Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:27

[1] ત્રીજે દિવસે ગાલીલના કાના ગામમાં લગ્ન હતું; અને ઈસુનાં મા ત્યાં હતાં.

[2] ઈસુને તથા તેમના શિષ્યોને પણ તે લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.

[3] જ્યારે દ્રાક્ષારસ ખૂટ્યો ત્યારે મરિયમ ઈસુને કહે છે કે, ‘તેઓની પાસે દ્રાક્ષારસ નથી.’”

[4] ઈસુ તેને કહે છે, ‘સ્ત્રી, મારે અને તારે શું? મારો સમય હજી આવ્યો નથી.’”

[5] તેમની મા ચાકરોને કહે છે કે, ‘જે કંઈ તે તમને કહે તે કરો.’”

[6] હવે યહૂદીઓની શુદ્ધિકરણની રીત પ્રમાણે દરેકમાં સો લીટર પાણી ભરાય એવાં પથ્થરના છ કુંડાં ત્યાં મૂકેલાં હતાં.

[7] ઈસુએ તેઓને કહ્યું, ‘તે કુંડાંઓમાં પાણી ભરો.’ એટલે તેઓએ કુંડાંને છલોછલ ભર્યાં.

[8] પછી ઈસુએ તેઓને કહ્યું કે, ‘હવે કાઢીને જમણનાં કારભારી પાસે લઈ જાઓ.’ અને તેઓ લઈ ગયા.

[9] જયારે જમણનાં કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષારસ ચાખ્યો, પણ તે ક્યાંથી આવ્યો એ તે જાણતો ન હતો પણ જે ચાકરોએ પાણી ભર્યું હતું તેઓ જાણતા હતા, ત્યારે જમણનાં કારભારીએ વરને બોલાવીને,

[10] કહ્યું, ‘દરેક માણસ પહેલાં ઉત્તમ દ્રાક્ષારસ પીરસે છે; અને માણસોએ તે સારી રીતે પીધા પછી સામાન્ય દ્રાક્ષારસ પીરસે છે. પણ તમે અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષારસ રાખી મૂક્યો છે.’”

[11] ઈસુએ પોતાના અદ્ભૂત ચમત્કારિક ચિહ્નોનો આરંભ ગાલીલના કાના ગામમાં કરીને પોતાનો મહિમા પ્રગટ કર્યો; અને તેમના શિષ્યોએ ઈસુ પર વિશ્વાસ કર્યો.

[12] ત્યાર પછી ઈસુ, તેમની મા, તેમના ભાઈઓ તથા તેમના શિષ્યો કપરનાહૂમમાં આવ્યાં પણ ત્યાં તેઓ વધારે દિવસ રહ્યાં નહિ.

[13] હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, તેથી ઈસુ યરુશાલેમ ગયા.

[14] ત્યાં ભક્તિસ્થાનમાં તેમણે બળદ, ઘેટાં, કબૂતર વેચનારાઓને તથા નાણાવટીઓને બેઠેલા જોયા.

[15] ત્યારે ઈસુએ દોરીઓનો કોરડો બનાવીને તે સર્વને, ઘેટાં, બળદ સહિત, ભક્તિસ્થાનમાંથી કાઢી મૂક્યાં; નાણાવટીઓનાં નાણાં વેરી નાખ્યાં અને આસનો ઊંધા વાળ્યાં;

[16] કબૂતર વેચનારાઓને પણ તેમણે કહ્યું કે, ‘આ બધું અહીંથી લઈ જાઓ; મારા પિતાના ઘરને વેપારનું ઘર ન બનાવો.’”

[17] તેમના શિષ્યોને યાદ આવ્યું કે એમ લખેલું છે કે, ‘તારા ઘરનો ઉત્સાહ મને કોરી ખાય છે.’”

[18] તેથી યહૂદીઓએ તેમને પૂછ્યું કે, ‘તું આ કામો કરે છે, તો અમને કયું ચમત્કારિક ચિહ્ન બતાવીશ?’”

[19] ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘આ સભાસ્થાનને તોડી પાડો અને ત્રણ દિવસમાં હું તેને ઊભું કરીશ.’”

[20] ત્યારે યહૂદીઓએ કહ્યું કે, ‘આ સભાસ્થાનને બાંધતા છેંતાળીસ વર્ષ લાગ્યાં છે અને શું તું તેને ત્રણ દિવસમાં ઊભું કરશે?’”

[21] પણ ઈસુ પોતાના શરીરરૂપી ભક્તિસ્થાન વિષે બોલ્યા હતા.

[22] માટે જયારે તેમને મૃત્યુમાંથી સજીવન કરવામાં આવ્યા, ત્યારે તેમના શિષ્યોને યાદ આવ્યું કે, તેમણે તેઓને એ કહ્યું હતું; અને તેઓએ શાસ્ત્રવચન પર તથા ઈસુએ કહેલા વચન પર વિશ્વાસ કર્યો.

[23] હવે પાસ્ખાપર્વના સમયે ઈસુ યરુશાલેમમાં હતા, ત્યારે જે ચમત્કારિક ચિહ્નો તેઓ કરતા હતા તે જોઈને ઘણાંએ તેમના નામ પર વિશ્વાસ કર્યો.

[24] પણ ઈસુએ તેમનો વિશ્વાસ ન કર્યો, કેમ કે તે સર્વને જાણતા હતા,

[25] અને મનુષ્ય વિષે કોઈની સાક્ષીની તેમને જરૂર ન હતી; કેમ કે મનુષ્યમાં શું છે તે તેઓ પોતે જાણતા હતા.

યોહાનની લખેલી સુવાર્તા — Chapters