Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:46

[1] હવે પાસ્ખાપર્વ અગાઉ પોતાનો આ દુનિયામાંથી પિતાની પાસે જવાનો સમય આવ્યો છે એ જાણીને ઈસુએ દુનિયામાંનાં પોતાના લોક, જેઓનાં ઉપર તેઓ પ્રેમ રાખતા હતા, તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો.

[2] તેઓ જમતા હતા તેવામાં, શેતાને તો અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇશ્કારિયોતના મનમાં તેમને પરસ્વાધીન કરવાનો વિચાર મૂક્યો હતો.

[3] ઈસુએ જાણ્યું કે પિતાએ સઘળી વસ્તુઓ તેમના હાથમાં આપી છે, અને તે ઈશ્વરની પાસેથી આવ્યો છે અને ઈશ્વરની પાસે જાય છે.

[4] ઈસુ ભોજન સ્થળ પરથી ઊભા થયા અને પોતાનાં ઝભ્ભો ઉતાર્યા; પછી તેમણે રૂમાલ લઈને પોતાની કમરે બાંધ્યો.

[5] ત્યાર બાદ વાસણમાં પાણી લઈને, શિષ્યોના પગ ધોવા તથા જે રૂમાલ પોતાની કમરે બાંધ્યો હતો તેનાથી લૂંછવા લાગ્યા.

[6] એ પ્રમાણે કરતા કરતા તે સિમોન પિતરની પાસે આવ્યા. ત્યારે સિમોન કહ્યું કે, ‘પ્રભુ, શું તમે મારા પગ ધૂઓ છો?’”

[7] ઈસુએ તેને કહ્યું કે, ‘હું જે કરું છું, તે તું હમણાં જાણતો નથી; પણ હવે પછી તું સમજશે.’”

[8] પિતર તેમને કહે છે કે, ‘હું કદી તમને મારા પગ ધોવા દઈશ નહિ.’ ઈસુએ તેને કહ્યું કે, ‘જો હું તને ન ધોઉં તો મારી સાથે તારે કંઈ લાગભાગ નથી.’”

[9] સિમોન પિતર તેને કહે છે કે, ‘પ્રભુ, એકલા મારા પગ જ નહિ, પણ મારા હાથ તથા મુખ પણ ધૂઓ.’”

[10] ઈસુ તેને કહે છે, ‘જેણે સ્નાન કર્યું છે, તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની અગત્ય નથી, તે પૂરો શુદ્ધ છે; તમે શુદ્ધ છો, પણ બધા નહિ.

[11] કેમ કે પોતાને પરસ્વાધીન કરનારને જાણતા હતા; માટે તેમણે કહ્યું કે, ‘તમે બધા શુદ્ધ નથી.’”

[12] એ પ્રમાણે તેઓના પગ ધોઈ રહ્યા પછી તેમણે પોતાનાં વસ્ત્રો પહેર્યા અને પાછા જમવા બેસીને તેઓને કહ્યું કે, ‘મેં તમને શું કર્યું છે, તે તમે સમજો છો?’”

[13] તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો, અને તમે સાચું જ કહો છો, કેમ કે હું એ જ છું.’”

[14] એ માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ.

[15] કેમ કે જેવું મેં તમને કર્યું, તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમુનો આપ્યો છે.

[16] હું તમને નિશ્ચે કહું છું કે, ‘નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી; અને જે મોકલાયેલો છે તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી.’”

[17] જો તમે એ બાબતો જાણીને તેઓનું અનુકરણ કરો, તો તમે આશીર્વાદિત છો.

[18] હું તમારા સઘળાં સંબંધી નથી કહેતો; જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું જાણું છું; એ લખેલું પૂરું થાય માટે એમ થવું જોઈએ ‘પણ જે મારી સાથે રોટલી ખાય છે, તેણે મારી વિરુદ્ધ પોતાની લાત ઉગામી છે.’”

[19] એ બીના બન્યા પહેલાં હું તમને કહું છું એ માટે કે, ‘જયારે એ બાબત થાય, ત્યારે તમે વિશ્વાસ કરો, કે હું તે છું.’”

