Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:23

[1] બેલ નમી જાય છે, નબો વાંકો વળે છે; તેમની મૂર્તિઓ જાનવરો પર લાદવામાં આવે છે. આ બધી મૂર્તિઓને લઈ જાય છે તે થાકેલાં જાનવરોને માટે એ મૂર્તિઓ ભારરૂપ છે.

[2] તેઓ બધા વાંકા વળે છે અને ઘૂંટણે પડે છે; તેઓ પોતાની મૂર્તિઓને બચાવી શકતા નથી, પણ તેઓ પોતે બંદીવાન થયા છે.

[3] હે યાકૂબના વંશજો અને યાકૂબના વંશજોમાંથી શેષ રહેલા સર્વ મારું સાંભળો, તમારા જન્મ અગાઉ, ગર્ભસ્થાનથી લઈને મેં તમને ઊંચકી લીધા છે:

[4] તમારા વૃધ્ધાવસ્થા સુધી હું તે જ છું અને તમારા વાળ સફેદ થતાં સુધી હું તમને ઊંચકી લઈશ. મેં તમને બનાવ્યા છે અને હું તમને સહાય કરીશ, હું તમને સુરક્ષિત સ્થાને ઊંચકી જઈશ.

[5] તમે કોની સાથે મને સરખાવશો? અને મારા જેવું બીજું કોણ છે, જેની સાથે મારી સરખામણી કરશો?

[6] લોકો થેલીમાંથી સોનું ઠાલવે છે અને ત્રાજવાથી ચાંદી જોખે છે. તેઓ લુહારને કામે રાખે છે અને તે તેમાંથી દેવ બનાવે છે; તેઓ તેને પગે લાગે છે અને પ્રણામ કરે છે.

[7] તેઓ મૂર્તિને પોતાના ખભા પર ઊંચકે છે; તેઓ તેને પોતાના સ્થાનમાં મૂકે છે અને તે ત્યાં જ ઊભી રહે છે અને ત્યાંથી ખસતી નથી. તેઓ તેની આગળ હાંક મારે છે પણ તે ઉત્તર આપી શકતી નથી કે કોઈને સંકટમાંથી બચાવી શકતી નથી.

[8] હે બળવાખોર લોકો, આ બાબતો પર વિચાર કરો; તેની અવગણના કરશો નહિ.

[9] પુરાતન કાળની વસ્તુઓ વિષે વિચાર કરો, કેમ કે હું ઈશ્વર છું અને બીજો કોઈ નથી, હું ઈશ્વર છું અને મારા જેવો કોઈ નથી.

[10] હું આરંભથી પરિણામ જાહેર કરનાર અને જે થયું નથી તેની ખબર આપનાર છું. હું કહું છું, “મારી યોજના પ્રમાણે થશે અને મારી ઇચ્છા પ્રમાણે હું કરીશ.”

[11] હું પૂર્વથી એક શિકારી પક્ષીને તથા દૂર દેશમાંથી મારી પસંદગીના માણસને બોલાવું છું; હા, હું બોલ્યો છું; હું તે પરિપૂર્ણ કરીશ; મેં તે નક્કી કર્યું છે, હું તે પણ કરીશ.

[12] હે હઠીલા લોકો, જે યોગ્ય છે તે કરવાથી દૂર રહેનારા, મારું સાંભળો.

[13] હું મારું ન્યાયીપણું પાસે લાવું છું; તે દૂર રહેનાર નથી અને હવે હું તમારો ઉદ્ધાર કરવાનો છું; અને હું સિયોનનો ઉદ્ધાર કરીશ અને મારી સુંદરતા ઇઝરાયલને આપીશ.

યશાયા — Chapters