[1] ઈસુ રસ્તે જતા હતા તેવામાં તેમણે જન્મથી અંધ એવા એક માણસને જોયો.
[2] તેમના શિષ્યોએ તેમને પૂછ્યું કે, ‘ગુરુજી, જે પાપને લીધે તે માણસ અંધ જનમ્યો, તે પાપ કોણે કર્યું? તેણે કે તેનાં માતાપિતાએ?’”
[3] ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘તેણે કે તેનાં માતાપિતાએ તે પાપ કર્યું, તેથી નહિ; પણ ઈશ્વરનાં કામ તેનામાં પ્રગટ થાય માટે એમ થયું.
[4] જ્યાં સુધી દિવસ છે, ત્યાં સુધી જેમણે મને મોકલ્યો છે તેમના કામ આપણે કરવાં જોઈએ; રાત આવે છે કે, જયારે કોઈથી કામ કરી શકાતું નથી.
[5] જયારે હું દુનિયામાં છું ત્યારે હું માનવજગતનું અજવાળું છું.’”
[6] આ પ્રમાણે બોલીને ઈસુ જમીન પર થૂંક્યાં અને થૂંકથી કાદવ બનાવીને, તેમણે તે કાદવ તેની આંખો પર લગાડીને
[7] તેને કહ્યું કે, “તું જઈને આંખોને શિલોઆહ એટલે ‘મોકલેલાના’ હોજમાં ધો.” તે ગયો અને આંખોને ધોઈને દેખતો થઈને ઘરે આવ્યો.
[8] પછી તેના પડોશીઓએ તથા જેઓએ તેને અગાઉ ભિખારી જોયો હતો તેઓએ કહ્યું કે, ‘જે બેસીને ભીખ માગતો હતો, તે શું એ જ નથી?’”
[9] કેટલાકે કહ્યું, ‘હા તે એ જ છે;’ બીજાઓએ કહ્યું, ‘ના, પણ તે તેના જેવો છે;’ પણ તેણે પોતે કહ્યું, ‘હું તે જ છું.’”
[10] તેઓએ તેને કહ્યું કે, ‘ત્યારે તારી આંખો શી રીતે ઊઘડી?’”
[11] તેણે ઉત્તર આપ્યો કે, ‘જે માણસ ઈસુ કહેવાય છે તેમણે કાદવ બનાવ્યો અને મારી આંખો પર લગાવીને મને કહ્યું કે, તું શિલોઆહમાં જઈને ધો; તેથી હું ગયો અને આંખો ધોઈને દેખતો થયો.’”
[12] તેઓએ તેને કહ્યું કે, ‘તે ક્યાં છે?’ તેણે કહ્યું, ‘હું જાણતો નથી.’”
[13] જે અગાઉ અંધ હતો, તેને તેઓ ફરોશીઓની પાસે લાવ્યા.
[14] હવે જે દિવસે ઈસુએ કાદવ બનાવીને તેની આંખો ઉઘાડી હતી, તે દિવસ વિશ્રામવાર હતો.
[15] માટે ફરોશીઓએ ફરીથી તેને પૂછ્યું કે, ‘તું શી રીતે દેખતો થયો?’ તેણે તેઓને કહ્યું કે, ‘તેમણે મારી આંખો પર કાદવ લગાડ્યો અને હું આંખો ધોઈને દેખતો થયો છું.’”
[16] ફરોશીઓમાંના કેટલાકે કહ્યું કે, ‘તે માણસ ઈશ્વરની પાસેથી આવ્યો નથી, કેમ કે તે વિશ્રામવાર પાળતો નથી;’ પણ બીજાઓએ કહ્યું કે, ‘પાપી માણસ એવા ચમત્કારિક ચિહ્નો શી રીતે કરી શકે?’ એમ તેઓમાં બે ભાગલા પડ્યા.
[17] ત્યારે તેઓએ ફરીથી તે અંધને પૂછ્યું કે, ‘તેણે તારી આંખો ઉઘાડી, માટે તેને વિષે તું શું કહે છે?’ ત્યારે તેણે કહ્યું કે, ‘તે પ્રબોધક છે.’”
[18] પણ યહૂદીઓએ તે દેખતા થયેલાનાં માતાપિતાને બોલાવ્યા ત્યાં સુધી તેઓ તેને વિષે માનતા ન હતા કે, તે અંધ હતો અને દેખતો થયો છે.
[19] તેઓએ તેમને પૂછ્યું કે, ‘શું આ તમારો દીકરો છે, જેને વિષે તમે કહો છો કે, તે જન્મથી અંધ હતો? તો પછી તે કેવી રીતે દેખતો થયો છે?’”
[20] તેનાં માતાપિતાએ ઉત્તર આપ્યો કે, ‘તે અમારો દીકરો છે અને જન્મથી અંધ હતો, તે અમે જાણીએ છીએ.
