[1] એ વાતો કહ્યાં પછી ઈસુ પોતાના શિષ્યો સાથે કિન્દ્રોન ખીણને પેલે પાર ગયા, ત્યાં એક વાડી હતી, તેમાં તેઓ પોતે તથા તેમના શિષ્યો ગયા.
[2] હવે તેમને પરસ્વાધીન કરનાર યહૂદા પણ તે જગ્યા વિષે જાણતો હતો; કેમ કે ઈસુ પોતાના શિષ્યોની સાથે ઘણી વખત ત્યાં જતા હતા.
[3] ત્યારે યહૂદા સૈનિકોની ટુકડી લઈને અને મુખ્ય યાજકો તથા ફરોશીઓની પાસેથી સિપાઈઓને લઈને ફાનસો, મશાલો તથા હથિયારો સહિત ત્યાં આવ્યો છે.
[4] ત્યારે ઈસુને પોતાનાં પર જે સર્વ આવી પડવાનું હતું તે બધું જાણતા હતા, તે માટે તેમણે બહાર જઈને તેઓને કહ્યું કે, ‘તમે કોને શોધો છો?’”
[5] તેઓએ તેમને ઉત્તર દીધો કે, ‘ઈસુ નાઝારીને.’ ઈસુ તેઓને કહે છે કે, ‘તે હું છું.’ અને યહૂદા જે તેમને પરસ્વાધીન કરનાર હતો તે પણ સૈનિકોની સાથે ઊભો હતો.
[6] એ માટે જયારે તેમણે તેઓને કહ્યું કે, ‘તે હું છું,’ ત્યારે તેઓ પાછા હટીને જમીન પર પડ્યા.
[7] ત્યારે તેમણે ફરી તેઓને પૂછ્યું કે, ‘તમે કોને શોધો છો?’ અને તેઓએ કહ્યું કે, ‘નાસરેથના ઈસુને.’”
[8] ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘મેં તમને કહ્યું કે, તે હું છું;’ એ માટે જો તમે મને શોધતાં હો તો, આ માણસોને જવા દો.’”
[9] એ માટે કે જે વચન તેઓ બોલ્યા હતા તે પૂર્ણ થાય; ‘જેઓને તમે મને આપ્યા છે તેઓમાંથી એકને પણ મેં ગુમાવ્યો નથી.’”
[10] ત્યારે સિમોન પિતર તેની પાસે તલવાર હતી, તે કાઢીને પ્રમુખ યાજકના ચાકરનો જમણો કાન કાપી નાખ્યો. તે ચાકરનું નામ માલ્ખસ હતું.
[11] તેથી ઈસુએ પિતરને કહ્યું કે, ‘તારી તલવાર મ્યાનમાં મૂક; જે પ્યાલો મારા પિતાએ મને આપ્યો છે ‘તે શું હું ના પીઉં?’”
[12] ત્યારે સિપાઈઓએ, સેનાપતિ તથા યહૂદીઓના અધિકારીઓએ ઈસુને પકડ્યા અને તેમને બાંધ્યા.
[13] તેઓ પહેલાં તેમને આન્નાસની પાસે લઈ ગયા; કેમ કે તે વર્ષના પ્રમુખ યાજક કાયાફાનો તે સસરો હતો.
[14] હવે કાયાફાએ યહૂદીઓને એવી સલાહ આપી હતી કે, લોકોને માટે એક માણસે મરવું હિતકારક છે.
[15] સિમોન પિતર તથા બીજો એક શિષ્ય ઈસુની પાછળ ગયા. હવે તે શિષ્ય પ્રમુખ યાજકનો ઓળખીતો હતો તેથી ઈસુની સાથે પ્રમુખ યાજકના ઘરના ચોકમાં ગયો.
[16] પણ પિતર બારણા આગળ બહાર ઊભો રહ્યો. માટે તે બીજો શિષ્ય જે પ્રમુખ યાજકનો ઓળખીતો હતો તે બહાર આવ્યો અને દરવાજો સાચવનારી દાસીને કહીને પિતરને અંદર લઈ ગયો.
[17] ત્યારે તે દાસીએ પિતરને કહ્યું કે, ‘શું તું પણ તે માણસના શિષ્યોમાંનો એક છે?’ પિતરે કહ્યું કે, ‘હું નથી.’”
[18] ત્યાં ચાકરો તથા સિપાઈઓ ઠંડીને કારણે કોલસાની તાપણી કરીને તાપતા હતા; કેમ કે ઠંડી હતી; અને પિતર પણ તેઓની સાથે ઊભો રહીને તાપતો હતો.
[19] ત્યારે પ્રમુખ યાજકે ઈસુને તેના શિષ્યો તથા શિક્ષણ વિષે પૂછ્યું.
[20] ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘દુનિયાની સમક્ષ હું પ્રગટ રીતે બોલતો આવ્યો છું; સભાસ્થાનોમાં તથા ભક્તિસ્થાનમાં જ્યાં સર્વ યહૂદીઓ એકઠા થાય છે, ત્યાં હું નિત્ય બોધ કરતો હતો; અને હું ગુપ્તમાં કંઈ બોલ્યો નથી.
