Skip to content
Opens in a new window
Listen to this chapter • 7:15

[1] અને પછી ઈસુ ગાલીલમાં ફર્યા, કેમ કે યહૂદીઓ તેમને મારી નાખવા શોધતાં હતા, માટે યહૂદિયામાં ફરવાને તે ચાહતા નહોતા.

[2] હવે યહૂદીઓનું માંડવાપર્વ પાસે આવ્યું હતું.

[3] માટે તેમના ભાઈઓએ તેને કહ્યું કે, ‘અહીંથી યહૂદિયામાં જાઓ કે, તમે જે કામો કરો છો તે તમારા શિષ્યો પણ જુએ.

[4] કેમ કે કોઈ પોતે પ્રસિદ્ધ થવાને ચાહતો હોવાથી ગુપ્ત રીતે કંઈ કરતો નથી; જો તમે એ કામો કરો છો, તો દુનિયાની આગળ પોતાને જાહેર કરો.’”

[5] કેમ કે તેમના ભાઈઓએ પણ તેમના પર વિશ્વાસ કર્યો ન હતો.

[6] ત્યારે ઈસુ તેઓને કહે છે કે, ‘મારો સમય હજી આવ્યો નથી; પણ તમારા માટે સર્વ સમય એક સમાન છે.

[7] જગત તમારો દ્વેષ કરી નથી શકતું, પણ મારો તો તે દ્વેષ કરે છે; કેમ કે તે વિષે હું એવી સાક્ષી આપું છું કે, તેનાં કામ દુષ્ટ છે.

[8] તમે આ પર્વમાં જાઓ; મારો સમય હજી પરિપૂર્ણ થયો નથી, માટે હું આ પર્વમાં જતો નથી.’”

[9] ઈસુ તેઓને એ વાત કહીને ગાલીલમાં જ રહ્યા.

[10] પરંતુ ઈસુના ભાઈઓ પર્વમાં ગયા, તે પણ જાહેરમાં નહિ, પણ ખાનગી રીતે ગયા.

[11] ત્યારે યહૂદીઓએ પર્વમાં તેમની શોધ કરતાં કહ્યું કે, ‘તે ક્યાં છે?’”

[12] તેમને વિષે લોકોમાં ઘણી ચર્ચા ચાલી; કેમ કે કેટલાકે કહ્યું કે, ‘તે સારો માણસ છે;’ બીજાઓએ કહ્યું કે, ‘એમ નથી, પણ લોકોને તે ગેરમાર્ગે દોરે છે.’”

[13] તોપણ યહૂદીઓના ડરને લીધે તેમને વિષે કોઈ ખુલ્લી રીતે કંઈ બોલ્યું નહિ.

[14] પણ પર્વ અર્ધું થવા આવ્યું ત્યારે ઈસુએ ભક્તિસ્થાનમાં જઈને ઉપદેશ કર્યો.

[15] ત્યારે યહૂદીઓએ આશ્ચર્ય પામીને કહ્યું કે, ‘એ માણસ કદી પણ શીખ્યો નથી, તેમ છતાં તે વિદ્યા ક્યાંથી જાણે છે?’”

[16] માટે ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘મારો ઉપદેશ મારો પોતાનો નથી, પણ જેમણે મને મોકલ્યો તેમનો છે.

[17] જો કોઈ તેમની ઇચ્છા પૂરી કરવા ચાહે, તો આ બોધ વિષે તે સમજશે કે, તે ઈશ્વરથી છે કે હું પોતાથી બોલું છું.

[18] જે પોતાથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે; પણ જે પોતાના મોકલનારનો મહિમા શોધે છે, તે જ સત્ય છે અને તેનામાં કંઈ અન્યાય નથી.

[19] શું મૂસાએ તમને નિયમશાસ્ત્ર આપ્યું નથી? પણ તમારામાંનો કોઈ તે નિયમશાસ્ત્ર પાળતો નથી. તમે મને મારી નાખવાની કેમ કોશિશ કરો છો?’”

[20] લોકોએ જવાબ આપ્યો કે, ‘તારામાં દુષ્ટાત્મા છે; કોણ તને મારી નાખવાની કોશિશ કરે છે?’”

[21] ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘મેં એક કાર્ય કર્યું અને તમે સર્વ આશ્ચર્ય પામ્યા છો.

[22] આ કારણથી મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો છે તે મૂસાથી છે એમ તો નહિ, પણ પૂર્વજોથી છે; અને તમે વિશ્રામવારે માણસની સુન્નત કરો છો.

[23] મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન ન થાય, માટે જો કોઈ માણસની સુન્નત વિશ્રામવારે કરવામાં આવે છે; તો મેં વિશ્રામવારે એક માણસને પૂરો સાજો કર્યો, તે માટે શું તમે મારા પર ગુસ્સે થયા છો?

[24] દેખાવ પ્રમાણે ન્યાય ન કરો, પણ સચ્ચાઈપૂર્વક ન્યાય કરો.’”

[25] ત્યારે યરુશાલેમમાંના કેટલાકે કહ્યું કે, ‘જેમને તેઓ મારી નાખવાનો પ્રયત્ન કરે છે, તે શું એ જ નથી?

[26] પણ જુઓ, તે તો જાહેર રીતે બોલે છે અને તેઓ તેમને કંઈ કહેતાં નથી! અધિકારીઓ શું ખરેખર જાણતા હશે કે એ ખ્રિસ્ત જ છે?

