Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:23

[1] મિસર વિષે ઈશ્વરવાણી. જુઓ, યહોવાહ વેગવાન વાદળ પર બેસીને મિસરમાં આવે છે; મિસરની મૂર્તિઓ તેમની આગળ ધ્રૂજશે, મિસરીઓનાં હૃદય તેમનામાં જ પીગળી જશે.

[2] “હું મિસરીઓને મિસરીઓની વિરુદ્ધ ઉશ્કેરીશ દરેક પોતાના ભાઈની વિરુદ્ધ અને દરેક પોતાના પડોશીની વિરુદ્ધ; નગર નગરની વિરુદ્ધ અને રાજ્ય રાજ્યની વિરુદ્ધ લડાઈ કરશે.

[3] મિસરની ભાવના અંદરથી નબળી પડી જશે. હું તેમની સલાહનો નાશ કરીશ, જો કે તેઓ મૂર્તિઓ, મૃતકોના આત્માઓ, ભૂવાઓ અને તાંત્રિકોની પાસે જઈને સલાહ માગે છે.

[4] હું મિસરીઓને નિર્દય માલિકના હાથમાં સોંપી દઈશ અને ક્રૂર રાજા તેઓ પર રાજ કરશે સૈન્યોના પ્રભુ યહોવાહનું આ વચન છે.”

[5] સમુદ્રનાં પાણી સુકાઈ જશે, નદીનાં પાણી સુકાઈ જશે અને નદી ખાલી થઈ જશે.

[6] નદીઓ ગંધ મારશે; મિસરની નહેરો ખાલી થઈને સુકાઈ જશે; બરુઓ તથા કમળ ચીમળાઈ જશે.

[7] નીલને કાંઠે આવેલાં બરુ, નીલ પાસે સર્વ વાવેલાં ખેતરો સુકાઈ જશે, ધૂળ થઈ જશે અને ઊડી જશે.

[8] માછીમારો રડશે અને શોક કરશે, નીલમાં ગલ નાખનાર વિલાપ કરશે તેમ જ પાણીમાં જાળ નાખનારાઓ નિરાશ થશે.

[9] ગૂંથેલા શણનું કામ કરનારા તથા સફેદ વસ્ત્રના વણનારા નિરાશ થશે.

[10] મિસરના વસ્ત્રના કામદારોને કચડી નાખવામાં આવશે; સર્વ મજૂરી કરનારા નિરાશ થશે.

[11] સોઆનના રાજકુમારો તદ્દન મૂર્ખ છે. ફારુનના સૌથી જ્ઞાની સલાહકારોની સલાહ અર્થહીન થઈ છે. તમે ફારુન આગળ કેવી રીતે કહી શકો કે, “હું જ્ઞાનીઓનો પુત્ર, પ્રાચીનકાળના રાજાઓનો પુત્ર છું?”

[12] તો હવે તારા જ્ઞાની પુરુષો ક્યાં છે? તેઓ તને ખબર આપે અને સૈન્યોના યહોવાહ તને મિસર વિષે શી યોજના છે તે જણાવે.

[13] સોઆનના રાજકુમારો મૂર્ખ થયા છે, નોફના રાજકુમારો છેતરાયા છે; તેઓના કુળોના મુખ્ય માણસોએ મિસરને અન્ય માર્ગે દોર્યું છે.

[14] યહોવાહે તેમાં આડાઈનો આત્મા ભેળવ્યો છે; અને જેમ પીધેલો માણસ ઊલટી કરતો લથડિયાં ખાય છે, તેમ તેઓએ મિસરને તેનાં સર્વ કામોમાં ભમાવ્યો છે.

[15] માથું કે પૂછડું, ખજૂરીની ડાળી કે બરુ મિસરને માટે કોઈ કંઈ પણ કરી શકશે નહિ.

[16] તે દિવસે, મિસરીઓ સ્ત્રી જેવા થશે. યહોવાહના ઉગામેલા હાથને કારણે તેઓ ભયભીત થઈને થથરવા લાગશે જે હાથ સૈન્યોના યહોવાહે તેમના પર ઉગામ્યો છે.

[17] યહૂદિયાનો દેશ મિસરને માટે આશ્ચર્યનું કારણ બનશે. યહોવાહે તેની વિરુદ્ધ કરેલી યોજનાને કારણે, જયારે પણ કોઈ તેમને તેની યાદ અપાવશે, તેઓ ડરી જશે.

[18] તે દિવસે મિસર દેશમાં કનાની ભાષા બોલનારાં, સૈન્યોના યહોવાહની આગળ સમ ખાનારાં એવાં પાંચ નગર થશે; તેઓમાંનું એક સૂર્ય - નગર કહેવાશે.

[19] તે દિવસે મિસર દેશની મધ્યમાં યહોવાહને માટે વેદી થશે અને તેની સરહદ ઉપર યહોવાહને માટે એક સ્તંભ થશે.

[20] તે મિસર દેશમાં સૈન્યોના યહોવાહને માટે ચિહ્નરૂપ તથા સાક્ષીરૂપ થશે. જયારે તેઓ જુલમ કરનારાઓને લીધે યહોવાહને પોકારશે, ત્યારે તે તેઓને માટે ઉધ્ધારક તથા તારનાર મોકલશે અને તે તેઓને છોડાવશે.

[21] તે દિવસે યહોવાહ મિસરને પોતાને ઓળખાવશે અને મિસર યહોવાહને ઓળખશે. તેઓ બલિદાન તથા અર્પણોથી તેની આરાધના કરશે અને યહોવાહને નામે માનતા લેશે અને તેને પૂરી કરશે.

[22] યહોવાહ મિસરને પીડા આપશે, પીડા આપ્યા પછી તેનો ઉપચાર કરશે. તેઓ યહોવાહની તરફ પાછા ફરશે; તે તેમની પ્રાર્થના સાંભળશે અને તેમને સાજા કરશે.

[23] તે દિવસે મિસરથી આશ્શૂર સુધી સડક થશે, અને આશ્શૂરીઓ મિસરમાં આવશે, તથા મિસરીઓ આશ્શૂરમાં જશે; અને મિસરીઓ આશ્શૂરીઓ સાથે આરાધના કરશે.

[24] તે દિવસે, મિસર તથા આશ્શૂરની સાથે ત્રીજો ઇઝરાયલ ભળશે, તે પૃથ્વી પર આશીર્વાદરૂપ થઈ જશે;

[25] સૈન્યોના યહોવાહ તેમને આશીર્વાદ આપશે અને કહેશે, “મારા લોક મિસર; મારા હાથની કૃતિ આશ્શૂર અને મારું પોતાનું વતન ઇઝરાયલ આશીર્વાદિત થાઓ.”

યશાયા — Chapters