Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:50

[1] પછી ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય એ માટે આત્મા તેમને અરણ્યમાં લઈ ગયા.

[2] ચાળીસ રાતદિવસ ઉપવાસ કર્યા પછી તેમને ભૂખ લાગી.

[3] પરીક્ષણ કરનારે તેમની પાસે આવીને કહ્યું કે, “જો તું ઈશ્વરનો દીકરો છે, તો આ પથ્થરોને કહે કે, તેઓ રોટલી થઈ જાય.”

[4] પણ ઈસુએ ઉત્તર આપતા કહ્યું કે, “એમ લખેલું છે કે, ‘માણસ એકલી રોટલીથી નહિ, પણ દરેક શબ્દ જે ઈશ્વરના મુખમાંથી નીકળે છે તેથી જીવશે.’”

[5] ત્યારે શેતાન તેમને પવિત્ર નગરમાં લઈ ગયો અને ભક્તિસ્થાનના બુરજ પર તેમને ઊભો રાખ્યો,

[6] અને તેમને કહ્યું કે, “જો તું ઈશ્વરનો દીકરો છે, તો પોતાને નીચે પાડી નાખ; કેમ કે એમ લખેલું છે કે, ‘ઈશ્વર પોતાના સ્વર્ગદૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે; અને દૂતો તને પોતાના હાથો પર ધરી લેશે, જેથી તારો પગ પથ્થર સાથે ન અફળાય.”

[7] ઈસુએ તેને કહ્યું, “એમ પણ લખેલું છે કે, ‘પ્રભુ તારા ઈશ્વરનું તું પરીક્ષણ ન કર.’

[8] ફરીથી શેતાન તેને ઘણાં ઊંચા પહાડ ઉપર લઈ ગયો અને દુનિયાના સઘળાં રાજ્યો તથા તેઓનો વૈભવ તેમને બતાવ્યું.

[9] અને તેને કહ્યું કે, “જો તું પગે પડીને મારું ભજન કરશે, તો આ સઘળાં હું તને આપીશ.”

[10] ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “અરે શેતાન, દૂર જા! કેમ કે લખેલું છે કે, ‘પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર અને એકલા તેમની જ સેવા કર.’”

[11] ત્યારે શેતાન તેમને મૂકીને ગયો; અને સ્વર્ગદૂતોએ તેમની પાસે આવીને તેમની સેવા કરી.

[12] યોહાન બંદીવાન કરાયો છે, એવું સાંભળીને ઈસુ ગાલીલમાં પાછા આવ્યા.

[13] પછી નાસરેથ મૂકીને ઝબુલોનના તથા નફતાલીના પ્રદેશમાંના સમુદ્ર પાસેના કપરનાહૂમમાં તે આવીને રહ્યા.

[14] એ માટે કે પ્રબોધક યશાયાએ જે કહ્યું હતું તે પૂરું થાય કે,

[15] “ઝબુલોનના પ્રાંત, નફતાલીના પ્રાંત, યર્દન નદીની પેલે પાર, એટલે બિનયહૂદીઓના ગાલીલ!

[16] જે લોકો અંધકારમાં જીવતા હતા, તેઓએ મોટું અજવાળું જોયું અને તે વિસ્તારમાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા હતા, તેમના પર અજવાળું પ્રકાશ્યું.”

[17] ત્યાર પછી ઈસુ ઉપદેશ આપતા કહેવા લાગ્યા કે, “પસ્તાવો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.”

[18] ઈસુ ગાલીલના સમુદ્રને કિનારે ચાલતા હતા ત્યારે તેમણે બે ભાઈઓને, એટલે સિમોન જે પિતર કહેવાય છે તેને તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછીમાર હતા.

[19] ત્યારે ઈસુ તેઓને કહ્યું કે, ‘મારી પાછળ આવો અને હું તમને માણસોના પકડનારા કરીશ.’

[20] તેઓ તરત જાળો મૂકીને તેમની પાછળ ગયા.

[21] ત્યાંથી આગળ જતા તેમણે બીજા બે ભાઈઓને, એટલે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને, તેઓના પિતા સાથે વહાણમાં પોતાની જાળો સાંધતા જોયા. તે તેઓને બોલાવ્યા,

[22] અને તેઓ તરત વહાણને તથા પોતાના પિતાને મૂકીને તેમની પાછળ ગયા.

[23] ઈસુ સભાસ્થાનોમાં શિક્ષણ આપતા, રાજ્યની સુવાર્તાનો ઉપદેશ આપતા અને લોકોમાં દરેક પ્રકારના રોગ તથા દુઃખ મટાડતા, આખા ગાલીલમાં ફર્યા.

[24] ત્યારે આખા સિરિયામાં તેમની કીર્તિ ફેલાઈ ગઈ, અને લોકો તેમની પાસે સઘળાં માંદાઓને, અનેક જાતનાં રોગીઓ અને દર્દીઓને, દુષ્ટાત્મા વળગેલાંઓને, વાઈ તથા લકવાગ્રસ્તથી પીડાતાઓને લાવ્યા; અને તેમણે તેઓને સાજાં કર્યા.

[25] ગાલીલથી, દસનગરથી, યરુશાલેમથી, યહૂદિયાથી તથા યર્દનને પેલે પારથી લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ ગયા.

માથ્થીની લખેલી સુવાર્તા — Chapters