[27] તોપણ અમે તે માણસને જાણીએ છીએ કે તે ક્યાંથી આવેલો છે; પણ જયારે ખ્રિસ્ત આવશે ત્યારે કોઈ જાણશે નહિ કે તે ક્યાંથી આવ્યો છે.’”

[28] એ માટે ઈસુએ ભક્તિસ્થાનમાં બોધ કરતાં બૂમ પાડીને કહ્યું કે, ‘તમે મને જાણો છો અને હું ક્યાંથી આવ્યો છું તે પણ તમે જાણો છો; અને હું તો મારી પોતાની રીતે નથી આવ્યો, પણ જેમણે મને મોકલ્યો છે તે સત્ય છે, તેમને તમે જાણતા નથી.

[29] હું તેમને જાણું છું; કેમ કે હું તેમની પાસેથી આવ્યો છું અને તેમણે મને મોકલ્યો છે.’”

[30] માટે તેઓએ ઈસુને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ તેમનો સમય હજી સુધી આવ્યો ન હતો, માટે કોઈએ તેમના પર હાથ નાખ્યો નહિ.

[31] પણ લોકોમાંથી ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો અને તેઓએ કહ્યું કે, ‘ખ્રિસ્ત આવશે, ત્યારે આ માણસે જે ચમત્કારિક ચિહ્નો કર્યા છે તે કરતાં શું તેઓ વધારે કરશે?’”

[32] તેમને વિષે લોકો એવી ગણગણાટ કરતા હતા, તે ફરોશીઓએ સાંભળ્યું, ત્યારે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ તેમને પકડવાને અધિકારીઓ મોકલ્યા.

[33] ત્યારે ઈસુએ કહ્યું કે, ‘હજી થોડો સમય હું તમારી સાથે છું, પછી જેમણે મને મોકલ્યો છે તેમની પાસે હું જાઉં છું.

[34] તમે મને શોધશો, પણ હું તમને મળીશ નહિ; અને જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી.’”

[35] ત્યારે યહૂદીઓએ અંદરોઅંદર કહ્યું કે, ‘આ માણસ ક્યાં જશે કે આપણને જડશે જ નહિ? શું ગ્રીકોમાં વેરાઈ ગયેલાઓની પાસે જઈને તે ગ્રીકોને બોધ કરશે?

[36] ‘તમે મને શોધશો, પણ હું તમને મળીશ નહિ અને જ્યાં હું જાઉં છું, ત્યાં તમે આવી શકતા નથી એવી જે વાત તેણે કહી તે શી છે?’”

[37] હવે પર્વના છેલ્લાં તથા મહાન દિવસે ઈસુએ ઊભા રહીને ઊંચા અવાજે કહ્યું કે, ‘જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવીને પીએ.

[38] શાસ્ત્રવચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તેના હૃદયમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે.’”

[39] પણ તેમના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિષે તેમણે એ કહ્યું; કેમ કે ઈસુને હજી મહિમાવાન કરવામાં આવ્યા ન હતા, માટે પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો ન હતો.

[40] તે માટે લોકોમાંથી કેટલાકે તે વાતો સાંભળીને કહ્યું કે, ‘આવનાર પ્રબોધક ખરેખર તે જ છે.’”

[41] બીજાઓએ કહ્યું, ‘એ જ ખ્રિસ્ત છે.’ પણ કેટલાકે કહ્યું કે, ‘શું ગાલીલમાંથી ખ્રિસ્ત આવવાનો છે?’”

[42] શું શાસ્ત્રવચનોમાં એવું નથી લખેલું કે, દાઉદના વંશમાંથી તથા બેથલેહેમ ગામમાં દાઉદ હતો ત્યાંથી ખ્રિસ્ત આવવાનો છે?’”

[43] એ માટે તેને વિષે લોકોમાં ભાગલાં પડ્યાં.

[44] તેઓમાંના કેટલાકે તેને પકડવા ચાહ્યું; પણ તેમના પર કોઈએ હાથ નાખ્યો નહિ.

[45] ત્યારે અધિકારીઓ મુખ્ય યાજકોની તથા ફરોશીઓની પાસે આવ્યા; અધિકારીઓએ તેઓને પૂછ્યું કે, ‘તમે તેને કેમ લાવ્યા નહિ?’”

[46] ત્યારે અધિકારીઓએ ઉત્તર આપ્યો કે ‘એમના જેવું કદી કોઈ માણસ બોલ્યું નથી.’”

[47] ત્યારે ફરોશીઓએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘શું, તમે પણ ગેરમાર્ગે ખેંચાયા?

[48] અધિકારીઓ અથવા ફરોશીઓમાંથી શું કોઈએ તેના પર વિશ્વાસ કર્યો છે?

[49] પણ આ જે લોકો નિયમશાસ્ત્ર નથી જાણતા તેઓ શાપિત છે.’”

[50] નિકોદેમસ તેઓમાંનો એક, જે અગાઉ ઈસુની પાસે આવ્યો હતો, તે તેઓને પૂછે છે,

[51] ‘માણસનું સાંભળ્યાં અગાઉ અને જે તે કરે છે તે જાણ્યાં વિના, આપણું નિયમશાસ્ત્ર શું તેનો ન્યાય કરે છે?’”

[52] તેઓએ તેને ઉત્તર આપ્યો કે, ‘શું તું પણ ગાલીલનો છે? શોધ કરીને જો, કેમ કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી ઉત્પન્ન થવાનો નથી.’”

[53] પછી તેઓ પોતપોતાને ઘરે ગયા.

યોહાનની લખેલી સુવાર્તા — Chapters