[21] ‘તું મને કેમ પૂછે છે?’ તેઓને પૂછ; ‘મેં જે કહ્યું તે મારા સાંભળનારાઓને પૂછ; જો, મેં જે વાતો કહી તે તેઓ જાણે છે.
[22] ઈસુએ એમ કહ્યું ત્યારે, સિપાઈઓમાંનો એક પાસે ઊભો હતો, તેણે ઈસુને તમાચો મારીને કહ્યું કે, શું તું પ્રમુખ યાજકને એવી રીતે જવાબ આપે છે?’”
[23] ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘જો મેં કંઈ ખોટું કહ્યું હોય તો તે વિષે સાબિત કર. પણ જો સાચું હોય, ‘તો તું મને કેમ મારે છે?’”
[24] ત્યારે આન્નાસે ઈસુને બાંધીને પ્રમુખ યાજક કાયાફા પાસે મોકલ્યા.
[25] હવે સિમોન પિતર ઊભો રહીને તાપતો હતો, ત્યારે તેઓએ તેને પૂછ્યું કે, ‘શું તું પણ તેના શિષ્યોમાંનો એક છે?’ તેણે નકાર કરતાં કહ્યું કે, ‘હું નથી.’”
[26] જેનો કાન પિતરે કાપી નાખ્યો હતો તેનો સગો જે પ્રમુખ યાજકના ચાકરોમાંનો એક હતો તેણે કહ્યું, વાડીમાં મેં તને તેની સાથે જોયો નથી શું?
[27] ત્યારે પિતરે ફરીથી ઇનકાર કર્યો; અને તરત જ મરઘો બોલ્યો.
[28] ત્યારે તેઓ ઈસુને કાયાફા પાસેથી દરબારમાં લઈ જતા હતા; તે વહેલી સવારનો સમય હતો; અને તેઓ અશુદ્ધ ન થાય, પાસ્ખા ખાઈ શકે, માટે દરબારમાં ગયા નહિ.
[29] તેથી પિલાતે બહાર આવીને તેઓને કહ્યું કે, ‘એ માણસ પર તમે કયું તહોમત મૂકો છો?’”
[30] તેઓએ તેને ઉત્તર આપ્યો, ‘જો એ માણસ ખોટું કરનાર ન હોત, તો અમે તેને તમને સોંપત નહિ.’”
[31] ત્યારે પિલાતે તેઓને કહ્યું કે, ‘તમે પોતે તેને લઈને તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરો,’ યહૂદીઓએ તેમને કહ્યું કે, ‘કોઈ માણસને મારી નાખવાનો અમને અધિકાર નથી.’”
[32] પોતે કયા મોતથી મરનાર હતા તે સૂચવતાં ઈસુએ જે વચન કહ્યું હતું તે પૂર્ણ થાય માટે એમ થયું.
[33] એથી પિલાતે ફરી દરબારમાં જઈને ઈસુને બોલાવીને તેને પૂછ્યું કે, ‘શું તું યહૂદીઓનો રાજા છે?’”
[34] ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘આ શું તું પોતાના તરફથી કહે છે કે, કોઈ બીજાઓએ મારા સંબંધી એ તને કહ્યું?’”
[35] પિલાતે ઉત્તર આપ્યો કે, ‘શું હું યહૂદી છું?’ તારા દેશના લોકોએ તથા મુખ્ય યાજકોએ તને મારે હવાલે કર્યો; ‘તેં શું કર્યું છે?’”
[36] ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘મારું રાજ્ય આ જગતનું નથી; જો મારું રાજ્ય આ જગતનું હોત, તો મને યહૂદીઓને સ્વાધીન કરવામાં આવત નહિ, તે માટે મારા સેવકો લડાઈ કરત, પણ મારું રાજ્ય તો અહીંનું નથી.
[37] તેથી પિલાતે ઈસુને પૂછ્યું કે, ‘ત્યારે શું તું રાજા છે?’ ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘તું કહે છે કે હું રાજા છું.’ એ જ માટે હું જન્મ્યો છું; અને એ જ માટે હું આ દુનિયામાં આવ્યો છું, જેથી હું સત્ય વિષે સાક્ષી આપું; સર્વ જે સત્યનો છે, તે મારી વાણી સાંભળે છે.’”
[38] પિલાત તેને કહે છે કે, ‘સત્ય શું છે?’ જયારે તેણે એમ કહ્યું ત્યારે, તે ફરીથી યહૂદીઓની પાસે બહાર ગયો અને તેઓને કહ્યું મને આ માણસમાં કંઈ અપરાધ જણાતો નથી.
[39] પણ પાસ્ખાપર્વમાં તમારે માટે એક બંદીવાનને હું છોડી દઉં, એવો તમારો રિવાજ છે. તેથી હું તમારે માટે યહૂદીઓના રાજાને છોડી દઉં, એમ તમે ચાહો છો શું?
[40] ત્યારે તેઓએ ફરીથી ઊંચા અવાજે કહ્યું કે, ‘એને તો નહિ જ, પણ બરાબાસને. હવે બરાબાસ તો લુંટારો હતો.