખતો નથી.”

[73] થોડીવાર પછી પાસે ઊભેલાઓએ આવીને પિતરને કહ્યું કે, “ખરેખર તું પણ તેઓમાંનો એક છે, કેમ કે તારી બોલીથી તું ઓળખાય છે.”

[74] ત્યારે તે શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે, “હું તે માણસને ઓળખતો નથી.” તરત જ મરઘો બોલ્યો.

[75] જે વાત ઈસુએ પિતરને કહી હતી કે, “મરઘો બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ,” તે તેને યાદ આવી; ત્યારે બહાર જઈને તે બહુ રડ્યો.

માથ્થીની લખેલી સુવાર્તા — Chapters