Skip to content
Opens in a new window
Listen to this chapter • 9:53

[1] પછી ઈસુ ગાલીલનો સમુદ્ર જે તિબેરિયસ કહેવાય છે, તેની સામે બાજુએ ગયા.

[2] ત્યાં લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો; કેમ કે તેમણે જે ચમત્કારિક ચિહ્નો બીમાર લોકો પર કર્યા હતા, તે તેઓએ જોયા હતા.

[3] પછી ઈસુ પહાડ પર ગયા અને ત્યાં પોતાના શિષ્યો સાથે બેઠા.

[4] હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું.

[5] માટે ઈસુ ઊંચી નજર કરીને પોતાની પાસે આવતા મોટા સમુદાયને જોઈને ફિલિપને પૂછે છે કે, ‘તેમના ભોજનને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ?’”

[6] જોકે ઈસુએ ફિલિપને પારખવા માટે એ પૂછ્યું હતું; કેમ કે ઈસુ પોતે શું કરવાના હતા તે તે પોતે જાણતા હતા.

[7] ફિલિપે તેમને જવાબ આપ્યો, ‘બસો દીનારની રોટલી તેઓને સારુ પૂરતી નથી કે, તેઓમાંના દરેકને થોડું થોડું મળે.’”

[8] તેમના શિષ્યોમાંના એક, એટલે સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા, તેમને કહે છે કે,

[9] ‘એક જુવાન અહીં છે, તેની પાસે જવની પાંચ રોટલી અને બે માછલી છે; પણ તે આટલાં બધાને કેવી રીતે પૂરાં પડે?’”

[10] ઈસુએ કહ્યું કે, ‘લોકોને બેસાડો.’ તે જગ્યાએ ઘણું ઘાસ હતું. અને તેઓ બેસી ગયા, પુરુષોની સંખ્યા આશરે પાંચ હજારની હતી.

[11] ત્યારે ઈસુએ તે રોટલીઓ લીધી અને સ્તુતિ કરીને બેઠેલાઓને વહેંચી; માછલીઓમાંથી પણ જેટલું જોઈએ તેટલું વહેંચું.

[12] તેઓ તૃપ્ત થયા પછી ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, ‘કંઈ નકામું ન જાય માટે વધેલા ટુકડાં એકઠો કરો.’”

[13] માટે તેઓએ તે એકઠો કર્યો અને તે જવની પાંચ રોટલીમાંનો જે વધેલા ટુકડાં જમનારાંઓએ રહેવા દીધાં હતા, તેઓની બાર ટોપલી ભરી.

[14] માટે તે લોકોએ ઈસુએ કરેલો એ ચમત્કારિક ચિહ્ન જોઈને કહ્યું કે, ‘જે પ્રબોધક દુનિયામાં આવનાર છે, તે ખરેખર આ જ છે.’”

[15] લોકો આવીને મને રાજા બનાવવા માટે જબરદસ્તીથી પકડવાના છે, એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલા ચાલ્યા ગયા.

[16] સાંજ પડી ત્યારે તેમના શિષ્યો સમુદ્રકિનારે ગયા.

[17] હોડીમાં બેસીને તેઓ કપરનાહૂમ જવાને સમુદ્રના સામેના કિનારે જતા હતા. તે સમયે અંધારું થયું હતું અને ઈસુ હજી તેઓની પાસે આવ્યા ન હતા.

[18] ભારે પવન આવવાથી સમુદ્ર ઊછળતો હતો.

[19] જયારે તેઓ હલેસાં મારીને આશરે પાંચ કે છ કિલોમિટર ગયા, ત્યારે ઈસુને સમુદ્ર પર ચાલતા અને હોડીની પાસે આવતા જોઈને તેઓ ગભરાઈ ગયા.

[20] પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘એ તો હું છું, ગભરાશો નહિ.’”

[21] ત્યારે આનંદથી તેઓએ ઈસુને હોડીમાં લીધા અને તેઓ જ્યાં જતા હતા તે જગ્યાએ હોડી તરત આવી પહોંચી.

[22] બીજે દિવસે, જે લોકો સમુદ્રને પેલે કિનારે ઊભા રહ્યા હતા તેઓએ જોયું કે, એક હોડી વિના બીજી તે સ્થળે ન હતી. અને તે હોડીમાં ઈસુ પોતાના શિષ્યો સાથે ગયા ન હતા, પણ એકલા તેમના શિષ્યો ગયા હતા.

[23] તોપણ જ્યાં પ્રભુએ આભાર માન્યા પછી તેઓએ રોટલી ખાધી હતી, તે સ્થળ પાસેના તિબેરિયસથી બીજી હોડીઓ આવી.

