[1] હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે દરવાજામાંથી ઘેટાંના વાડામાં પ્રવેશતો નથી, પણ બીજે કોઈ રસ્તેથી પ્રવેશે છે, તે ચોર તથા લૂંટારો છે.
[2] પણ દરવાજામાંથી જે પ્રવેશે છે, તે ઘેટાંપાળક છે.
[3] દ્વારપાળ તેને સારુ દ્વાર ઉઘાડે છે; અને ઘેટાં તેનો અવાજ સાંભળે છે; અને તે પોતાનાં ઘેટાંને નામ લઈને બોલાવે છે અને તેઓને બહાર દોરીને લઈ જાય છે.
[4] જયારે તે પોતાનાં સર્વ ઘેટાંને બહાર લાવે છે, ત્યારે તે તેઓની આગળ ચાલે છે અને ઘેટાં તેની પાછળ પાછળ ચાલે છે; કેમ કે તેઓ તેનો અવાજ ઓળખે છે.
[5] તેઓ અજાણ્યાની પાછળ ચાલશે નહિ, પણ તેની પાસેથી નાસી જશે; કેમ કે તેઓ અજાણ્યાનો અવાજ ઓળખતા નથી.’”
[6] ઈસુએ તેઓને દૃષ્ટાંતમાં કહ્યું, પણ જે વાતો તેમણે તેઓને કહી તે તેઓ સમજ્યા નહિ.
[7] તેથી ઈસુએ ફરીથી તેઓને કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ઘેટાંનું પ્રવેશદ્વાર હું છું.
[8] જેટલાં મારી અગાઉ આવ્યા, તેઓ સર્વ ચોર તથા લૂંટારા છે; પણ ઘેટાંએ તેઓનું સાંભળ્યું નહિ.
[9] પ્રવેશદ્વાર હું છું, મારા દ્વારા જે કોઈ પ્રવેશે, તે ઉદ્ધાર પામશે, તે અંદર આવશે અને બહાર જશે અને તેને ચરવાનું મળશે.
[10] ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજાકોઈ મતલબથી ચોર આવતો નથી. પણ હું તો તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું.
[11] ઉત્તમ ઘેટાંપાળક હું છું; ઉત્તમ ઘેટાંપાળક ઘેટાંને સારુ પોતાનો જીવ આપે છે.
[12] જે નોકર છે અને ઘેટાંપાળક નથી, એટલે જે પોતે ઘેટાંનો માલિક નથી, તે વરુને આવતું જોઈને ઘેટાંને મૂકીને નાસી જાય છે; પછી વરુ તેઓને પકડીને વિખેરી નાખે છે.
[13] તે નાસી જાય છે, કેમ કે તે નોકર છે અને ઘેટાંની તેને કંઈ ચિંતા નથી.
[14] ઉત્તમ ઘેટાંપાળક હું છું અને પોતાનાં ઘેટાંને ઓળખું છું અને મારા પોતાનાં ઘેટાં મને ઓળખે છે.
[15] જેમ પિતા મને ઓળખે છે અને હું પિતાને ઓળખું છું તેમ મારાં પોતાનાં મને ઓળખે છે; અને ઘેટાંને સારુ હું મારો જીવ આપું છું.
[16] મારાં બીજાં ઘેટાં પણ છે, તેઓ આ વાડામાંના નથી; તેઓને પણ મારે લાવવાની જરૂર છે અને તેઓ મારો અવાજ સાંભળશે; અને એક ટોળું, એક ઘેટાંપાળક થશે.
[17] પિતા મારા પર પ્રેમ કરે છે, કારણ કે હું મારો જીવ આપું છું કે હું તે પાછો લઉં.
[18] કોઈ મારી પાસેથી તે લેતો નથી, પણ હું મારી પોતાની જાતે તે આપું છું; તે આપવાનો મને અધિકાર છે અને પાછો લેવાનો પણ મને અધિકાર છે; તે આજ્ઞા મને મારા પિતા તરફથી મળી છે.’”
[19] આ વાતોને લીધે યહૂદીઓમાં ફરીથી ભાગલા પડ્યા.
[20] તેઓમાંના ઘણાંએ કહ્યું કે, ‘તેને દુષ્ટાત્મા વળગેલું છે અને તે પાગલ છે; તમે તેનું કેમ સાંભળો છો?’”
