Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:13

[1] દર્શનની ખીણ વિષે ઈશ્વરવાણી. શું કારણ છે કે તારા સર્વ માણસો પોતાના ધાબા પર ચઢી ગયા છે?

[2] અરે, ઘોંઘાટિયા નગર, ખુશામતથી ભરપૂર નગર, તારા મૃત્યુ પામેલા તલવારથી મારેલા નથી અને તેઓ યુદ્ધમાં માર્યા ગયા નથી.

[3] તારા સર્વ અધિકારીઓ એકસાથે ભાગી ગયા, પણ તેઓ ધનુષ્ય વગર પકડાયા છે, તેઓ સર્વ સાથે પકડાયા અને બાંધવામાં આવ્યા; તેઓ દૂર નાસી ગયા.

[4] તેથી હું કહું છું કે, “મારી તરફ જોશો નહિ, હું ચોધાર આંસુએ રડીશ; મારા લોકની કન્યાના વિનાશને લીધે મને દિલાસો આપવા માટે શ્રમ કરશો નહિ.

[5] કેમ કે, દર્શનની ખીણમાં પ્રભુ યહોવાહે મોકલેલો ગડગડાટ, પાયમાલી તથા ઘોંઘાટ નો દિવસ છે, કોટ નો નાશ કરવાનો અને પર્વતની તરફ વિલાપ કરવાનો તે દિવસ છે.

[6] એલામના પાયદળ તથા ઘોડેસવારોની ટુકડીઓ સહિત ભાથો ઊંચકી લીધો; અને કીરે ઢાલ ઉઘાડી કરી છે.

[7] તારી ઉત્તમ ખીણો રથોથી ભરપૂર થઈ ગઈ હતી, અને ઘોડેસવારો દરવાજા આગળ પહેરો ભરતા ઊભા રહ્યા હતા.”

[8] તેણે યહૂદિયાની નિરાધાર સ્થિતિ ખુલ્લી કરી; અને તે દિવસે તેં વનના મહેલમાં શસ્ત્રો જોયાં.

[9] વળી તમે જોયું કે દાઉદના નગરના કોટમાં ઘણે સ્થળે ફાટ પડી છે; અને તમે નીચલા તળાવનું પાણી એકઠું કર્યું.

[10] તમે યરુશાલેમનાં ઘરોની ગણતરી કરી અને કોટને સમારવા માટે ઘરોને પાડી નાખ્યાં.

[11] વળી તમે બે કોટોની વચમાં પુરાતન તળાવનાં પાણીને માટે કુંડ કર્યો. પરંતુ તમે નગરનાં કર્તાની તરફ, જેણે અગાઉથી આ યોજના કરી હતી તેની તરફ લક્ષ લગાડ્યું નહિ.

[12] પ્રભુ, સૈન્યોના યહોવાહે તે દિવસે તમને રડવાને, વિલાપ કરવાને, માથું મુંડાવવાને તથા ટાટ પહેરવાને બોલાવ્યા.

[13] પરંતુ જુઓ, તેને બદલે આનંદ અને હર્ષ, બળદ મારવાનું અને ઘેટા કાપવાનું, માંસ ખાવાનું અને દ્રાક્ષારસ પીવાનું ચાલે છે, કેમ કે કાલે તો આપણે મરી જઈશું.

[14] મારા કાનોમાં સૈન્યોના યહોવાહે કહ્યું: “ખરેખર, આ અન્યાય તમને માફ કરવામાં આવશે નહિ, તમે મૃત્યુ પામો ત્યારે પણ નહિ,” પ્રભુ, સૈન્યોના યહોવાહે કહ્યું છે.

[15] પ્રભુ, સૈન્યોના યહોવાહે કહે છે: “આ પ્રધાન શેબ્ના જે રાજમહેલનો કારભારી છે તેની પાસે જઈને તેને કહે કે:

[16] ‘તારું અહીં શું છે અને તું કોણ છે કે તેં પોતાને માટે અહીં કબર ખોદી છે? તું ઊંચે પોતાની કબર ખોદે છે, ખડકમાં પોતાને માટે રહેઠાણ કોતરે છે!”

[17] જુઓ, યહોવાહ શૂરવીરની જેમ તને જોરથી ફેંકી દેશે; તે તને મજબૂતાઈથી પકડી રાખશે.

[18] તે નિશ્ચે તને દડાની જેમ લપેટી લપેટીને વિશાળ દેશમાં ફેંકી દેશે. ત્યાં તારું મૃત્યુ થશે અને તારા શોભાયમાન રથો ત્યાં જ રહેશે; તે તારા ધણીના ઘરને કલંક લગાડનાર થશે.

[19] “હું તને તારી પદવી અને સ્થાન પરથી હડસેલી કાઢીશ. તને તારી જગાએથી પાડી નાખીશ.

[20] તે દિવસે હું મારા સેવક હિલ્કિયાના દીકરા એલિયાકીમને બોલાવીશ.

[21] હું તેને તારો પોશાક પહેરાવીશ, તારો કમરબંધ તેની કમરે બાંધીશ, હું તેના હાથમાં તારો અધિકાર સોંપીશ. તે યરુશાલેમના રહેવાસીઓ સાથે તથા યહૂદિયાના માણસો સાથે પિતાની જેમ વર્તશે.

[22] હું દાઉદના ઘરની ચાવી તેના ખભા પર મૂકીશ; તે ઉઘાડશે તેને કોઈ બંધ નહિ કરી શકે; તે બંધ કરશે તેને કોઈ ઉઘાડી નહિ શકે.

[23] હું તેને મજબૂત સ્થાનમાં ખીલાની જેમ ઠોકી બેસાડીશ અને તે પોતાના પિતાના કુટુંબને માટે ગૌરવનું સિંહાસન થશે.

[24] તેઓ તેના પિતાના ઘરનો સર્વ વૈભવ, કુટુંબ-પરિવાર, પ્યાલા જેવાં નાનાં પાત્રથી તે શિરોઇ જેવા પાત્ર સુધી, તે સર્વ તેના પર લટકાવી રાખશે.

[25] સૈન્યોના યહોવાહનું એવું વચન છે કે, “તે દિવસે મજબૂત સ્થાનમાં જે ખીલો ઠોકી બેસાડેલો હતો તે નીકળી આવશે; અને તેના પર જે ભાર હતો તે નષ્ટ થશે” કેમ કે આ યહોવાહ એવું બોલ્યા છે.

યશાયા — Chapters