[1] હે વિદેશીઓ, તમે સાંભળવાને પાસે આવો; હે લોકો તમે કાન ધરો! પૃથ્વી તથા તે પર જે કાંઈ છે તે સર્વ, જગત તથા તેમાંથી જે સર્વ નીપજે છે તે સાંભળો.
[2] કેમ કે સર્વ પ્રજાઓ પર અને તેના સર્વ સૈન્યો પર યહોવાહને ક્રોધ ચઢ્યો છે; તેમણે તેમનો સંપૂર્ણ નાશ કર્યો છે, તેઓને સંહારને આધીન કર્યા છે.
[3] તેમના મારી નંખાયેલા નાખી દેવામાં આવશે; અને તેમના મૃતદેહો દુર્ગંધ મારશે, અને પર્વતો તેમના રક્તથી ઢંકાઈ જશે.
[4] આકાશના સર્વ તારાઓ ખરી પડશે, અને આકાશ ઓળિયાની જેમ વાળી લેવાશે; અને તેના સર્વ તારાઓ ખરી પડશે જેમ દ્રાક્ષાવેલા પરથી પાંદડુ ખરી પડે છે અને પાકી ગયેલાં અંજીર ઝાડ પરથી ખરે છે તેમ તે ખરી પડશે.
[5] કેમ કે મારી તલવાર આકાશમાં પીને ચકચૂર થઈ છે, જુઓ, હવે તે અદોમ અને આ લોકોનો નાશ કરવાને તેમના ઉપર ઊતરશે.
[6] યહોવાહની તલવાર રક્તથી અને મેદથી, જાણે હલવાન તથા બકરાંના રક્તથી, બકરાના ગુરદાનાં મેદથી તરબોળ થયેલી છે. કેમ કે, બોસરામાં યહોવાહનો યજ્ઞ તથા અદોમ દેશમાં મોટી કતલ થયેલી છે.
[7] જંગલના ગોધાઓ, બળદો અને વાછરડાઓ એ બધાની કતલ એકસાથે થશે. તેઓની ભૂમિ રક્તથી તરબોળ થશે અને તેઓની ધૂળ મેદથી મિશ્રિત થશે.
[8] કેમ કે, તે યહોવાહનો વેર વાળવાનો દિવસ છે અને સિયોન સાથેની તકરારનો બદલો લેવાનું વર્ષ છે.
[9] અદોમનાં નાળાંઓ ડામર થઈ જશે, તેની ધૂળ ગંધક થઈ જશે, અને તેની ભૂમિ બળતો ડામર થશે.
[10] તે રાત અને દિવસ બળતું રહેશે; તેનો ધુમાડો સદા ઊંચે ચઢશે; તેની ભૂમિ પેઢી દરપેઢી ઉજ્જડ રહેશે; સદાને માટે તેમાં થઈને કોઈ જશે નહિ.
[11] પણ જંગલી પક્ષીઓ અને પ્રાણીઓ નું તે વતન થશે; ઘુવડ તથા કાગડા ત્યાં તેમના માળા બાંધશે. અને તે પર અસ્તવ્યસ્તતા તથા ખાલીપણાનો ઓળંબો તે લંબાવશે.
[12] તેના ધનિકોની પાસે રાજ્ય કહેવાને માટે કશું હશે નહિ અને તેના સર્વ સરદારો નહિ જેવા થશે.
[13] તેના રાજમહેલોમાં કાંટા અને તેના કિલ્લાઓમાં કૌવચ અને ઝાંખરાં ઊગશે. ત્યાં શિયાળોનું રહેઠાણ અને ત્યાં શાહમૃગનો વાડો થશે.
[14] ત્યાં જંગલનાં પ્રાણીઓ અને વરુઓ ભેગા થશે અને જંગલનાં બકરાઓ એકબીજાને પોકારશે. નિશાચર પ્રાણી પણ ત્યાં વાસો કરશે અને પોતાને માટે વિશ્રામસ્થાન બનાવશે.
[15] ઘુવડો ત્યાં માળો બાંધશે, ઈંડાં મૂકશે અને તે સેવીને બચ્ચાંને પોતાની છાયા નીચે એકત્ર કરશે. હા, ત્યાં સમડીઓ પણ દરેક પોતાના સાથી સહિત એકઠી થશે.
[16] યહોવાહના પુસ્તકમાં શોધ કરો; તેઓમાંથી એક પણ બાકી રહેશે નહિ. કોઈપણ પોતાના સાથી વિનાનું માલૂમ પડશે નહિ, કેમ કે તેમના મુખે આ આજ્ઞા આપી છે અને તેમના આત્માએ તેઓને એકઠાં કર્યાં છે.
[17] તેમણે તેઓના માટે ચિઠ્ઠી નાખી છે અને તેમના હાથે દોરીથી માપીને તેમને તે વહેંચી આપ્યું છે; તેઓ સર્વકાળ તેનું વતન ભોગવશે; પેઢી દરપેઢી તેઓ તેમાં વસશે.