[21] પણ હમણાં તે કેવી રીતે દેખતો થયો છે, તે અમે જાણતા નથી; અને તેની આંખો કોણે ઉઘાડી તે પણ અમે જાણતા નથી; તે પુખ્તવયનો છે; તેને પૂછો, તે પોતે કહેશે.’”
[22] તેનાં માતાપિતા યહૂદીઓથી ડરતા હતાં માટે તેઓએ તેમ કહ્યું; કેમ કે યહૂદીઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે, ‘તે ખ્રિસ્ત છે’ એવું જો કોઈ કબૂલ કરે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો.
[23] માટે તેનાં માતાપિતાએ કહ્યું કે, ‘તે પુખ્તવયનો છે, તેને પૂછો.’”
[24] તેથી અગાઉ જે અંધ હતો, તેને તેઓએ બીજી વાર બોલાવીને કહ્યું, ‘ઈશ્વરની સ્તુતિ કર; અમે જાણીએ છીએ કે તે માણસ તો પાપી છે.’”
[25] ત્યારે તેણે ઉત્તર આપ્યો, ‘તે પાપી છે કે નહિ, તે હું જાણતો નથી; પણ એક વાત હું જાણું છું કે, હું અંધ હતો અને હવે હું દેખતો થયો છું.’”
[26] ત્યારે તેઓએ તેને કહ્યું કે, ‘તેણે તને શું કર્યું? તારી આંખો તેણે શી રીતે ઉઘાડી?’”
[27] તેણે તેઓને ઉત્તર આપ્યો કે, ‘મેં હમણાં જ તમને કહ્યું, પણ તમે સાંભળ્યું નહિ; તમે શા માટે ફરીથી સાંભળવા માગો છો? શું તમે પણ તેમના શિષ્યો થવા ચાહો છો?’”
[28] ત્યારે તેઓએ તેની નિંદા કરતાં કહ્યું કે, ‘તું તેમનો શિષ્ય છે; પણ અમે તો મૂસાના શિષ્યો છીએ.
[29] ઈશ્વર મૂસાની સાથે બોલ્યા, તે અમે જાણીએ છીએ; પણ અમે નથી જાણતા કે, તે માણસ તો ક્યાંનાં છે.’”
[30] તે માણસે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, ‘એ તો અજાયબ જેવું છે કે, તેમણે મારી આંખો ઉઘાડી તે છતાં પણ તે ક્યાંનાં છે, તે તમે જાણતા નથી.
[31] આપણે જાણીએ છીએ કે, ઈશ્વર પાપીઓનું સાંભળતાં નથી; પણ જો કોઈ ઈશ્વરને ભજનાર હોય અને તેમની ઇચ્છા પ્રમાણે કરતો હોય, તો તે તેમનું સાંભળે છે.
[32] સૃષ્ટિના આરંભથી એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી કે, જન્મથી અંધ માણસની આંખો કોઈએ ઉઘાડી હોય.
[33] જો તે મનુષ્ય ઈશ્વરની પાસેથી આવ્યા ન હોય, તો તે કંઈ કરી શકતા નથી.’”
[34] તેઓએ તેને ઉત્તર આપ્યો કે, ‘તું તો તદ્દન પાપોમાં જનમ્યો છે અને શું તું અમને બોધ કરે છે?’ પછી તેઓએ તેને સભાસ્થાનમાંથી બહાર કાઢી મૂક્યો.
[35] તેઓએ તેને બહાર કાઢી મૂક્યો છે, એવું ઈસુએ સાંભળ્યું ત્યારે તેમણે તેને શોધીને કહ્યું કે, ‘તું શું માણસના દીકરા પર વિશ્વાસ કરે છે?’”
[36] તેણે ઉત્તર આપ્યો કે, ‘હે પ્રભુ, તે કોણ છે કે, હું તેમના પર વિશ્વાસ કરું?’”
[37] ઈસુએ તેને કહ્યું કે, ‘તેં તેમને જોયા છે અને જે તારી સાથે વાત કરે છે, તે જ તે છે.’”
[38] તેણે કહ્યું કે, ‘પ્રભુ, હું વિશ્વાસ કરું છું.’ પછી તેણે તેમનું ભજન કર્યું.
[39] ઈસુએ કહ્યું કે, ‘જેઓ દેખતા નથી તેઓ દેખતા થાય અને જેઓ દેખતા છે તેઓ અંધ થાય, માટે ન્યાયને સારુ હું આ દુનિયામાં આવ્યો છું.’”
[40] જે ફરોશીઓ તેમની પાસે હતા તેઓએ તે વાતો સાંભળીને તેમને પૂછ્યું, ‘તો શું અમે પણ અંધ છીએ?’”
[41] ઈસુએ તેઓને કહ્યું કે, “જો તમે અંધ હોત તો તમને પાપ ન લાગત; પણ હવે તમે કહો છો કે, ‘અમે દેખતા છીએ,’ માટે તમારું પાપ કાયમ રહે છે.”