[24] માટે જયારે તે લોકોએ જોયું કે ઈસુ તેમ જ તેમના શિષ્યો તે સ્થળે નથી, ત્યારે તેઓ પોતે હોડીઓમાં બેસીને ઈસુની શોધ કરતા કરતા કપરનાહૂમ આવ્યા.

[25] પછી સમુદ્રને પેલે કિનારે તેઓએ તેમને મળીને પૂછ્યું કે, ‘ગુરુજી, તમે અહીં ક્યારે આવ્યા?’”

[26] ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, તમે ચમત્કારિક ચિહ્નો જોયા તે માટે મને શોધતાં નથી, પણ તમે રોટલી ખાઈને તૃપ્ત થયા તે માટે શોધો છો.

[27] જે ખોરાક નાશવંત છે તેને માટે નહિ, પણ જે ખોરાક અનંતજીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે, તેને માટે મહેનત કરો; કેમ કે ઈશ્વરપિતાએ તેના પર મહોર કરી છે.’”

[28] ત્યારે તેઓએ તેમને પૂછ્યું કે, ‘અમે ઈશ્વરનાં કામ કરીએ તે માટે અમારે શું કરવું જોઈએ?’”

[29] ઈસુએ તેઓને કહ્યું કે, ‘જેને તેમણે મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કરો, એ જ ઈશ્વરનું કામ છે.’”

[30] માટે તેઓએ તેમને કહ્યું, “તમે કયું ચમત્કારિક ચિહ્ન દેખાડો છો કે અમે તે જોઈને તમારા પર વિશ્વાસ કરીએ? તમે શું કામ કરો છો?

[31] અમારા પૂર્વજોએ તો અરણ્યમાં માન્ના ખાધું, જેમ લખેલું છે કે, તેમણે સ્વર્ગમાંથી તેઓને ખાવાને રોટલી આપી.”

[32] ત્યારે ઈસુએ તેઓને કહ્યું, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ‘તે રોટલી મૂસાએ સ્વર્ગમાંથી તમને આપી નથી, પણ સ્વર્ગમાંથી જે ખરી રોટલી આવે છે, તે મારા પિતા તમને આપે છે.

[33] કેમ કે સ્વર્ગમાંથી જે ઊતરીને માનવજગતને જીવન આપે છે, તે ઈશ્વરની રોટલી છે.’”

[34] ત્યારે તેઓએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, તે રોટલી સદા અમને આપો.’”

[35] ઈસુએ તેઓને કહ્યું, ‘જીવનની રોટલી હું છું; જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે અને જે મારા પર વિશ્વાસ કરે છે, તેને કદી તરસ નહિ જ લાગશે.

[36] પણ મેં તમને કહ્યું કે, તમે મને જોયો છે, તોપણ વિશ્વાસ કરતા નથી.

[37] પિતા મને જે આપે છે તે સર્વ મારી પાસે આવશે અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહિ જ મૂકીશ.

[38] કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા પૂરી કરવાને સ્વર્ગથી ઊતર્યો છું.

[39] જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા એ છે કે, તેમણે મને જે સર્વ આપ્યું છે, તેમાંથી હું કંઈ ખોઉં નહીં, પણ છેલ્લાં દિવસે તેને પાછું ઉઠાડું.

[40] કેમ કે મારા પિતાની ઇચ્છા એ છે કે, જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે, તેને અનંતજીવન મળશે; અને છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.’”

[41] એ માટે યહૂદીઓએ તેમને વિષે બડબડાટ કર્યો; કેમ કે તેમણે કહ્યું હતું કે, ‘સ્વર્ગમાંથી ઊતરેલી રોટલી હું છું.’”

[42] તેઓએ કહ્યું કે, ‘યૂસફનો દીકરો, ઈસુ જેનાં માતાપિતાને અમે ઓળખીએ છીએ, તે શું એ જ નથી? ત્યારે તે હમણાં એમ કેમ કહે છે કે, સ્વર્ગમાંથી હું ઊતર્યો છું?’”

[43] ઈસુએ જવાબ આપ્યો કે, ‘તમે અંદરોઅંદર બડબડાટ ન કરો.

[44] જે મારા પિતાએ મને મોકલ્યો છે, તેમના તેડ્યાં વગર કોઈ મનુષ્ય મારી પાસે આવી શકતો નથી; અને છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.

[45] પ્રબોધકના પુસ્તકમાં એમ લખેલું છે કે, ‘તેઓ સઘળા ઈશ્વરથી શીખેલા થશે. તો જે કોઈ પિતાની પાસેથી સાંભળીને શીખ્યો છે, તે મારી પાસે આવે છે.

