[1] જુઓ, સૈન્યોના પ્રભુ યહોવાહ યરુશાલેમમાંથી તથા યહૂદામાંથી આધાર, ટેકો, રોટલી તથા પાણીનો આખો પુરવઠો લઈ લેનાર છે;
[2] શૂરવીર તથા લડવૈયા, ન્યાયાધીશ તથા પ્રબોધક, જોશી તથા વડીલ;
[3] સૂબેદાર, પ્રતિષ્ઠિત પુરુષ, સલાહકાર અને કુશળ કારીગર તથા ચતુર જાદુગરને તે લઈ લેશે.
[4] “હું જુવાનોને તેઓના આગેવાન ઠરાવીશ અને બાળકો તેઓના પર રાજ કરશે.
[5] લોકો એકબીજાથી અને દરેક વ્યક્તિ પોતાના પડોશીથી પીડા પામશે; બાળક વડીલનો અને સામાન્ય માણસ પ્રતિષ્ઠિત માણસનો તિરસ્કાર કરશે.
[6] તે સમયે માણસ પોતાના ભાઈને તેના પિતાના ઘરમાં પકડીને, કહેશે કે, ‘તારી પાસે વસ્ત્ર છે; તું અમારો અધિપતિ થા અને આ ખંડિયેર તારા હાથ નીચે રહે.’
[7] ત્યારે તે મોટા અવાજથી કહેશે, ‘હું તો સુધારનાર થવાનો નથી; મારી પાસે રોટલી કે વસ્ત્ર નથી. તમે મને લોકોનો અધિપતિ ઠરાવશો નહિ.”
[8] કેમ કે યરુશાલેમની પાયમાલી અને યહૂદાની પડતી થઈ છે, કારણ કે તેઓની વાણી અને કરણીએ યહોવાહની વિરુદ્ધ તેમના રાજ અધિકારની અવગણના કરી છે.
[9] તેઓના ચહેરા જ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે; અને તેઓ સદોમની જેમ પોતાનું પાપ પ્રગટ કરે છે, તેઓ તેને સંતાડતા નથી. તેઓને અફસોસ છે! કેમ કે તેઓએ પોતે જ આફત વહોરી લીધી છે.
[10] ન્યાયી વ્યક્તિને કહો કે તેનું સારું થશે; કેમ કે તેઓ પોતાની કરણીનું ફળ ખાશે.
[11] દુષ્ટને અફસોસ! તે તેના માટે ખરાબ થશે, કેમ કે તે તેના હાથે કરેલાં કૃત્યનું ફળ ભોગવશે.
[12] મારા લોક પર તો બાળકો જુલમ કરે છે અને સ્ત્રીઓ તેમના પર રાજ કરે છે. મારા લોક, તમારા આગેવાનો તમને કુમાર્ગે દોરે છે અને તમારા ચાલવાના માર્ગ ગૂંચવી નાખે છે.
[13] યહોવાહ ન્યાય કરવાને ઊઠ્યા છે; પોતાના લોકોનો ન્યાય કરવાને તે ઊભા થયા છે;
[14] યહોવાહ પોતાના લોકોના વડીલોનો તથા તેમના સરદારોનો ન્યાય કરશે: “તમે દ્રાક્ષવાડીને ખાઈ ગયા છો; ગરીબોની લૂંટ તમારા ઘરમાં છે.
[15] તમે કેમ મારા લોકોને છૂંદી નાખો છો અને દરિદ્રીઓના ચહેરાને કચડો છો?” સૈન્યોના પ્રભુ, યહોવાહ એવું કહે છે.
[16] યહોવાહ કહે છે કે સિયોનની દીકરીઓ ગર્વિષ્ઠ છે અને તેઓ માથું ઊંચું રાખીને, આંખોથી કટાક્ષ મારતી, પગથી છમકારા કરતી અને ઠમકતી ઠમકતી ચાલે છે.
[17] તેથી પ્રભુ સિયોનની દીકરીઓના માથાંને ઉંદરીવાળાં કરી નાખશે અને યહોવાહ તેમને ટાલવાળા કરી નાખશે.
[18] તે દિવસે પ્રભુ પગની ઘૂંટીના દાગીનાની શોભા લઈ લેશે, માથાબાંધણ, ચંદનહાર
[19] ઝૂમખાં, બંગડીઓ, ઘૂંઘટ;
[20] મુગટો, સાંકળા, પગનાં ઝાંઝર, અત્તરદાનીઓ, માદળિયાં.
[21] વીંટી, નથ;
[22] ઉત્તમ વસ્ત્રો, ઝભ્ભાઓ, બુરખાઓ અને પાકીટ;
[23] આરસીઓ, મલમલનાં વસ્ત્રો, પાઘડીઓ તથા બુરખા તે બધું લઈ લેવામાં આવશે.
[24] સુગંધીઓને બદલે દુર્ગંધ; અને કમરબંધને બદલે દોરડું; ગૂંથેલા વાળને બદલે ટાલ; અને ઝભ્ભાને બદલે ટાટનું આવરણ; અને સુંદરતાને બદલે કુરૂપતા થશે.
[25] તારા પુરુષો તલવારથી અને તારા શૂરવીરો યુદ્ધમાં પડશે.
[26] યરુશાલેમના દરવાજા શોક તથા વિલાપ કરશે; અને તે ખાલી થઈને ભૂમિ પર બેસશે.