[20] નિશ્ચે હું તમને કહું છું કે, ‘જે કોઈને હું મોકલું છું તેનો અંગીકાર જે કરે છે, તે મારો અંગીકાર કરે છે; અને જે મારો અંગીકાર કરે છે તે મને મોકલનારનો અંગીકાર કરે છે.

[21] એમ કહ્યાં પછી ઈસુ આત્મામાં વ્યાકુળ થયા; અને ગંભીરતાથી કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, ‘તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે.

[22] તે કોને વિષે બોલે છે એ સંબંધી શિષ્યોએ આશ્ચર્યથી એકબીજા તરફ જોયું.

[23] હવે જમણ સમયે તેમના શિષ્યોમાંનો એક, જેનાં પર ઈસુ પ્રેમ રાખતા હતા, તે ઈસુની છાતીએ અઢેલીને બેઠો હતો.

[24] સિમોન પિતર તેને ઇશારો કરીને કહે છે કે, ‘તેઓ કોનાં વિષે બોલે છે, તે અમને કહે.’”

[25] ત્યારે તે જેમ ઈસુની છાતીએ અઢેલીને બેઠો હતો, તેમ ને તેમ જ તેમને પૂછે છે કે, ‘પ્રભુ, તે કોણ છે?’”

[26] ઈસુ કહે છે કે, ‘હું કોળિયો બોળીને જેને આપીશ, તે જ તે છે.’ પછી તેઓ કોળિયો લઈને તે સિમોન ઇશ્કારિયોતના દીકરા યહૂદાને આપે છે.

[27] અને કોળિયો લીધા પછી તેનામાં શેતાન આવ્યો, માટે ઈસુ તેને કહે છે કે, ‘જે તું કરવાનો છે, તે જલદી કર.’”

[28] હવે તેમણે તેને શા માટે એ કહ્યું એ જમવા બેઠેલાઓમાંથી કોઈ સમજ્યો નહિ.

[29] કેમ કે કેટલાકે એમ ધાર્યું કે, યહૂદાની પાસે થેલી છે તેથી ઈસુએ તેને કહ્યું કે, પર્વને માટે આપણને જેની અગત્ય છે તે ખરીદવાને અથવા ગરીબોને કંઈ આપવાનું કહ્યું.

[30] ત્યારે કોળિયો લઈને તે તરત બહાર ગયો; અને તે સમયે રાત હતી.

[31] જયારે તે બહાર ગયો, ત્યારે ઈસુ કહે છે કે, ‘હવે માણસનો દીકરો મહિમાવાન થયો છે, તેનામાં ઈશ્વર મહિમાવાન થયા છે.

[32] ઈશ્વર તેને પોતામાં મહિમાવાન કરશે અને તેને વહેલો મહિમાવાન કરશે.

[33] ઓ નાનાં બાળકો, હવે પછી થોડા સમય સુધી હું તમારી સાથે છું; તમે મને શોધશો.’ જેમ મેં યહૂદીઓને કહ્યું હતું કે, ‘જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી, તેમ હું હમણાં તમને પણ કહું છું.

[34] ‘હું તમને નવી આજ્ઞા આપું છું, કે તમે એકબીજા પર પ્રેમ રાખો,

[35] જો એકબીજા પર તમે પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.

[36] સિમોન પિતર તેમને કહે છે કે, ‘પ્રભુ, તમે ક્યાં જાઓ છો? ઈસુએ કહ્યું, ‘જ્યાં હું જાઉં છું, ત્યાં તું હમણાં મારી પાછળ આવી શકતો નથી; પણ પછી મારી પાછળ આવીશ.

[37] પિતર તેમને કહે છે કે, ‘પ્રભુ, હું હમણાં જ તમારી પાછળ કેમ આવી શકતો નથી? તમારે માટે હું મારો જીવ પણ આપીશ.

[38] ઈસુ કહે છે કે, ‘શું તું મારે માટે તારો જીવ આપશે?’ હું તને નિશ્ચે કહું છું કે, “મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે.’”

યોહાનની લખેલી સુવાર્તા — Chapters