Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:35

[1] તે દિવસે યહોવાહ પોતાની સખત, મહાન અને સમર્થ તલવારથી વેગવાન સર્પ લિવિયાથાનને, એટલે ગૂંછળિયા સર્પ લિવિયાથાનને શિક્ષા કરશે. અને જે અજગર સમુદ્રમાં રહે છે તેને તે મારી નાંખશે.

[2] તે દિવસે, દ્રાક્ષવાડીના દ્રાક્ષારસ માટે ગીત ગાઓ.

[3] “હું યહોવાહ, તેનો રક્ષક છું, પળે પળે હું તેને સિંચું છું; હું રાત તથા દિવસે તેનું રક્ષણ કરું છું રખેને કોઈ તેને ઈજા પહોંચાડે.

[4] હું હવે ગુસ્સે નથી, અરે, ત્યાં ઝાંખરાં અને કાંટા મારી સામે હોત તો કેવું સારું! યુદ્ધમાં હું તેમની સામે કૂચ કરીને હું તેઓને એકસાથે બાળી નાખત.

[5] તેઓએ મારા રક્ષણમાં આવવું અને મારી સાથે સમાધાન કરવું; હા, તેઓએ મારી સાથે સમાધાન કરવું.

[6] આવનાર દિવસોમાં, યાકૂબની જડ ઊગશે, ઇઝરાયલને ફૂલ અને કળીઓ ખીલશે; અને તેઓ ફળથી પૃથ્વીની સપાટી ભરપૂર કરશે.”

[7] યહોવાહે યાકૂબ તથા ઇઝરાયલના શત્રુઓને જેવો માર માર્યો છે શું તેવો માર એને માર્યો છે? શત્રુઓની જેવી કતલ કરી છે તે પ્રમાણે શું યાકૂબ તથા ઇઝરાયલનો સંહાર કર્યો છે?

[8] ચોક્કસ માપમાં તમે દલીલ કરી છે, જેમ યાકૂબ તથા ઇઝરાયલને તજી દઈને, તેને પૂર્વના વાયુને દિવસે તેમણે પોતાના તોફાની વાયુથી તેમને દૂર કર્યા છે.

[9] તેથી આ રીતે, યાકૂબના અપરાધનું માફ કરવામાં આવશે, કેમ કે તેનાં પાપ દૂર કરવાનાં તમામ ફળ આ છે: તે વેદીના સર્વ પથ્થરને પીસીને ચુનાના પથ્થર જેવા કરી નાખશે અને અશેરાના સ્તંભો અને કોઈ ધૂપવેદી ઊભી રહેશે નહિ.

[10] કેમ કે મોરચાબંધ નગર ઉજ્જડ, રહેઠાણ અરણ્ય સમાન થયેલું અને ત્યાગ કરેલું રહેશે. ત્યાં વાછરડું ચરશે, ત્યાં તે બેસશે અને તેની ડાળીઓ ખાશે.

[11] તેની ડાળીઓ સુકાશે ત્યારે તેઓને ભાંગી નાખવામાં આવશે. સ્ત્રીઓ આવીને તેમનું બળતણ કરશે, કેમ કે, આ લોક સમજણા નથી. તેથી તેઓના સર્જનહાર તેઓના પર દયા કરશે નહિ અને તેઓના પર કૃપા કરશે નહિ.

[12] તે દિવસે યહોવાહ ફ્રાત નદીના પ્રવાહથી તે મિસરની નદી સુધી અનાજને ઝૂડશે અને હે ઇઝરાયલીઓ તમને એકએકને એકત્ર કરવામાં આવશે.

[13] તે દિવસે મોટું રણશિંગડું વગાડવામાં આવશે; અને આશ્શૂર દેશમાં જેઓ નાશ પામનાર હતા, તેઓ તથા મિસરમાં જેઓને તજી દેવામાં આવ્યા હતા, તેઓ આવશે, તેઓ યરુશાલેમમાં પવિત્ર પર્વત પર યહોવાહની ઉપાસના કરશે.

યશાયા — Chapters