[46] કેમ કે કોઈ માણસે પિતાને જોયા નથી; ઈશ્વરની પાસેથી જે આવ્યો છે; તેણે જ પિતાને જોયા છે.’”

[47] હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે.

[48] જીવનની રોટલી હું છું.

[49] તમારા પૂર્વજોએ અરણ્યમાં માન્ના ખાધું, અને તેઓ મૃત્યુ પામ્યા.

[50] પણ જે રોટલી સ્વર્ગમાંથી ઊતરી છે, તે એ જ છે કે જો કોઈ તે ખાય તો તે મૃત્યુ પામે નહિ.

[51] સ્વર્ગમાંથી ઊતરેલી જીવનની રોટલી હું છું; જો કોઈ એ રોટલી ખાય, તો તે સદા જીવતો રહેશે; જે રોટલી હું આપીશ તે મારું માંસ છે, તે માનવજગતના જીવનને માટે હું આપીશ.’”

[52] તે માટે યહૂદીઓએ અંદરોઅંદર વાદવિવાદ કરતાં કહ્યું કે, ‘એ માણસ પોતાનું માંસ આપણને ખાવાને શી રીતે આપી શકે?’”

[53] ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું રક્ત ન પીઓ, તો તમારામાં જીવન નથી.

[54] જે કોઈ મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તેને અનંતજીવન છે; છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.

[55] કેમ કે મારું માંસ ખરેખરો ખોરાક છે અને મારું રક્ત ખરેખરું પીણું છે.

[56] જે મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું.

[57] જેમ જીવતા પિતાએ મને મોકલ્યો છે અને હું પિતા દ્વારા જીવું છું; તેમ જે મને ખાય છે, તે પણ મારે સહારે જીવશે.

[58] જે રોટલી સ્વર્ગમાંથી ઊતરી તે એ જ છે; જેમ તમારા પૂર્વજો ખાઈને મૃત્યુ પામ્યા તેવી રોટલી એ નથી; પણ આ રોટલી જે ખાય છે, તે સદા જીવતો રહેશે.’”

[59] તેમણે કપરનાહૂમના સભાસ્થાનમાં બોધ કરતાં એ વાતો કહી.

[60] એ માટે તેમના શિષ્યોમાંના ઘણાંએ તે સાંભળીને કહ્યું કે, ‘આ વાત કઠણ છે, તે કોણ સાંભળી શકે?’”

[61] પણ મારા શિષ્યો જ તે વિષે કચકચ કરે છે એ ઈસુએ પોતાના મનમાં જાણીને તેઓને કહ્યું કે, ‘શું તે તમને આ વાત માઠું લાગ્યું છે?

[62] ત્યારે માણસનો દીકરો જ્યાં પહેલાં હતો ત્યાં જો તેને પાછો ચઢતાં તમે જુઓ તો કેમ?

[63] જે જીવાડે છે તે આત્મા છે; શરીરથી કંઈ લાભ થતો નથી. જે બાબતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે.

[64] પણ તમારામાંના કેટલાક વિશ્વાસ કરતા નથી.’ કેમ કે કોણ અવિશ્વાસી છે અને કોણ તેમને પરસ્વાધીન કરવાનો છે, તે ઈસુ પહેલેથી જાણતા હતા.

[65] તેમણે કહ્યું કે, ‘મેં એ જ કારણથી તમને કહ્યું કે, પિતા તરફથી તેને આપવામાં આવ્યું ન હોય તો કોઈ મારી પાસે આવી શકતો નથી.’”

[66] આ સાંભળીને તેમના શિષ્યોમાંના ઘણાં પાછા પડી ગયા. અને તેમની સાથે ચાલ્યા નહિ.

[67] તે માટે ઈસુએ બાર શિષ્યો ને પૂછ્યું કે, ‘શું તમે પણ જતા રહેવા ચાહો છો?’”

[68] સિમોન પિતરે તેમને જવાબ આપ્યો કે, ‘પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તમારી પાસે છે.

[69] અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ કે, ઈશ્વરના પવિત્ર તે તમે છો.’”

[70] ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘શું મેં તમો બારને પસંદ નહોતા કર્યા? પણ તમારામાંની એક વ્યક્તિ તો શેતાન છે.’”

[71] તેમણે તો સિમોનના દીકરા યહૂદા ઇશ્કારિયોત વિષે તે કહ્યું; કેમ કે તે, બાર શિષ્યોમાંનો હોવા છતાં, તેમને પરાધીન કરનાર હતો.

યોહાનની લખેલી સુવાર્તા — Chapters