[21] બીજાઓએ કહ્યું કે, ‘દુષ્ટાત્મા વળગેલા માણસની તે વાતો નથી. શું ભૂત અંધજનોની આંખો ઉઘાડી શકે છે?’”
[22] હવે યરુશાલેમમાં અર્પણ કરવાનું પર્વ હતું; અને તે શિયાળાનો સમય હતો.
[23] ઈસુ ભક્તિસ્થાનમાં સુલેમાનની પરસાળમાં ફરતા હતા.
[24] ત્યારે યહૂદીઓએ તેમની આસપાસ ફરી વળીને તેમને કહ્યું, ‘તમે ક્યાં સુધી અમને સંદેહમાં રાખશો? જો તમે ખ્રિસ્ત હો તો તે અમને સ્પષ્ટ કહો.’”
[25] ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘મેં તો તમને કહ્યું, પણ તમે વિશ્વાસ કરતા નથી. મારા પિતાને નામે જે કામો હું કરું છું, તેઓ મારા વિષે સાક્ષી આપે છે.
[26] તોપણ તમે વિશ્વાસ કરતા નથી, કેમ કે તમે મારાં ઘેટાં નથી.
[27] મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે, હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ આવે છે.
[28] હું તેઓને અનંતજીવન આપું છું; કદી તેઓનો નાશ થશે નહિ અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહિ.
[29] મારા પિતા, જેમણે મને તેઓને આપ્યાં છે, તે સહુથી મહાન છે; અને પિતાના હાથમાંથી કોઈ તેઓને છીનવી લેવા સમર્થ નથી.
[30] હું તથા પિતા એક છીએ.’”
[31] ત્યારે યહૂદીઓએ તેમને મારવાને ફરીથી પથ્થર હાથમાં લીધા.
[32] ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘મેં પિતા તરફથી તમને ઘણાં સારાં કામો બતાવ્યાં છે, તેઓમાંના કયા કામને લીધે મને પથ્થર મારો છો?’”
[33] યહૂદીઓએ તેમને ઉત્તર આપ્યો કે, ‘કોઈ સારા કામને લીધે અમે તમને પથ્થર મારતા નથી, પણ દુર્ભાષણને કારણે; અને તમે માણસ હોવા છતાં પોતાને ઈશ્વર ઠરાવો છો, તેને કારણે.’”
[34] ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું કહું છું કે, ‘તમે દેવો છો’ એ શું તમારા નિયમશાસ્ત્રમાં લખેલું નથી?
[35] જેઓની પાસે ઈશ્વરનું વચન આવ્યું, તેઓને જો તેમણે દેવો કહ્યાં તેથી શાસ્ત્રવચનનો ભંગ થતો નથી,
[36] તો જેને પિતાએ પવિત્ર કરીને દુનિયામાં મોકલ્યા, તેમણે કહ્યું કે, હું ઈશ્વરનો દીકરો છું; તો શું તમે તેમને એમ કહો છો કે તમે દુર્ભાષણ કરો છો?
[37] જો હું મારા પિતાનાં કામ કરતો નથી, તો મારા પર વિશ્વાસ ન કરો.
[38] પણ જો હું કરું છું, તો જોકે તમે મારા પર વિશ્વાસ ન કરો, તોપણ તે કામો પર વિશ્વાસ કરો; જેથી તમે જાણો અને સમજો કે, પિતા મારામાં છે અને હું પિતામાં છું.’”
[39] ત્યારે તેઓએ ફરીથી તેમને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ ઈસુ તેઓના હાથમાંથી સરકી ગયા.
[40] પછી ઈસુ યર્દન નદીને સામે કિનારે, જ્યાં પહેલાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો, તે સ્થળે પાછા ગયા, અને ત્યાં રહ્યા.
[41] ઘણાં લોકો તેમની પાસે આવ્યા; તેઓએ કહ્યું, ‘યોહાને કંઈ ચમત્કારિક ચિહ્નો કર્યા ન હતા તે સાચું; પણ યોહાને એમને વિષે જે જે કહ્યું, તે બધું સત્ય હતું.’”
[42] ઘણાં લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો.